આગામી ૪૮ કલાકમાં મધ્યમથી ભારે છૂટોછવાયો વરસાદ થવાની આગાહી
પ્રતીકાત્મક તસવીર
સોમવારે દક્ષિણ મુંબઈમાં ભારે વરસાદ પડ્યા બાદ ગઈ કાલે વરસાદનું જોર ઘટ્યું હતું. કોલાબામાં સોમવારે ૨૫૨ મિ.મી. વરસાદ પડ્યો હતો એની સામે ગઈ કાલે આખા દિવસમાં માત્ર ૧૬.૬ મિ.મી. વરસાદ જ નોંધાયો હતો, જ્યારે સાંતાક્રુઝમાં તો ૧.૨ મિ.મી. જેટલો મામૂલી વરસાદ પડ્યો હતો. જોકે સોમવારે સારોએવો વરસાદ પડવા ઉપરાંત ગઈ કાલે આકાશમાં મોટા ભાગે કાળાંડિબાંગ વાદળો છવાયેલાં રહેતાં તાપમાનમાં ધરખમ ઘટાડો થયો હતો. દિવસના તાપમાનમાં ગઈ કાલે કોલાબામાં ૭.૬ ડિગ્રી તો સાંતાક્રુઝમાં ૬.૨ ડિગ્રીનો ઘટાડો થયો હતો. આથી હવામાં ભેજનું પ્રમાણ ૯૦ ટકા જેટલું હોવા છતાં મુંબઈગરાઓએ ગરમીથી રાહત અનુભવી હતી.
હવામાન વિભાગે આગામી ૪૮ કલાકમાં મુંબઈ અને આસપાસના વિસ્તારમાં જોરદાર પવન સાથે મધ્યમથી ભારે છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી ગઈ કાલે કરી હતી. આથી આજે પણ આકાશ વાદળછાયું રહેવાની શક્યતા છે એટલે ગરમીથી રાહત મળી શકે છે.


