પોલીસે વિરારમાં ગુમ થયેલી બિલાડીની શોધ શરૂ કરી : અપહરણકર્તાએ એને નાળામાં ફેંકી દીધી હોવાની શંકા

બિલાડીનું કિડનૅપિંગ
વિરાર પોલીસ સાંઈ રત્ન ટાવર બિલ્ડિંગમાંથી ગૂણીમાં ભરીને અપહરણ કરાયેલી બિલાડીને શોધી રહી છે. પોલીસે બિલાડીને ગૂણીમાં ભરીને વિરાર-પૂર્વમાં જ અન્ય સ્થળે લઈ જવા બદલ એ જ બિલ્ડિંગમાં રહેતા ૪૫ વર્ષના આરોપી અશોક લાડ સામે ગુનો નોંધ્યો છે. પ્રાણીઓ માટે કામ કરતા એક ઍક્ટિવિસ્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે કથિત આરોપીએ બિલાડીને નાળામાં ફેંકી દીધી હોવી જોઈએ.
એ જ સોસાયટીમાં રહેતાં અને છેલ્લા એક વર્ષથી બિલાડીની સંભાળ રાખતાં ૪૧ વર્ષનાં ફરિયાદી પ્રદન્યા મેહરે કહ્યું હતું કે એપ્રિલ મહિનામાં બિલાડીએ બે બચ્ચાંને જન્મ આપ્યો હતો.
‘મિડ-ડે’ સાથે વાત કરતાં પ્રદન્યા મેહરે કહ્યું હતું કે ‘૨૦ એપ્રિલે બંને બચ્ચાં સોસાયટીમાં રડી રહ્યાં હતાં તથા એમની માતા સોસાયટીમાં ક્યાંય દેખાઈ નહોતી રહી. સોસાયટીના સભ્ય અશોક લાડને હું ૨૮ એપ્રિલે મળી ત્યારે તેણે બિલાડી તેની પત્નીને કરડી હોવાથી તે એને બીજે મૂકી આવ્યો હોવાનું કબૂલ્યું હતું.’
મેં તત્કાળ વિરાર પોલીસને જાણ કરી હતી. પોલીસે પુરાવાની માગણી કરતાં સોસાયટીના સીસીટીવી કૅમેરામાં ૧૭ એપ્રિલના ફુટેજમાં અશોક લાડ બિલાડીને ગૂણીમાં ભરીને બાઇક પર અન્ય સ્થળે લઈ જતો જોવા મળ્યો હતો.