નાયગાંવમાં ટૂ-વ્હીલર પર જઈ રહેલી મહિલાનું પર્સ રસ્તામાં પડી ગયું હતું; જેમાં પાંચ તોલા સોનાનાં ઘરેણાં, બે મોબાઇલ ફોન અને મહત્ત્વનાં કાગળિયાં હતાં

પોલીસે બે કલાકની અંદર મહિલાની ઘરેણાંવાળી બૅગ શોધીને તેને સોંપી હતી
નાયગાંવ પોલીસે માત્ર બે કલાકમાં એક મહિલાનાં ગુમ થયેલાં પાંચ તોલાનાં ઘરેણાં શોધી કાઢ્યાં હતાં. પોલીસની આ તત્પરતાને કારણે ઘરેણાં પાછાં મળતાં દંપતીને મોટી રાહત મળી હતી.
નાયગાંવના સાંઈધામ કૉમ્પ્લેક્સમાં રહેતા મોહન ચાલક પત્ની મનીષા સાથે સવારે અગિયાર વાગ્યાની આસપાસ ટૂ-વ્હીલર પર નાયગાંવ રેલવે સ્ટેશન જઈ રહ્યો હતો. આ સમયે મનીષાનું પાકીટ રસ્તામાં ક્યાંક પડી ગયું હતું. આ પર્સમાં પાંચ તોલા સોનાનાં ઘરેણાં, બે મોબાઇલ ફોન અને મહત્ત્વનાં કાગળિયાં હતાં. રસ્તા પર પર્સ પડી ગયું હોવાનું ધ્યાનમાં આવતાં દંપતી નાયગાંવ પોલીસ સ્ટેશને દોડી ગયું હતું. આ ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચના પોલીસ અધિકારી સંતોષ સાંગવેકરની ટીમે શોધખોળ શરૂ કરી હતી.
આ વિશે માહિતી આપતાં પોલીસ અધિકારી સંતોષ સાંગવેકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘દંપતી જે માર્ગ પરથી પસાર થયું હતું એ સ્પૉટને પહેલાં ટ્રેસ કરીને એ જગ્યાના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચેક કરવામાં આવ્યાં હતાં. આ તપાસ દરમિયાન રસ્તા પર કામ કરતા કામદારોની પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાન એક કામદાર પર શંકા જતાં પોલીસે તેની પૂછપરછ કરતાં આ બૅગ તે કામદાર પાસે મળી આવી હતી. તેની પાસેથી બૅગ તાબામાં લઈને પોલીસે દંપતીને સલામત રીતે પાછી સોંપી હતી. માત્ર બે જ કલાકમાં પોલીસે ગુમ થયેલા દાગીના પાછા મેળવી લીધા હતા.’