ગવર્નમેન્ટ રેલવે પોલીસે લોકલ ટ્રેનમાં અને પ્લૅટફોર્મ પર મહિલાઓની સુરક્ષા માટે શરૂ કરી ઝુંબેશ
કર્જત GRPએ લોકલ ટ્રેન અને પ્લૅટફૉર્મ પર કરેલી જનજાગૃતિ.
મુંબઈની લોકલ ટ્રેનમાં છેડતી અને ચોરી સહિતની મહિલાઓની વધતી જતી ફરિયાદને ધ્યાનમાં લઈને સોમવારથી મુંબઈ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ લોકલ ટ્રેનમાં અને પ્લૅટફૉર્મ પર મહિલા પ્રવાસીઓની સલામતી સંદર્ભે ખાખી-ઇન-સખી ઉપરાંત માત્ર મહિલાઓ માટેની COTO (કમ ટુગેધર) ઍપ્લિકેશન વિશે જાગૃતિ ફેલાવવા માટેની ઝુંબેશ શરૂ કરી છે. મુંબઈ GRP અંતર્ગત આવતા પોલીસ-સ્ટેશનમાં મહિલા અધિકારીઓ સાથે મહિલા પ્રવાસીઓનાં વૉટ્સઍપ-ગ્રુપ પણ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. મહિલાઓનો વિનયભંગ કરી, સોનાનાં ઘરેણાં તફડાવીને કે ફોન ખેંચીને નાસતા આરોપીને ઝડપી લેવાનો ઉદ્દેશ આ ગ્રુપ્સનો છે. આ બધાની સાથોસાથ લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં અનેક વાર પુરુષો પણ ઘૂસી જતા હોય છે તેમની સામે કાર્યવાહી કરવા તાત્કાલિક 1512 નંબર પર માહિતી આપવા માટેની વિનંતી GRPએ કરી છે.
કર્જત GRPના સિનિયર ઇન્સ્પેક્ટર તાનાજી ખાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લાં વર્ષોના આંકડા દર્શાવે છે કે લોકલ ટ્રેનમાં મહિલાઓ સાથે થતી વિનયભંગની ઘટનામાં વધારો થયો છે. એ ઉપરાંત મહિલાના શોલ્ડર પર્સ તથા સાઇડ પર્સમાંથી ચોરી થવાની ઘટનામાં પણ વધારો થયો છે. મહિલાનું રક્ષણ કરવા માટે ખાખી-ઇન-સખી ઉપરાંત COTO ઍપ્લિકેશન રેલવેનાં દરેક પોલીસ-સ્ટેશનમાં શરૂ કરવામાં આવી છે. દરેક પોલીસ-સ્ટેશનમાં એવી ખાસ મહિલાની નિમણૂક કરવામાં આવી છે જેઓ પ્રવાસ કરતી મહિલાઓના સંપર્કમાં રહીને દરરોજ બનતી ઘટનાઓ પર વૉચ રાખી શકે. એ ઉપરાંત નાનામાં નાની ઘટના પણ અમારા સુધી પહોંચે એ માટે અમે તેમને મહિલા મુસાફરોને COTO ઍપ્લિકેશન વાપરવા માટેની તાલીમ આપી રહ્યા છીએ. એ ઉપરાંત વૉટ્સઍપ-ગ્રુપ પણ તૈયાર કરવામાં આવી રહ્યાં છે જેમાં મહિલા પ્રવાસીઓ સાથે અમારા પોલીસ-સ્ટેશનની મહિલા અધિકારીઓ પણ હશે. જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે ચોર દેખાય તો તેનો ફોટો અથવા વિડિયો આ ગ્રુપમાં પોસ્ટ કરવાથી તાત્કાલિક તેને ઝડપી લેવામાં અમને મદદ મળશે.’
ADVERTISEMENT
શું છે COTO ઍપ્લિકેશન?
COTO (કમ ટુગેધર) ઍપ્લિકેશન ફક્ત મહિલાઓ માટે રચાયેલી એક સામાજિક સામુદાયિક ઍપ્લિકેશન છે જે મહિલાઓને એક ખુલ્લું અને સલામત પ્લૅટફૉર્મ પૂરું પાડે છે. આ ઍપ્લિકેશનનો ઉપયોગ કરીને મહિલાઓ ટ્રેનમાં પ્રવાસ કરવા દરમ્યાન આવતી કોઈ પણ સમસ્યાની જાણ કરી શકે છે. GRPના અધિકારીઓએ જણાવ્યું કે મહિલાઓ તેમની તકલીફ વિશે ફોટો, વિડિયો અને મેસેજ આ ઍપ્લિકેશનમાં પોસ્ટ કરી શકે છે જેથી પોલીસ તાત્કાલિક પગલાં લઈ શકે.
આ ભાઈ દરિયા પર સૂતા છે?
ગઈ કાલે મરીન ડ્રાઇવની પાળ પર ભીના-ભીના વાતાવરણમાં ભરતીની મજા માણતા લોકો. દરિયાનું પાણી અને પાળ એકબીજામાં ભળી ગયા હોય એવું લાગે છે. તસવીર : આશિષ રાજે

