પ્રોજેક્ટ માટે આવી કુલ ૧૧ કૅન્ડેલા P12 ફેરી બોટનો ઑર્ડર આપવામાં આવ્યો છે જેની સ્પીડ ૪૦ કિલોમીટર પ્રતિ કલાક છે
હાઈ-ટેક ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ બોટ કૅન્ડેલા P12
૬૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે શરૂ થનારા મુંબઈ વૉટર મેટ્રો પ્રોજેક્ટ માટે પહેલી હાઈ-ટેક ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ બોટ કૅન્ડેલા P12 મળી ગઈ છે. બોટ અત્યારે જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT) ઑથોરિટી ખાતે કસ્ટમ્સ ક્લિયરન્સની પ્રક્રિયા હેઠળ છે. પોર્ટ ડેવલપમેન્ટ મિનિસ્ટર નીતેશ રાણેએ કહ્યું હતું કે ‘કસ્ટમ્સ ક્લિયરન્સ મળ્યા બાદ ટૂંક સમયમાં જ પાણીમાં આ બોટની ટેસ્ટ-ડ્રાઇવ શરૂ કરવામાં આવશે. સાવચેતીરૂપે ચોમાસા બાદ વૉટર મેટ્રો સર્વિસ શરૂ કરવામાં આવશે.’
પ્રોજેક્ટ માટે આવી કુલ ૧૧ કૅન્ડેલા P12 ફેરી બોટનો ઑર્ડર આપવામાં આવ્યો છે જેની સ્પીડ ૪૦ કિલોમીટર પ્રતિ કલાક છે અને ૩૦ મુસાફરોની ક્ષમતા ધરાવે છે. આ વૉટર મેટ્રો ફેરી શરૂઆતમાં બે મહત્ત્વના રૂટ ગેટવે ઑફ ઇન્ડિયાથી અલીબાગ (માંડવા) અને વર્સોવાથી મઢ વચ્ચે દોડાવવામાં આવશે. કૅન્ડેલા P12 ફેરીમાં ખાસ હાઇડ્રોફોઇલ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેક્નૉલૉજીને કારણે બોટ સ્પીડ પકડે છે ત્યારે એ પાણીની સપાટીથી થોડી ઉપર ઊંચકાઈ જાય છે. આનાથી પાણીનું ઘર્ષણ ખૂબ ઘટી જાય છે એટલે વધારે જર્ક અનુભવાતા નથી.
