વરસાદની જોરદાર વાછટો અને દરિયાનાં મોજાંની વાછટોનો બેવડો આનંદ તેમણે લીધો હતો અને મોબાઇલમાં એ ક્ષણના ફોટા પાડતા તેમ જ સેલ્ફી લેતા જોવા મળ્યા હતા.
મજા, સજા
મુંબઈમાં ગઈ કાલે ભરતીના સમયે જ વરસેલા વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. ગઈ કાલે ૪.૭૧ મીટર ઊંચાં મોજાં ઊછળતાં જોવા મળ્યાં હતાં એટલે એ વિસ્તારમાં રહેતા લોકોએ હાડમારી ભોગવવી પડી હતી, જ્યારે આ જ વરસાદની મજા લેતા અનેક લોકો ભીંજાતા અને સેલ્ફી લઈ મજા કરતા જોવા મળ્યા હતા.
બાંદરા-વેસ્ટમાં દરિયાકિનારાની નજીકના વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. બાંદરાના બેઠી ચાલીના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પાણી ઘરમાં આવી જતાં લોકોએ તેમની ઘરવખરી, ગાદલાં, ટીવી-સેટ વગેરે સંભાળવા ત્વરિત પગલાં લેવા પડ્યાં હતાં. એટલું જ નહીં, ઘરમાં ભરાયેલાં પાણીને કાઢવા માટે તેમણે જહેમત ઉઠાવવી પડી હતી.
ADVERTISEMENT
જ્યારે તેઓ ભારે વરસાદથી હેરાનગતિ ભોગવી રહ્યા હતા ત્યારે તેમનાથી થોડે જ દૂર બૅન્ડસ્ટૅન્ડ પર લોકો વરસાદની મજા લેતા જોવા મળ્યા હતા. અનેક યુવાન છોકરા-છોકરીઓ વરસાદમાં છત્રી કે રેઇનકોટ વગર માત્ર ભીંજાવાની મજા લેવા માટે નીકળી પડ્યાં હતાં અને વરસાદની જોરદાર વાછટો અને દરિયાનાં મોજાંની વાછટોનો બેવડો આનંદ તેમણે લીધો હતો અને મોબાઇલમાં એ ક્ષણના ફોટા પાડતા તેમ જ સેલ્ફી લેતા જોવા મળ્યા હતા.
જોકે હાલના આ ચાર દિવસ મોટી ભરતીના હોવાથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ લોકોને દરિયાકિનારે ન જવાનું કહ્યું છે. એ જોખમી બની શકે છે એવી ચેતવણી BMCએ આપી છે.

