ખાનગી હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું. ભૂતકાળમાં તેમણે BJPના મુંબઈના અધ્યક્ષનું પદ પણ સંભાળ્યું હતું.
રાજ પુરોહિત
તળ મુંબઈના ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને પાંચ ટર્મ માટે વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા ભૂતપૂર્વ વિધાનસભ્ય રાજ કે. પુરોહિતનું શનિવારે ૭૧ વર્ષની વયે નિધન થયું હતું. ખાનગી હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું. ભૂતકાળમાં તેમણે BJPના મુંબઈના અધ્યક્ષનું પદ પણ સંભાળ્યું હતું. ૨૦૧૪-’૧૯ દરમ્યાન તેઓ વિધાનસભામાં BJPના વ્હિપ પણ હતા. શુક્રવારે થયેલી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીમાં તેમનો પુત્ર આકાશ પુરોહિત ફરી એક વાર નગરસેવક તરીકે વૉર્ડ-નંબર ૨૨૧માંથી ચૂંટાઈ આવ્યો હતો.
ભારતીય જનતા પાર્ટીના નૅશનલ સેક્રેટરી વિનોદ તાવડેએ સોશ્યલ મીડિયામાં તેમને શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું હતું કે ‘નગરસેવકથી લઈને વિધાનસભ્ય અને ત્યાર પછી પ્રધાન પણ બનેલા રાજ પુરોહિત મારા સારા મિત્ર હતા. તેઓ લોકો સાથે જોડાયેલા હતા અને એટલે લોકપ્રિય પણ હતા. રાજ પુરોહિતે તળ મુંબઈના ખાસ કરીને પાઘડીનાં મકાનોમાં રહેતા લોકોના પ્રશ્નોને અનેક વાર વાચા આપી હતી. તેમના જવાથી મહારાષ્ટ્ર BJPને ન પૂરી શકાય એવી ખોટ પડી છે.’
ADVERTISEMENT
ગઈ કાલે ચંદનવાડી સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સ્વિટ્ઝરલૅન્ડના દાવોસ ગયા છે. તેમણે રાજ પુરોહિતના નિધનના સમાચાર મળ્યા બાદ સોશ્યલ મીડિયા પર સંદેશ લખીને કહ્યું હતું કે ‘BJPના જ્યેષ્ઠ નેતા અને અમારા સૌના નજીકના મિત્ર રાજ પુરોહિતજીના નિધનના સમાચાર દુઃખદ છે. તેમના નિધનથી BJP અને મિત્રના પરિવારે એક દિલદાર વ્યક્તિમત્વ ગુમાવ્યું છે. વિધાનસભ્ય, વ્હિપ અને મુંબઈ BJPના અધ્યક્ષ તરીકે તેમણે વિવિધ જવાબદારીઓ સંભાળીને પક્ષનો વિસ્તાર કરવામાં મોટું યોગદાન આપ્યું હતું. સંગઠન-પ્રક્રિયામાં એક વિશ્વસનીય આધાર તરીકે તેઓ હંમેશાં પડખે ઊભા રહેતા હતા. દૃઢતા અને આક્રમકતા તેમનો સ્વભાવ હતો. તેઓ હંમેશાં ઉત્સાહી અને આત્મવિશ્વાસ સાથે સકારાત્મક રહેતા. વેપારીવર્ગમાં પણ તેઓ લોકપ્રિય હતા. વેપારીઓની અનેક સમસ્યાઓનો તેઓ ઉકેલ લાવ્યા હતા. હમણાંની BMCની ચૂંટણી વખતે પણ તેમણે પ્રચાર કર્યો હતો. તેમના નિધનથી BJPમાં ખાલીપો સર્જાશે. હું તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પું છું. તેમના કુટુંબીજનોના દુઃખમાં અમે સામેલ છીએ. ઓમ શાંતિ.’
મેં એક ઘનિષ્ઠ સહયોગી ગુમાવ્યા : અતુલ શાહ
ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અને ભૂતપૂર્વ વિધાનસભ્ય અતુલ શાહે કહ્યું હતું કે ‘રાજ પુરોહિતના નિધનને લીધે મેં એક ઘનિષ્ઠ સહયોગી તથા પાર્ટીએ અનુભવી, અધ્યયનશીલ અને જનસેવાને સમર્પિત નેતા ગુમાવ્યા છે. હું તેમની સાથે છેલ્લાં ૪૫ વર્ષથી સાર્વજનિક જીવનમાં કાર્યરત રહ્યો છું. ૧૯૯૯માં હું, રાજ પુરોહિત અને મંગલ પ્રભાત લોઢા વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને જયવંતીબહેન સંસદસભ્ય બન્યાં હતાં. દક્ષિણ મુંબઈના રાજકારણમાં આ મોટું પરિવર્તન હતું. રાજ પુરોહિતની ભાડેકરુ સંઘટનાના માધ્યમથી પાઘડીનાં મકાનોને લગતી સમસ્યાના સમાધાન માટે પ્રભાવી પ્રયાસ કરવામાં આવ્યા હતા જેને કારણે હજારો પરિવારોને રાહત મળી હતી. રાજ પુરોહિત ગૃહરાજ્યપ્રધાન હતા ત્યારે તેમણે ૩૩/૭ની ઐતિહાસિક જોગવાઈ લાગુ કરાવી હતી. તેમના આ નિર્ણયને લીધે મુંબઈની જર્જરિત થઈ ગયેલી ઇમારતોનો રીડેવલપમેન્ટનો માર્ગ મોકળો થયો હતો. લાખો મુંબઈગરા ત્યાર બાદ સુરક્ષિત અને સારા-બહેતર જીવનના સાક્ષી બન્યા હતા.’


