આ હત્યાકેસમાં નાયગાંવ પોલીસે મરનાર નયનાના પરિણીત પ્રેમી ૪૩ વર્ષના મનોહર શુક્લાની ધરપકડ કરવાની સાથે આરોપીને હત્યામાં મદદ કરનાર તેની પત્નીની પણ ધરપકડ કરી છે

નયના મહત
નાયગાંવમાં છેલ્લા એક મહિનાથી ગુમ થયેલી ૨૮ વર્ષની હેર-આર્ટિસ્ટ નયના મહતની એક બાજુએ શોધખોળ શરૂ હતી, જ્યારે બીજી બાજુ ગુજરાતની વલસાડ પોલીસે ડિસપોઝ્ડ હાલતમાં લાવારિશ લાશ હોવાથી તેના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હોવાની ધક્કાદાયક બાબત જાણવા મળી છે. નાયગાંવ પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે યુવતીના બૉયફ્રેન્ડે જ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.
આરોપીએ નયના મહતના મૃતદેહને સૂટકેસમાં ભરીને ગુજરાતના વલસાડમાં એક ખાડીમાં ફેંકી દીધો હતો. આ હત્યાકેસમાં નાયગાંવ પોલીસે મરનાર નયનાના પરિણીત પ્રેમી ૪૩ વર્ષના મનોહર શુક્લાની ધરપકડ કરવાની સાથે આરોપીને હત્યામાં મદદ કરનાર તેની પત્નીની પણ ધરપકડ કરી છે. આઘાતજનક બાબત એ છે કે આરોપી મૃતદેહને સૂટકેસમાં ભરીને બાઇક પર પત્ની અને બે વર્ષની દીકરી સાથે મૃતદેહને નાયગાંવથી લઈ જઈ છેક વલસાડમાં ઠેકાણે પાડ્યો હતો. ડેડ-બૉડી લઈ જતી વખતે અને ઠેકાણે પાડતી વખતે દંપતીની બે વર્ષની દીકરી પણ સાથે હતી.
પાણીમાં માથું ડુબાડીને હત્યા કરી
નાયગાંવ-ઈસ્ટના ટિવરીમાં સનટેક સોસાયટીમાં રહેતી ૨૮ વર્ષની નયના રામચંદ્ર મહત ફિલ્મ ઇન્સ્ટ્રીઝમાં (સિરિયલ, ઓટીટી પ્લૅટફૉર્મ) વગેરેમાં છેલ્લાં દસેક વર્ષથી હેર-ડ્રેસર તરીકે કામ કરતી હતી. નયના ૧૨ ઑગસ્ટથી ગુમ થઈ હોવાની જાણ તેની મોટી બહેન જયાને થતાં તેણે નાયગાંવ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે જયાએ પ્રેમી મનોહર શુક્લા પર શંકા વ્યક્ત કરી હતી. તપાસ દરમ્યાન રવિવારે સામે આવ્યું કે નયનાની હત્યા કરવામાં આવી હતી અને તેના ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ મનોહર શુક્લાએ તેની હત્યા કરી હતી. આ ઘટના વિશે નાંયગાવના પોલીસ-ઇન્સ્પેક્ટર મંગેશ અંધારે (ક્રાઇમ)એ ‘મિડ-ડ’ને કહ્યું કે ‘આરોપીની ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછ કરતાં તેણે કહ્યું કે બોલાચાલી થતાં તેનું માથું પાણીમાં ડુબાડતાં મૃત્યુ થયું હતું. એ પછી તેની ડેડ-બૉડીને સૂટકેસમાં ભરીને તેમણે એ સૂટકેસ વલસાડ જઈને ખાડીમાં પધરાવી દીધી હતી. વલસાડ પોલીસને યુવતીની લાશ મળી હતી. નાયગાંવ પોલીસ આરોપી મનોહર શુક્લાની ધરપકડ કરીને તેને ગઈ કાલે કોર્ટમાં લઈ ગઈ હતી.’
બહેને મિસિંગની નોંધાવી હતી ફરિયાદ
આ હત્યા વિશે માહિતી આપતાં નયના મહતની મોટી બહેન જયા મહતે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘નયના અને હું નાયગાંવમાં રહેતાં હતાં. હું પણ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી હોવાથી નાયગાંવથી મને મોડી રાતે રિક્ષા મળતી ન હોવાથી મેં નાલાસોપારામાં ભાડાથી ઘર લઈ રાખ્યું હતું. ૧૧ ઑગસ્ટે હું શૂટિંગ માટે ખંડાલા ગઈ ત્યારે મેકઅપ-દાદાનો ફોન આવ્યો કે નયનાનો ફોન લાગતો નથી અને તે આવી નથી. એટલે મેં તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટથી લઈને તેને ઓળખતા તમામ લોકોને ફોન કર્યા, પણ કોઈ માહિતી ન મળી એટલે તરત હું નાયગાંવના ઘરે પહોંચી. ત્યાં બધું વ્યવસ્થિત હતું, પણ બહેન વિશે કોઈ માહિતી મળી ન હોવાથી મને શંકા ગઈ હતી. અંતે ૧૪ ઑગસ્ટથી તેનો ફોન સ્વિચ્ડ-ઑફ આવી રહ્યો હોવાથી મેં પોલીસ-સ્ટેશને તેની મિસિંગની ફરિયાદ નોંધાવી હતી.’
