પ્રેમીએ પ્રેમિકાના મૃતદેહનો નિકાલ કેવી રીતે કરવો એ જાણવા ગૂગલની હેલ્પ લીધી હતી : પોતાના મોબાઇલમાં પાર્ટનરના મૃતદેહની તસવીરો પણ લીધી

સરસ્વતીની બહેન પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી.
મુંબઈ : મીરા રોડમાં સરસ્વતી વૈદ્યની હત્યા કર્યા બાદ તેના પાર્ટનર મનોજ સાનેએ તેના મોબાઇલમાં મૃતદેહની તસવીરો લીધી હોવાની ચોંકાવનારી માહિતી મળી છે. પોલીસને તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે મૃતદેહનો નિકાલ કેવી રીતે કરવો એ માટે મનોજ ગૂગલ પર સર્ચ કરી રહ્યો હતો. રસપ્રદ વાત એ છે કે તેણે સરસ્વતીના મોબાઇલ ફોનમાં લખાણનો પણ નાશ કર્યો હતો.
મીરા રોડમાં રહેતા મનોજ સાનેએ તેની લિવ-ઇન રિલેશનશિપ પાર્ટનર સરસ્વતી વૈદ્યની હત્યા કર્યા બાદ અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હત્યા પાછળનો ચોક્કસ હેતુ સ્પષ્ટ થયો નથી. હત્યા બાદ તેણે તેના મૃતદેહના નિકાલ માટે ઇલેક્ટ્રિક કરવત ખરીદી હતી. તેણે તેના મૃતદેહની તસવીરો પણ લીધી હતી. ત્યાર બાદ ગૂગલ પર જઈને જાણ્યું કે દુર્ગંધ આવવામાં કેટલો સમય લાગશે. એ પછી સતત ચાર દિવસ સુધી મૃતદેહને ઠેકાણે લગાવવાનું કામ કરતો હતો. શરીરના જે ભાગના નાના ટુકડા થઈ રહ્યા નહોતા એને બાલદીમાં પાણીમાં ભીંજવીને રાખ્યા હતા.
પોલીસતપાસમાં તે અલગ-અલગ માહિતી આપી રહ્યો છે. ક્યારેક કહે છે કે મને લાંબી બીમારી છે તેથી અમે સંબંધ કરી શકતા નહોતા અને ક્યારેક તે નપુંસક થઈ ગયો હોવાનું પણ કહેતો હતો.