કુર્લા પોલીસે પંચનામું કરી મૃતદેહનો તાબો લઈ એ પોસ્ટમૉર્ટમ માટે મોકલાવી આપ્યો હતો અને એ સંદર્ભે તપાસ ચાલુ કરી હતી
જો કોઈ આ મહિલાને ઓળખતું હોય તો ક્રાઇમ બ્રાન્ચના કુર્લા યુનિટના દીપક કાંબળેનો ૯૮૨૧૨ ૮૨૧૦૧ પર સંપર્ક કરી માહિતી આપવી
કુર્લા-વેસ્ટના સીએસટી રોડ પર આવેલા શાંતિનગર પાસેથી રવિવારે બપોરે એક નધણિયાતી સૂટકેસમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતાં ચકચાર ફેલાઈ ગઈ હતી. કુર્લા પોલીસે પંચનામું કરી મૃતદેહનો તાબો લઈ એ પોસ્ટમૉર્ટમ માટે મોકલાવી આપ્યો હતો અને એ સંદર્ભે તપાસ ચાલુ કરી હતી.
કુર્લા-વેસ્ટના સીએસટી રોડ પર આવેલા શાંતિનગર પાસે હાલ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. રવિવારે ત્યાં એક બ્લુ કલરની ટ્રૉલી-બૅગ રસ્તાની બાજુમાં પડેલી જોવા મળી હતી. કેટલાક લોકોને શંકા જતાં બપોરે ૧૨.૩૦ વાગ્યે પોલીસને જાણ કરી હતી. કુર્લા પોલીસે ઘટનાસ્થળે જઈ તપાસ કરતાં એમાંથી અંદાજે ૨૫થી ૩૫ વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતી એક મહિલાનો મૃતદેહ ભરવામાં આવ્યો હોવાનું જણાયું હતું. એ મહિલાએ મોરપીંછ રંગનું પ્રિન્ટેડ ટી-શર્ટ અને પિન્ક કલરનો લેહેંગો પહેર્યો છે. પ્રાથમિક તપાસ મુજબ મહિલાનું ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી હોવાની પોલીસને શંકા છે. મહિલાના શરીર પર અન્ય કોઈ ઈજાનાં નિશાન નથી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને પ્રારંભિક તપાસ શરૂ કરી એ વિસ્તારના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ મેળવવાના પ્રયાસ કર્યા છે, જેથી આરોપી વિશે કોઈ માહિતી મળી શકે. સાથે જ મરનાર મહિલાનો ફોટો અન્ય પોલીસ સ્ટેશનમાં મોકલાવીને આવી કોઈ મહિલાની મિસિંગની કોઈ ફરિયાદ નોંધાઈ છે કે નહીં એ જાણી મરનારની ઓળખ પ્રસ્થાપિત કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે.