યુટ્યુબ ચૅનલમાં આવું કહેતો વિડિયો ધ્યાનમાં આવ્યા બાદ મુંબઈ પોલીસે રાજસ્થાનથી એક જણની ધરપકડ કરી
સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપનારા યુવાનને રાજસ્થાનથી મુંબઈ લાવવામાં આવ્યો હતો.
ધમકી આપવાની સાથે હત્યા કરવાનો પ્રયાસ સલમાન ખાનનો પીછો નથી છોડી રહ્યો. મુંબઈ પોલીસે સલમાન ખાનના બાંદરાના ઘરની બહાર ફાયરિંગ થવાના મામલામાં નવો કેસ નોંધીને રાજસ્થાનમાંથી ૨૫ વર્ષના બનવારીલાલ લાતુરલાલ ગુજર નામના યુવકની ગઈ કાલે ધરપકડ કરી હતી.
મુંબઈ પોલીસના ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલના ઇન્ચાર્જ સુધીર જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘યુટ્યુબ પર એક વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં એક યુવક કહે છે કે લૉરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર સહિતના ગૅન્ગ-મેમ્બર પોતાની સાથે છે. સલમાન ખાને હજી સુધી માફી નથી માગી એટલે હું તેની હત્યા કરીશ. આ વિડિયો અમારા ધ્યાનમાં લાવવામાં આવ્યા બાદ અમે વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો એ અકાઉન્ટના માધ્યમથી તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે વિડિયોમાં સલમાન ખાનની હત્યા કરવાની ધમકી આપનારો રાજસ્થાનના બૂંદી શહેરમાં રહેતો બનવારીલાલ ગુજર છે. આરોપીની ઓળખ થઈ ગયા બાદ અમારી ટીમે રાજસ્થાન જઈને તેની ધરપકડ કરી હતી. ગઈ કાલે બપોરના મુંબઈ લવાયા બાદ તેની કોર્ટમાંથી ૧૮ જૂન સુધીની પોલીસ-કસ્ટડી મેળવવામાં આવી છે. આરોપી બિશ્નોઈ કે ગોલ્ડી બ્રાર ગૅન્ગ સાથે સંકળાયેલો છે કે નહીં અને તેની સામે અગાઉ કોઈ પોલીસ-ફરિયાદ છે કે કેમ એ જાણવાનો અમે પ્રયાસ કરીશું. લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના મોટા ભાગના સભ્યો બૂંદી શહેર અને આસપાસના જ હોવાનું અત્યાર સુધીની તપાસમાં જણાઈ આવ્યું છે. સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું એ સંબંધિત નવી ફરિયાદ નોંધીને આ કાર્યવાહી કરવામાં આવી છે.’
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે સલમાન ખાનના બાંદરા-વેસ્ટમાં આવેલા ઘરની બહાર ફાયરિંગ કરવાના મામલામાં લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી ગન જપ્ત કરવામાં આવી હતી. વારંવારની ધમકીથી પોતે કંટાળી ગયો હોવાનું સલમાન ખાને તાજેતરમાં જ કહ્યું છે ત્યારે તેની હત્યા કરવા માગતો વધુ એક આરોપી પકડાયો છે.

