Mumbai News: પ્રોફેસરના દીકરાને ખબર પડી કે તેના પિતાને વૃદ્ધાશ્રમમાં ખસેડી દેવામાં આવ્યા છે. ત્યારે તેણે મુંબઈ આવી પિતાની સાથે વાત કરી હતી અને આ છેતરપિંડીનો મામલો સામે આવ્યો.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાંથી છેતરપિંડીનો એક કિસ્સો (Mumbai News) સામે આવ્યો છે. આઈઆઈટી બોમ્બેના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના એક રિટાયર્ડ પ્રોફેસર સાથે છેતરપિંડી થઈ હોવાંનું જાણવા મળ્યું છે.
તેમના જ કેરટેકરે તેઓની સાથે છેતરપિંડી કરી છે. અને લગભગ 6 કરોડ રૂપિયા ગુમાવવાનોં વારો આવ્યો છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર નિકિતા નાયક નામની આરોપીએ આ રિટાયર્ડ પ્રોફેસર સાથે છેતરપિંડી કરી છે. જે બદલ પવઈ પોલીસે તેની સામે છેતરપિંડી, ચોરી અને ગુનાહિત વિશ્વાસઘાતના આરોપો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
આ કેસ પવઇનો છે. અહીં હીરાનંદાની ગાર્ડનમાં રહેતા 82 વર્ષીય રિટાયર્ડ પ્રોફેસર એકલા જ રહે છે. તેમની પત્ની અને પુત્ર પૂણેમાં રહે છે. જ્યારે તેમની પુત્રી પવઈમાં જ કોઈ બીજી જગ્યાએ રહે છે. ઉંમર થઈ ગઈ હોવાને કારણે તેઓએ એક કેરટેકર રાખી હતી.
અહેવાલો (Mumbai News) અનુસાર નિકિતા નાઈક નામની વ્યક્તિ આ પ્રોફેસરને સ્થાનિક પાર્કમાં મળી હતી. અનેકવાર તેની સાથે ભેટો થયા બાદ પ્રોફેસરનો વિશ્વાસ પણ જીતી લીધો હતો. પછી તો તેણે આ પ્રોફેસરની રોજિંદી જવાબદારીઓમાં મદદ કરવાનું શરૂ કર્યું હતું. જેમ કે તે બિલ ચૂકવવામાં, દવાઓ ખરીદવામાં અને ઘરગથ્થુ કાર્યોની દેખરેખ રાખવામાં મદદ કરતી. ધીમેધીમે પ્રોફેસરના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, પાસબુક અને બ્લેન્ક ચેક વગેરેપણ તેના હાથમાં આવ્યા. અને પોતે સહી કરી શકે એવો હક મેળવી લીધો.
હવે તો કેરટેકર બની ગયેલી નિકિતાએ પ્રોફેસરના નાણાંની હેરાફેરી કરવાનું શરૂ કર્યું. માહિતીનુસાર (Mumbai News) છેલ્લા ત્રણ વર્ષમાં નિકીતાએ પોતાના બેંક ખાતામાં આશરે 1.35 કરોડ રૂપિયા સેરવી લીધા હતા. ફેબ્રુઆરીમાં જ્યારે પ્રોફેસરને આંખે દેખાવાનું ઘણું ઓછું થઈ ગયું ત્યારે કેરટેકરે પ્રોફેસરને બહાનું કરીને વિક્રોલીમાં ટાઉન વિલે કેર નામના વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા.
હદ તો ત્યારે થઈ ગઈ કે નિકિતાએ એપ્રિલમાં પ્રોફેસરને ગિફ્ટ ડીડ પર સાઇન કરવા દબાણ કર્યું. અને ત્રણ ફ્લેટની માલિકી પોતાના નામે ટ્રાન્સફર કરી હતી, જેની કિંમત 4.89 કરોડ રૂપિયા હતી. એ ઉપરાંત પ્રોફેસરના બેંક લોકરમાંથી ડાયમંડજડિત સોનાના દાગીના, ઓળખ દસ્તાવેજો, મિલકતના કાગળો અને શેરના સર્ટિફિકેટ પણ પોતાના નામે કર્યા.
આ બધુ કઇ રીતે સામે આવ્યું?
Mumbai News: જ્યારે પ્રોફેસરના દીકરાને ખબર પડી કે તેના પિતાને વૃદ્ધાશ્રમમાં ખસેડી દેવામાં આવ્યા છે. ત્યારે તેણે મુંબઈ આવી પિતાની સાથે વાત કરી. ત્યારે પ્રોફેસર પિતાએ પોતાની સાથે થયેલા નાણાકીય શોષણની વાત કરી. ત્યારે જઈને પુત્રએ પવઈ પોલીસમાં જઈને ફરિયાદ નોંધાવી છે. નિકિતા નાઇક સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી અને પૂછપરછ કરાઇ. નજીકના ભવિષ્યમાં તેની ધરપકડ થઈ શકે તેવા સંકેતો પોલીસે આપ્યા છે. કારણકે અત્યારે વધુ તપાસ ચાલી રહી છે.