મમ્મી ગુજરી જતાં નયના હતી દુખી
વધુ માહિતી આપતાં નયના મહતે કહ્યું કે ‘પપ્પાને ગુજરી ગયાને લાંબો સમય થયો છે. જ્યારે મમ્મી ૧૨ જ્યોતિર્લિંગનાં દર્શન કરવા ગઈ ત્યારે ઉજ્જૈનમાં તેમનું મૃત્યુ થયું હતું. મમ્મીના મૃત્યુને સાતેક મહિના જ થયા હોવાથી નયના ખૂબ દુખી હતી અને તે ડિપ્રેશનમાં જતી રહી હતી. એટલે મેં તેને મેડિટેશન કરવા પણ કહ્યું હતું અને તેનું નામ પણ નોંધાવ્યું હતું. ઘરે આવીને તેની ખબર ન મળતાં મને લાગ્યું કે મેડિટેશન માટે ગઈ હશે.’
આ રીતે હત્યાનો થયો ખુલાસો
મને નયના સાથે કોઈક ગરબડ થઈ હોવાની શંકા ગઈ હતી એમ કહેતાં જયાએ કહ્યું કે ‘મેં ઘરે જઈને બધું તપાસ્યું, પણ તેની એક ટ્રૉલીબૅગ અને મનોહર પર કરેલા કેસના ડૉક્યુમેન્ટ્સ ગાયબ હોવાનો મને અંદાજ આવી ગયો હતો. મારી શંકા વધુ દૃઢ બની ગઈ હતી એટલે મેં આ બિલ્ડિંગના અનેક સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં, જેમાં ૯ તારીખે મારી બહેન અને મનોહર બપોરે સાથે ઘરે જતાં જોવા મળ્યાં હતાં. એ પછી સાંજે ૪ વાગ્યે આરોપી હાથમાં જમ્બો થેલી લઈને ઘરેથી જતો જોવા મળ્યો હતો. ત્યાર બાદ રાતે સાડાઅગિયારથી બાર વાગ્યા વચ્ચે મનોહર, તેની પત્ની અને તેમનું બાળક ફરી ઘરે આવતાં અને ઘરેથી એક ટ્રૉલીબૅગ સાથે લઈ જતાં જોવા મળ્યાં હતાં. એટલે મારી શંકા પાકી થઈ અને મેં પોલીસને આ વિશે રવિવારે માહિતી આપી હતી.’
ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ
નાયગાંવ રહેતી નયના ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી અને ત્યાં તેની ઓળખાણ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા મનોહર શુક્લા સાથે થઈ હતી. એ પછી બન્ને વચ્ચે ઓળખાણ વધી અને બન્ને પ્રેમસંબંધમાં હતાં, પરંતુ તેણે અન્ય મહિલા સાથે લગ્ન કર્યાં હોવાથી તેમની વચ્ચે ઝઘડા થયા હતા. એ પછી નયનાએ સંબંધ તોડીને મનોહર સામે વાલિવ પોલીસ-સ્ટેશનમાં મનોહર સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. એટલે મનોહર શુક્લા ફરિયાદ પાછી ખેંચવા નયના પર દબાણ કરી રહ્યો હતો અને એને લીધે અનેક વખત ઝઘડો પણ થતો હતો. એ કારણસર ૯ ઑગસ્ટે પાણીના ટબમાં ડુબાડીને તેની હત્યા કરી હતી.’
મૃતદેહને ટૂ-વ્હીલર પર ગુજરાત લઈ ગયા
નયનાના મૃતદેહના નિકાલ માટે મનોહર શુક્લાએ તેની પત્નીની મદદ લીધી હતી. તેમણે મૃતદેહને સૂટકેસમાં પૅક કરી પોતાની ટૂ-વ્હીલર પર વલસાડની એક ખાડીમાં ફેંકી દીધો હતો. આઘાતજનક એ છે કે આ સમયે તેમની બે વર્ષની દીકરી પણ બાઇક પર હતી. વસઈના અસિસ્ટન્ટ પોલીસ કમિશનર પદ્મજા બડેએ ‘મિડ-ડે’ને માહિતી આપી હતી કે ‘વલસાડ ગયા બાદ તેમણે સૂટકેસ બીજી બાજુ ફેંકી દીધી હતી અને લાશને અન્ય ઠેકાણે ફેંકી દીધી હતી. વલસાડ પોલીસને ૧૩ ઑગસ્ટે કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. વલસાડ પોલીસે ઍક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધીને ડેડ-બૉડીના અંતિમ સંસ્કાર કર્યા હતા. મૃતદેહ પર કોઈ જખમ કે મારનાં નિશાન ન હોવાથી વલસાડ પોલીસને તેની ઓળખ શોધવામાં મુશ્કેલી પડી હતી. જોકે એમ છતાં વલસાડ પોલીસે તેના ડીએનએ માટે વિશેરા સૅમ્પલ રાખ્યાં હતાં અને એના પરથી મૃતદેહની ઓળખ થઈ શકી હતી.’