મે મહિનામાં ૧૪ વર્ષની સર્વોચ્ચ સપાટી સાથે ૧૨,૩૧૫ પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન, તિજોરીમાં ૧૦૫૧ કરોડ છલકાયા
પ્રતીકાત્મક તસવીર
આર્થિક પાટનગર મુંબઈના પ્રૉપર્ટી માર્કેટમાં ખરીદદારોનો ઉત્સાહ વધ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. BMCની હદમાં આવતા વિસ્તારમાં ૨૦૨૬ના મે મહિના દરમ્યાન કુલ ૧૨,૩૧૫ પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન થયું છે, જે યર-ઑન-યર (YoY) એટલે કે દર વર્ષના ચોક્કસ સમયગાળામાં ૭ ટકાની મજબૂત વૃદ્ધિ દર્શાવે છે. છેલ્લાં ૧૪ વર્ષમાં મે મહિનાનો આ સૌથી મોટો આંકડો છે. આ મિલકત નોંધણીના કારણે મહારાષ્ટ્ર સરકારની તિજોરીમાં ફક્ત એક મહિનામાં ૧૦૫૧ કરોડ રૂપીયાથી વધુની સ્ટૅમ્પ-ડ્યુટીની આવક થઈ છે.
જોકે પ્રૉપર્ટી રજિસ્ટ્રેશનમાં વધારા છતાં સ્ટૅમ્પ-ડ્યુટીની કુલ આવકમાં ગયા વર્ષની સરખામણીએ એક ટકાનો નજીવો ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતોના મતે ટ્રાન્ઝૅક્શન મિક્સ (એટલે કે પ્રીમિયમ અને અફૉર્ડેબલ ઘરોના વેચાણનું પ્રમાણ)માં ફેરફાર થવાને કારણે આવકમાં આ આંશિક ઘટાડો જોવા મળ્યો છે. ઓવરઑલ વાર્ષિક ટ્રેન્ડ જોતાં મુંબઈનું રેસિડેન્શિયલ માર્કેટ અત્યંત મજબૂત સ્થિતિમાં હોવાનું રિયલ એસ્ટેટના નિષ્ણાતો માની રહ્યા છે.
