Mumbai News: ગૅસ લીકેજને કારણે થયેલો વિસ્ફોટ એટલો ભયાવહ હતો કે પ્રથમ માળનો સ્લેબ તૂટીને નીચે પડી ગયો હતો. જેના કારણે રહેવાસીઓ નીચેના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મકાનમાં પટકાયા હતા.
ફાઇલ તસવીર
મુંબઈ (Mumbai News)ના મલાડ વિસ્તારમાં આજે મંગળવારે સવારે ગૅસ લીકેજને કારણે સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. આ હાદસો માલવણી ગૅટ નં. ૧ નજીક આવેલ ચૉલમાં થયો હતો. ગૅસ લીકેજને કારણે થયેલ વિસ્ફોટમાં સાત લોકોને ઝખમી થયા હતા.
આગે કઇ કઇ વસ્તુઓને ભરડામાં લીધી?
ADVERTISEMENT
આ સમગ્ર ઘટના (Mumbai News) વિશે જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે અનુસાર આજે સવારે ૯.૨૫ કલાકે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના મુંબઈ ફાયર બ્રિગેડ (એમએફબી)ને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ વિસ્ફોટ માલવણી વિસ્તારમાં ભારત માતા સ્કૂલને અડીને આવેલી મસ્જિદ પાસે થયો હતો. આ ઘટના વિશે વાત કરતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે ગૅસ લીકેજને કારણે થયેલો વિસ્ફોટ એટલો ભયાવહ હતો કે પ્રથમ માળનો સ્લેબ તૂટીને નીચે પડી ગયો હતો. જેના કારણે રહેવાસીઓ નીચેના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મકાનમાં પટકાયા હતા. આગે સિલિન્ડરના મુખ્ય વાલ્વ, ગૅસ સ્ટોવ, એલપીજી સિલિન્ડર, એસી શીટ્સ અને ગ્રાઉન્ડ ફ્લોર તેમ જ બે માળના મકાનના પહેલા માળે એક ઓરડાને ભરડામાં લીધો હતો. જેમાં મુખ્યત્વે ખાવાની વસ્તુઓ અને ગાદલા સહિતની ઘરગથ્થુ ચીજો બળીને ખાખ થઈ ગઈ હતી.
ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરાયા
ફાયર બ્રિગેડના અધિકારીએ સવારે ૯.૪૨ વાગ્યે આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ બનાવ (Mumbai News)ના તાજેતરના અપડેટમાં જાણવા મળ્યું છે કે આ ઘટનામાં કુલ સાત લોકો ઘાયલ થયાના અહેવાલ છે. તેમાંથી ચારને આધાર હોસ્પિટલમાં અને ત્રણને કેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મુંબઈ ફાયર બ્રિગેડના કર્મચારીઓ, સ્થાનિક પોલીસ, સંબંધિત વીજળી વિતરણ કંપનીના અધિકારીઓ, 108 એમ્બ્યુલન્સ સેવા અને બીએમસી વોર્ડ સ્ટાફ સહિત ઇમરજન્સી રિસ્પોન્સ ટીમોને સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
માલેગાંવમાં ગૅસ સિલિન્ડર ફાટતાં પાંચ લોકો ઈજાગ્રસ્ત
આગ લાગવાની આવી જ એક અન્ય ઘટના (Mumbai News) સોમવારે સવારે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવ શહેરમાં થઈ હતી. અહીં ગૅસ બલૂનમાં ભરવા માટે ઉપયોગમાં લેવાતા હિલીયમ ગૅસના સિલિન્ડરમાં વિસ્ફોટ થતાં ત્રણ મહિલાઓ સહિત પાંચ લોકો ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. ઘાયલોમાંથી ચારની હાલત ગંભીર હોવાનું તેમણે જણાવ્યું હતું. માલેગાંવ કેમ્પ વિસ્તારમાં કોલેજ સ્ટોપ નજીક સવારના સમયે આ વિસ્ફોટ થયો હતો. એક વિક્રેતા ફુગ્ગાઓમાં ગૅસ ભરી રહ્યો હતો ત્યારે અચાનકથી ગૅસ લીક થવાને કારણે આ હાદસો બન્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર સિલિન્ડર વિસ્ફોટમાં ત્રણ મહિલાઓ સહિત પાંચ લોકો ઘાયલ થયા હતા. તાબડતોબ ઈજાગ્રસ્તોને માલેગાંવની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં વધુ સારવાર માટે નાસિક ખસેડવામાં આવ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સ્થાનિક રહેવાસી બલૂન વેચનાર મોહમ્મદ સાદિક મકબૂલ અહેમદની આ મામલે ધરપકડ કરવામાં આવી છે.


