ડ્રાઇવર અલ્પેશ દેવધરે છેલ્લાં ૧૧ વર્ષમાં ૩થી ૬ મહિના જેલના સળિયા પાછળ વિતાવ્યા છે : તેના પરિવારે પણ તેને વર્ષો પહેલાં છોડી દીધો હતો
અલ્પેશ દેવધરે
તસવીરમાં દેખાતો આ શખ્સ એક સિરિયલ મૉલેસ્ટર છે, જે છેલ્લા એક દાયકાથી કૉલેજની વિદ્યાર્થિનીઓને શિકાર બનાવી રહ્યો છે. મંગળવારે મલાડ પોલીસ દ્વારા તેની ધરપકડ થયા બાદ તે ૧૫થી વધુ કેસ સાથે જોડાયેલો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તેને થોડાં અઠવાડિયાં પહેલાં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો અને તેણે સોમવારે મલાડમાં બે વિદ્યાર્થિનીની તેમની કૉલેજની બહાર છેડતી કરીને તેની ગુનાહિત પ્રવૃત્તિ ફરી શરૂ કરી હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજતાં ડીસીપી અજયકુમાર બંસલની સૂચનાના આધારે સિનિયર ઇન્સ્પેક્ટર રવીન્દ્ર આદાનેએ એક ટીમની રચના કરી હતી જેનું નેતૃત્વ એપીઆઇ સચિન કોપસે અને અન્ય સ્ટાફે કર્યું હતું. તેમણે સઘન તપાસ કરીને ૪૦ જેટલા સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં અને સ્કેચ પણ તૈયાર કર્યા હતા. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર બન્ને ભોગ બનનાર વિદ્યાર્થિનીએ આપેલી શારીરિક રચના મૅચ થતી હતી, જેથી પોલીસને સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે આરોપીની ઓળખ-પરેડ કરવામાં સફળતા મળી હતી અને માત્ર ૨૪ કલાકની અંદર આરોપીને મીરા રોડ નજીકથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ ૩૨ વર્ષના અલ્પેશ દેવધર તરીકે થઈ હતી, જે પહેલેથી જ ૧૫થી વધુ છેડતીના કેસમાં ગુનેગાર છે. તેની વિરુદ્ધ દિંડોશી, કોન્ડિવલી, ગોરેગામ, ડી. એન. નગર, જુહુ અને પંતનગરમાં ગુનો દાખલ થઈને ધરપકડ થઈ ચૂકી છે. દેવધર મૂળ શ્રીવર્ધનનો રહેવાસી છે. તે અપરિણીત છે અને તેના પરિવારથી અલગ રહે છે જેમાં તેની માતા, ભાઈ અને ભાભીનો સમાવેશ થાય છે. તેઓ બધાં મીરા રોડમાં રહે છે. તેમણે આરોપીની હરકતોથી પરેશાન થઈને પોતાને દૂર કરી લીધા છે અને તેના વર્તનથી હતાશા વ્યક્ત કરીને ઘરેથી કાઢી મૂક્યો છે.

