Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દુકાનદારો મરાઠી બોર્ડના નિયમનું પાલન નહીં કરે તો કાર્યવાહી કરીશું

દુકાનદારો મરાઠી બોર્ડના નિયમનું પાલન નહીં કરે તો કાર્યવાહી કરીશું

Published : 27 September, 2023 12:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેએ વેપારીઓને ખોટી માથાકૂટમાં ન પડવાની સલાહ આપવાની સાથે કોર્ટનો આદેશ નહીં માને તો પગલાં લેવાની ચીમકી પણ ઉચ્ચારી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


દુકાનદારોને મરાઠીમાં સાઇન-બોર્ડ મૂકવા માટે સુપ્રીમ કોર્ટે બે મહિનાનો સમય આપ્યો છે. કોર્ટના આ ચુકાદાથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ આનંદ વ્યક્ત કર્યો છે. સાથે-સાથે તેમણે દુકાનદારોને ખોટી માથાકૂટમાં પડવાને બદલે  કોર્ટના ચુકાદાનું સન્માન કરવાનું કહ્યું છે. કોઈ એવું નહીં કરે તો રાજ્ય સરકારની સાથે એમએનએસ પણ કાર્યવાહી કરશે એવી ચીમકી તેમણે ગઈ કાલે ઉચ્ચારી હતી.

રાજ્ય સરકારે મહારાષ્ટ્રમાં વેપાર કરનારા વેપારીઓ માટે મોટા અક્ષરે મરાઠીમાં લખેલાં સાઇન-બોર્ડ મૂકવાનો કાયદો બનાવ્યો છે એને સુપ્રીમ કોર્ટે સોમવારે યોગ્ય ઠેરવ્યો હતો અને વેપારીઓને બે મહિનામાં મહારાષ્ટ્રમાં સ્થાનિક ભાષામાં સાઇન-બોર્ડ મૂકવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેએ વધાવી લીધો છે.
રાજ ઠાકરેએ ગઈ કાલે આ વિશે કહ્યું હતું કે ‘આગામી બે મહિનામાં મહારાષ્ટ્રની દુકાનો કે ઑફિસોમાં મરાઠી અક્ષરમાં લખેલાં સાઇન-બોર્ડ મૂકવાનો નિર્દેશ વેપારીઓને આપ્યો છે એ માટે હું કોર્ટનો આભાર માનું છું. મરાઠી પાટિયાના મુદ્દે એમએનએસએ છેલ્લાં કેટલાંય વર્ષોથી સંઘર્ષ કર્યો છે એને હવે માન્યતા મળી છે. દુકાનદારોએ આ મામલે ખોટી માથાકૂટમાં ન પડવું જોઈએ અને કોર્ટના નિર્ણયનો આદર કરવો જોઈએ. આ બાબતે રાજ્ય સરકાર ધ્યાન રાખશે અને કોઈ આદેશનું પાલન નહીં કરે તો કાર્યવાહી પણ કરશે. આ બાબતે સરકારની સાથે મારા પક્ષના સૈનિકોનું પણ ધ્યાન રહેશે એ વેપારીઓએ ભૂલવું ન જોઈએ.’



રાજ ઠાકરેએ મરાઠી પાટિયા બાબતે ગઈ કાલે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ લખી હતી જેમાં કહ્યું હતું કે ‘રાજ્યની જે ભાષા હોય એ ભાષામાં સ્થાનિક દુકાન કે ઑફિસ વગેરેનાં સાઇન-બોર્ડ હોવાં જોઈએ એ સાદો નિયમ છે. આ નિયમનો વિરોધ કરીને અહીંના મુઠ્ઠીભર વેપારીઓ કોર્ટમાં કેમ ગયા? મહારાષ્ટ્રમાં હોય તો મરાઠી અને બીજા રાજ્યમાં હોય તો ત્યાંની ભાષાનું સન્માન રાખીને સાઇન-બોર્ડ હોવાં જોઈએ. એમાં વિરોધ કરવા જેવું શું છે? તમે જો વેપાર માટે મહારાષ્ટ્રમાં આવો છો તો અહીંની ભાષાનું સન્માન પણ તમારે કરવું જોઈએ.’


મુંબઈ બીએમસીએ મરાઠી પાટિયાની ચકાસણી કરવા માટે ૧૦ ઑક્ટોબર ૨૦૨૨થી ૪ નવેમ્બર ૨૦૨૨ દરમ્યાન મુંબઈની ૨૮,૬૫૩ દુકાનની મુલાકાત લીધી હતી. આમાંથી ૨૩,૪૩૬ દુકાનદારોએ સાઇન-બોર્ડ મરાઠીમાં કર્યાં હોવાનું જણાયું હતું. બાકીના ૫,૨૧૭ દુકાનદારોએ રાજ્ય સરકારના નિયમનું પાલન ન કર્યું હોવાથી તેમને નોટિસ મોકલવામાં આવી હતી.

મુખ્ય પ્રધાનની વિદેશની મુલાકાત કેમ રદ થઈ?
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ૧થી ૮ ઑક્ટોબર દરમ્યાન જર્મની અને બ્રિટનની મુલાકાતે જવાના હતા. તેઓ જર્મનીમાં રસ્તા સંબંધિત આધુનિક ટેક્નૉલૉજી જાણવા અને બ્રિટનમાં રોકાણ સંબંધી ચર્ચા કરવા માટે જવાના હતા. જોકે ગઈ કાલે સરકારે જાહેર કર્યું હતું કે મુખ્ય પ્રધાનની વિદેશની આ મુલાકાત રદ કરવામાં આવી છે. અચાનક એવું તે શું થઈ ગયું કે આ મુલાકાત રદ કરાઈ? શિવસેનાના સત્તાસંઘર્ષની સુનાવણી ચાલી રહી છે એટલે સરકારે આવો નિર્ણય લીધો છે કે રાજકીય કટોકટી ઊભી થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વિદેશની આ મુલાકાત ટાળવામાં આવી છે એવા સવાલ થઈ રહ્યા છે. સરકારે જોકે કહ્યું છે કે મુખ્ય પ્રધાનની વિદેશની મુલાકાત રદ નહીં પણ પોસ્ટપોન્ડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આદિત્ય ઠાકરેએ મુખ્ય પ્રધાનની વિદેશની મુલાકાતની સોમવારે ટીકા કરી હતી કે એક દિવસના કામ માટે અઠવાડિયું વિદેશમાં રહીને સમયની સાથે લોકોના ટૅક્સના રૂપિયા બરબાદ કરવામાં આવશે.


જે. પી. નડ્ડા મુંબઈની મુલાકાતે

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા ગઈ કાલે મુંબઈ આવ્યા હતા. તેમણે બીજેપીના સ્થાનિક નેતાઓની સાથે સૌપ્રથમ ગિરગામના સૌથી જૂના કેશવજી ચાલ ગણેશોત્સવ મંડળના ગણપતિ, લાલબાગચા રાજા સહિતના સાર્વજનિક તેમ જ નેતાઓના ઘરે સ્થાપિત ગણપતિનાં દર્શન કર્યાં હતાં. બાદમાં તેમણે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાને જઈને તેમની સાથે મુંબઈ તેમ જ મહારાષ્ટ્રની સ્થિતિ વિશે ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ સમયે બીજેપીના નેતાઓ વિનોદ તાવડે, ચંદ્રશેખર બાવનકુળે અને આશિષ શેલાર સહિત અનેક ચૂંટાયેલા પ્રતિનિધિ હાજર હતા. 

Whatsapp-channel Whatsapp-channel

27 September, 2023 12:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK