મોસમ વિભાગનાં ડિરેક્ટર ડૉ. સુષમા નાયરે આ બાબતે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘હાલ ફરી એક વાર મૉન્સૂન સક્રિય થઈ ગયું છે.
ગઈ કાલે કુર્લા માર્કેટમાં જોરદાર વરસાદ વચ્ચે જઈ રહેલા લોકો. સતેજ શિંદે
મુંબઈ : આવનારા ત્રણથી ચાર દિવસ મુંબઈ સહિત દિક્ષણ કોંકણપટ્ટી અને મરાઠવાડાના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની, જ્યારે કેટલીક જગ્યાએ અતિ ભારે વરસાદ પડવાની શક્યતા મોસમ વિભાગ દ્વારા દર્શાવાઈ છે.
મોસમ વિભાગનાં ડિરેક્ટર ડૉ. સુષમા નાયરે આ બાબતે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘હાલ ફરી એક વાર મૉન્સૂન સક્રિય થઈ ગયું છે. પશ્ચિમિ પવનો પણ વાદળો ખેંચી લાવી રહ્યા છે અને ઝારખંડના દિક્ષણ ભાગમાંથી પણ પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે ધોધમાર વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત આવનારા બે દિવસમાં બંગાળના ઉપસાગરમાં વધુ એક ચક્રવાત આકાર લે એવી શક્યતા છે. એને કારણે મુંબઈ સહિત દિક્ષણ કોંકણમાં ભારે વરસાદ પડવાની અને કેટલીક જગ્યાએ અતિ ભારે વરસાદ પણ પડવાની શક્યતા છે.’
મુંબઈમાં ગઈ કાલે પણ દિવસ દરમ્યાન ભારે ઝાપટાં અવારનવાર પડતાં રહ્યાં હતાં. બીએમસીએ જાહેર કરેલા આંકાડાઓ મુજબ ગઈ કાલે સવારના ૮ વાગ્યાથી લઈને સાંજે ૬ વાગ્યા દરમ્યાન મુંબઈ શહેરમાં ૪૪.૦૮ એમએમ, પૂર્વનાં પરાંઓમાં ૩૯.૦૮ એમએમ અને પશ્ચિમનાં પરાંઓમાં ૩૨.૭૫ એમએમ ઍવરેજ વરસાદ પડ્યો હતો. આજે બપોરે ૧૨.૩૦ વાગ્યે ભરતીના સમયે ૪.૨૩ મીટર ઊંચાં મોજાં ઊછળવાની શક્યતા છે. ગઈ કાલે દિવસ દરમ્યાન મુંબઈમાં ઝાડ તૂટી પડવાની પાંચ, ભીંત ધસી પડવાની ત્રણ અને શૉર્ટ સર્કિટની બે ઘટના નોંધાઈ હતી. જોકે આ દુર્ઘટનાઓમાં કોઈ જાનહાનિ થવાના કે કોઈના જખમી થવાના અહેવાલ નથી.


