Mumbai News: હાર્બર અને ટ્રાન્સ-હાર્બર લાઇનમાં રવિવારે મેગા બ્લૉક; ચેમ્બુરમાં ડ્યુટીના પહેલા જ દિવસે સિક્યૉરિટી ગાર્ડે જીવ ગુમાવ્યો અને વધુ સમાચાર
પહેલાં (તસવીર : આશિષ રાજે), અત્યારે (તસવીર : સાર્થક મહેતા)
ફોર્ટમાં ફૅશન સ્ટ્રીટ પર મહિલાઓ માટેના મોબાઇલ ટૉઇલેટના પાછળના ભાગમાં કાર્યરત ફૂડ-સ્ટૉલ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓએ ગુરુવારે મોડી રાત્રે બંધ કરાવી દીધો હતો. આ ફૂડ-સ્ટૉલ વિશેનો રિપોર્ટ ‘મિડ-ડે’માં છપાયા પછી BMCએ આ કાર્યવાહી કરી હતી.
હાર્બર અને ટ્રાન્સ-હાર્બર લાઇનમાં રવિવારે મેગા બ્લૉક
ADVERTISEMENT
રેગ્યુલર મેઇન્ટેનન્સ વર્ક માટે રવિવારે હાર્બર અને ટ્રાન્સ-હાર્બર લાઇનમાં મેગા બ્લૉક રાખવામાં આવ્યો છે. હાર્બર લાઇનમાં સવારના ૧૧.૦૫ વાગ્યાથી સાંજના ૪.૦૫ વાગ્યા સુધી વાશી અને પનવેલ વચ્ચે આવતી અને જતી બન્ને લાઇન પર બ્લૉક રહેશે. બ્લૉકના આ સમય દરમ્યાન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ( CSMT)થી વાશી અને વાશીથી CSMT વચ્ચે કેટલીક સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવશે. આ ઉપરાંત થાણેથી પનવેલ અને પનવેલથી થાણે દોડતી ટ્રાન્સ-હાર્બર લાઇનમાં સવારના ૧૦.૦૧ વાગ્યાથી બપોરના ૩.૨૦ વાગ્યા સુધી બ્લૉક રહેશે.
ચેમ્બુરમાં ડ્યુટીના પહેલા જ દિવસે સિક્યૉરિટી ગાર્ડે જીવ ગુમાવ્યો
ચેમ્બુરના સુભાષનગરના બિલ્ડિંગ નંબર ૧૦નું વૈભવી લક્ષ્મી ડેવલપર્સ દ્વારા રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ગઈ કાલે એ સાઇટ પર અકસ્માત થયો હતો. ચેમ્બુરના જ ઘાટલા વિલેજમાં રહેતા બાવન વર્ષના સિક્યૉરિટી ગાર્ડ નથુરામ સાખવિલકરનો ડ્યુટી પર પહેલો જ દિવસ હતો. તે સવારના ૭ વાગ્યે પાંચમા માળે આવેલા એલિવેટેડ પાર્કિંગની ચકાસણી કરતી વખતે સંતુલન ગુમાવીને ખાલી જગ્યામાંથી નીચે પટકાયો હતો. તરત જ આ બાબતની જાણ પોલીસ અને ફાયર-બ્રિગેડને કરવામાં આવી હતી. તેને ત્યાંથી બહાર કાઢીને રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.
લાલબાગની મસાલા-ગલી મસાલાની સીઝનમાં જ સાફ
લાલબાગની મિર્ચી ગલીમાં ગેરકાયદે મસાલા વેચતા વેપારીઓ પર શુક્રવારે BMCએ મોટી કાર્યવાહી હાથ ધરીને રાહદારીઓની અવરજવરમાં અવરોધ ઊભો કરતા સ્ટૉલ હટાવ્યા હતા. લાલબાગની મિર્ચી ગલી-મસાલા લેન એનાં વિવિધ પ્રકારનાં લાલ મરચાં, તડકામાં સૂકવેલાં મરચાં અને પાઉડર તેમ જ કસ્ટમ મસાલા માટે પ્રખ્યાત છે. હાલમાં મસાલાની સીઝન હોવાથી ગેરકાયદે ફેરિયાઓએ સ્ટૉલ શરૂ કરીને ધંધો કરવાથી લેન ભરાઈ જતી હતી અને એને કારણે રાહદારીઓને અવરજવરમાં તકલીફ પડતી હતી. F-સાઉથ વૉર્ડનાં અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વૃષાલી ઇંગળેના નિર્દેશને અનુસરીને BMCના લાઇસન્સ અને જાળવણી વિભાગોએ પોલીસ-કર્મચારીઓ સાથે લેન ક્લિયર કરવા માટે આ કાર્યવાહી કરી હતી.
મોસમ બગડે એ પહેલાંની મજા
ગઈ કાલે ભારતીય મોસમ વિભાગે હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિ પાસેની અટલ ટનલ નજીક હિમસ્ખલનની સંભાવનાઓને કારણે સહેલાણીઓની મૂવમેન્ટને સીમિત કરી હતી. આજે અને આવતી કાલે બર્ફીલા તોફાનની સંભાવનાને કારણે સહેલાણીઓ માટે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જોકે મોસમ બગડે એ પહેલાં ગઈ કાલે અહીં સહેલાણીઓએ બરફની મજા લૂંટી હતી.
