સવારના સાડાઅગિયારની આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં, પણ ઉપનગરીય ટ્રેન-સર્વિસ પ્રભાવિત થતાં પ્રવાસીઓનો લાંબો સમય ટ્રેનમાં વેડફાયો અને ટ્રૅક પર ચાલવા પર મજબૂર થયા
મુંબઈ સેન્ટ્રલ પર ટ્રેનનો ડબ્બો પાટા પરથી ઊતરતાં ટ્રેનોની અવરજવર પર અસર થવાથી પ્લૅટફૉર્મ પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી (તસવીર : શાદાબ ખાન)
વેસ્ટર્ન રેલવેના મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર યાર્ડમાં પ્રવેશતી વખતે ખાલી લોકલ ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી ઊતરી ગયો હોવાની ઘટના ગઈ કાલે સવારે સાડાઅગિયાર વાગ્યાની આસપાસ બની હતી. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે એને કારણે ઉપનગરીય ટ્રેનોની કામગીરી ખોરવાઈ હોવાથી સાંજ સુધી લોકલ ટ્રેનોની અવરજવર પર અસર થઈ હતી. પરિણામે પ્રવાસીઓએ ટ્રેનમાં લાંબા સમય સુધી બેસી રહેવું પડ્યું હતું, જ્યારે અમુક પ્રવાસીઓ ટ્રૅક પર ચાલીને જવા મજબૂર થયા હતા. અનેક પ્લૅટફોર્મ પર પ્રવાસીઓની ભારે ભીડ પણ જોવા મળી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.
વેસ્ટર્ન રેલવેમાં સવારે સાડાઅગિયાર વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પાસે કારશેડમાં પ્રવેશતી વખતે લોકલ ટ્રેનનું એક વ્હીલ ક્રૉસિંગ પૉઇન્ટ પર પાટા પરથી ઊતરી ગયું હતું. આ બનાવને કારણે રેલવેલાઇન પર ટ્રેનની અવરજવરને અસર થઈ હતી, કારણ કે ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન વચ્ચે ટ્રેનોનું બન્ચિંગ પણ થયું હોવાથી એકની પાછળ એક ટ્રેન ટ્રૅક પર ઊભેલી જોવા મળી હતી. રેલવેના પ્રવાસીઓના કહેવા પ્રમાણે તેમણે દાદર સ્ટેશન પર ૨૦ મિનિટથી વધુ સમય સુધી રાહ જોઈ, પરંતુ કોઈ ટ્રેન આવી નહીં અને કોઈ યોગ્ય જાહેરાત પણ થઈ રહી નહોતી. મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં ટ્રેન પાટા પરથી ઊતરી જવાની આ બીજી ઘટના છે.
ADVERTISEMENT
વેસ્ટર્ન રેલવેના મુખ્ય પ્રવક્તા સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે ‘મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનના યાર્ડમાં પ્રવેશતી વખતે ડબ્બો પાટા પરથી ઊતરી જતાં લોકલની ટ્રેનસેવાઓ ખોરવાઈ હતી. ડાઉન સ્લો લાઇન આ ઘટનાથી પ્રભાવિત થઈ હતી અને ઘટનાના ૩૦થી ૪૦ મિનિટમાં એના પર કામ કરાયું હતું. ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન વચ્ચે ટ્રેનોના બન્ચિંગને કારણે ટ્રેનોની કામગીરીને અસર થઈ હતી. રિપેરિંગ હાથ ધરાયા બાદ ટ્રેનો સમય પર દોડવા લાગી હતી, જ્યારે ફાસ્ટ લાઇન પર ટ્રેનો પહેલેથી જ દોડી રહી હતી, પરંતુ સમય કરતાં થોડી મોડી દોડતી હતી.’
પ્રવાસીઓની ભીડ થઈ
વિરારથી ઝવેરીબજાર જતા કાપડના વેપારી મિતેશ જૈને જણાવ્યું હતું કે ‘વિરારથી મેં ગઈ કાલે ૧.૨૫ વાગ્યાની વિરાર-ચર્ચગેટ ફાસ્ટ ટ્રેન પકડી હતી. ટ્રેનમાં ખૂબ જ ભીડ હતી અને પ્રવાસીઓ દરેક સ્ટેશનથી ચડી રહ્યા હતા. માંડ-માંડ ટ્રેન મરીન લાઇન્સ સ્ટેશન પર સાડાત્રણ વાગ્યા બાદ પહોંચી હતી, જ્યારે આ ટ્રેન દરરોજ ૨.૪૫ વાગ્યે મરીન લાઇન્સ સ્ટેશન પર પહોંચી જતી હોય છે.’
ચર્ની રોડ પહોંચતાં ૪૫ મિનિટ થઈ
ચર્ની રોડમાં રહેતા નરેશ રાજાએ કહ્યું હતું કે ‘ગઈ કાલે રેલવે પ્રવાસ કરવો અઘરો બની ગયો હતો. હું ચર્ની રોડ જવા એલ્ફિન્સ્ટન સ્ટેશન પર ૨.૨૦ વાગ્યાની ટ્રેન પકડવા ઊભો હતો. ૨૦થી ૨૫ મિનિટ બાદ ટ્રેનો તો આવી, પરંતુ ચર્ની રોડ સ્ટેશન પહોંચતાં ૪૦થી ૪૫ મિનિટ લાગી હતી. ગ્રાન્ટ રોડ અને ચર્ની રોડ સ્ટેશન વચ્ચે લાંબો સમય ટ્રેન ઊભી રહેતાં અનેક પ્રવાસીઓ કંટાળીને રેલવે ટ્રૅક પર ચાલતા જતા જોવા મળ્યા હતા. બધાં જ પ્લૅટફોર્મ પર પ્રવાસીઓની ભીડ ઊમટી હતી તેમ જ બધાં જ પ્લૅટફૉર્મ પર ટ્રેનો ખૂબ મોડી આવી રહી હતી.’


