° °

આજનું ઇ-પેપર
Thursday, 23 March, 2023


બિલ્ડર પાસેથી રૂપિયા પડાવવા ઈડીના બોગસ સમન્સ મોકલાયા

16 March, 2023 12:23 PM IST | Mumbai
Prakash Bambhroliya | prakash.bambhroliya@mid-day.com

મીરા રોડની કાશીમીરા પોલીસે ત્રણ આરોપી સામે એફઆઇઆર નોંધીને તપાસ હાથ ધરી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચાર સંબંધિત મામલામાં કાર્યવાહી કરી રહી છે એટલે ચર્ચામાં છે. આ તપાસ એજન્સી બીજા એક કારણસર મીરા રોડમાં ચર્ચાનો વિષય બની છે. એક બિલ્ડર પાસેથી ૬.૫ કરોડ રૂપિયા વસૂલવા માટે ઈડીના બોગસ સમન્સ બનાવીને ડરાવવાના મામલામાં પોલીસે ત્રણ આરોપી સામે એફઆઇઆર નોંધીને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ મામલામાં હજી સુધી કોઈની ધરપકડ નથી કરાઈ.

મીરા રોડના કાશીમીરા પોલીસ સ્ટેશનમાં ૨૦૨૩ની ૧૦ માર્ચે નોંધવામાં આવેલા એફઆઇઆર (નં. ૦૧૮૦)માં જણાવવામાં આવ્યું છે કે ગોરેગામમાં રહીને મીરા-ભાઈંદરમાં પંદરેક વર્ષથી ફરિયાદી આનંદ અગરવાલ એ. એ. કૉર્પ નામની કન્સ્ટ્રક્શન કંપની ધરાવવાની સાથે સાલાસર બિલ્ડર્સના નામથી બાંધકામનો વ્યવસાય કરે છે.

આરોપી ગૌતમ અગરવાલ કન્સ્ટ્રક્શન ઇન્ડિયા અને રિયલ ઇન્ફ્રા ઍડ્વાઇઝર્સના નામે જમીન ખરીદ-વેચાણનું કામ કરે છે. આનંદ અગરવાલ આરોપી ગૌતમ અગરવાલને ૨૦૦૭થી ઓળખે છે. રિયલ એસ્ટેટની દલાલીના કોઈ રૂપિયા આપવાના બાકી ન હોવા છતાં આરોપી ગૌતમ અગરવાલ ૨૦૧૩થી ફરિયાદી પાસેથી પેમેન્ટ બાકી હોવાનું કહી રહ્યો છે.

ફરિયાદીએ મીરા રોડના કાશી ગામમાં આવેલી એનીમી પ્રૉપર્ટીના ડેવલપમેન્ટ માટે નૂર પટેલ અને તેના પરિવારજનો સાથે ૨૦૧૩માં કરાર કર્યા છે. આ માટે આ પરિવારને બે કરોડ રૂપિયાનું પેમેન્ટ કરવામાં આવ્યું છે. અત્યારે આ સાઇટ પર પ્લીન્થ લેવલ સુધીનું કામ થયું છે. ૨૦૨૨ની ૨૪ ફેબ્રુઆરીએ આરોપી ગૌતમ અગરવાલે નૅશનલ ઇન્વેસ્ટમેન્ટ એજન્સી (એનઆઇએ) અને ઈડીની મુંબઈમાં આવેલી ઑફિસમાં ફરિયાદીએ એનીમી પ્રૉપર્ટી બાબતે ફરિયાદ નોંધાવી હતી.

એફઆઇઆરમાં નોંધવામાં આવ્યું છે કે એનઆઇએ અને ઈડીમાં લેખિત ફરિયાદ કર્યા બાદ આરોપી ગૌતમ અગરવાલે ફરિયાદી આનંદ અગરવાલ અને તેમના પાર્ટનરો પાસેથી ૬.૫ કરોડ રૂપિયા બાકી હોવાનું કહ્યું અને સતત આ રૂપિયાની માગણી કરી રહ્યો છે. ફરિયાદીએ આ રકમ ન આપતાં ઈડીએ કાર્યવાહી કરવા માટે સમન્સ તૈયાર કર્યા હોવાનું ગૌતમ અગરવાલે મિતેશ શાહ નામની વ્યક્તિને આનંદ અગરવાલની ઑફિસમાં મોકલ્યો હતો. તેણે ઈડીના નકલી સમન્સ બતાવીને કાર્યવાહી અટકાવવા માટે ગૌતમ અગરવાલના ૬.૫ કરોડ રૂપિયા અને પોતાના પાંચ લાખ રૂપિયા આપવાની માગણી કરી હતી.

દાળમાં કંઈક કાળું હોવાની શંકા જતાં આનંદ અગરવાલે ઈડીની દિલ્હી ઑફિસમાં આ સંબંધે ઈ-મેઇલ કરી હતી. જવાબમાં ઈડીએ આવા કોઈ સમન્સ બજાવ્યા ન હોવાનું કહ્યું હતું. આથી આનંદ અગરવાલે કાશીમીરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

કાશીમીરાના સિનિયર ઇન્સ્પેક્ટર સંદીપ કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે બિલ્ડર આનંદ અગરવાલની ફરિયાદને પગલે ગૌતમ અગરવાલ, મિતેશ શાહ અને રાજુ શાહ ઉર્ફે જૈન સામે આઇપીસીની કલમ ૧૨૦બી, ૩૮૫, ૪૬૫, ૪૬૮, ૪૬૯, ૪૭૧, ૫૦૦ અને ૩૪ અંતર્ગત એફઆઇઆર નોંધીને તપાસ હાથ ધરી છે. આ મામલે તપાસ ચાલી રહી છે અને હજી સુધી કોઈ આરોપીની ધરપકડ નથી કરી.’ 

16 March, 2023 12:23 PM IST | Mumbai | Prakash Bambhroliya

અન્ય લેખો

મુંબઈ સમાચાર

ટેક્સટાઇલ કમિશનરને દિલ્હીમાં શિફ્ટ કરવા સામે વેપારીઓમાં નારાજગી

મોટા ભાગનો આ બિઝનેસ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં હોવા છતાં કેન્દ્ર સરકારના આ નિર્ણયથી હવે મુંબઈ, સુરત અને અમદાવાદના વેપારીઓેએ દિલ્હી ધક્કા ખાવા પડશે

22 March, 2023 11:43 IST | Mumbai | Prakash Bambhroliya
મુંબઈ સમાચાર

મુંબઈમાં ૭૮ મેડિકલ સ્ટોર્સનાં લાઇસન્સ રદ અને ૩૬૫નાં સસ્પેન્ડ

ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશનની ટીમે દવાના ધંધામાં ફાર્મસિસ્ટના નામે ચાલી રહેલા ગેરકાયદે કામકાજ સામે કાર્યવાહી કરી

22 March, 2023 09:16 IST | Mumbai | Prakash Bambhroliya
મુંબઈ સમાચાર

સોનું ૧૦,૦૦૦ રૂપિયે તોલો છે?

મીરા રોડ પોલીસે બાગેશ્વરધામના દરબારમાં ગયેલી ૩૬ મહિલાનાં મંગળસૂત્ર અને ચેઇન આંચકાયા બાદ આ ભાવે કર્યું વૅલ્યુએશન : એક મહિલાએ કહ્યું કે બાબાએ આરોપીઓને પકડીને અમારા દાગીના પાછા અપાવવા જોઈએ

20 March, 2023 08:43 IST | Mumbai | Prakash Bambhroliya

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK