ગઈ કાલે દાદરથી ઊપડ્યો : રોજ ૨૧ કિલોમીટર રનિંગ અને ૧૦૦ કિલોમીટર સાઇક્લિંગ કરશે
ગઈ કાલે દાદરના શિવાજી પાર્કથી ગોવા પ્રયાણ કરતાં પહેલાં મિલિન્દ સોમણ, તેની પત્ની અંકિતા અને ટીમ. તસવીર : અતુલ કાંબળે
ફિટનેસ આઇકન અને ઇન્ડિયન સુપરમૉડલ મિલિન્દ સોમણે ગઈ કાલે ‘ધ ફિટ ઇન્ડિયા રન’ની શરૂઆત કરી હતી. આ વર્ષે તે મુંબઈથી ગોવા દોડીને અને સાઇકલ ચલાવીને ૫૫૮ કિલોમીટરનું અંતર કાપશે. પાંચ દિવસ દરમ્યાન શરીરની સહનશક્તિ અને દૃઢસંકલ્પને વળગી રહેવાની આ ચૅલેન્જ હશે. ગઈ કાલે શિવાજી પાર્કથી આ મિશનની શરૂઆત થઈ હતી અને ૩૦ જૂને તે ગોવા પહોંચશે.
મિલિન્દ સોમણ દર વર્ષે સ્વતંત્રતા દિવસની આસપાસ એક એન્ડ્યૉરન્સ ઇવેન્ટ કરે છે, પરંતુ આ વખતે જૂન મહિનામાં થઈ રહી છે. પાંચ દિવસના આ મિશનમાં મિલિન્દ સોમણ રોજ ૧૦૦ કિલોમીટર સાઇક્લિંગ કરશે અને ૨૧ કિલોમીટર રનિંગ કરશે. હંમેશની જેમ તે આ મિશન પર પણ એકલો જ છે. જોકે એક નાની ટીમ છે જે તેના ન્યુટ્રિશન અને બીજી જરૂરિયાતની બાબતોની સંભાળ લેવા હંમેશાં તેની સાથે પડછાયાની જેમ રહેશે. તેની પત્ની અંકિતા પણ એ ટીમમાં કંપની આપવાની છે.
ADVERTISEMENT
મુંબઈથી ગોવા જવા માટે મિલિન્દ કોંકણ બેલ્ટના રૂટ પર જઈ રહ્યો છે. મુંબઈથી પેણ, કોલાડ, ચિપલૂણ, રત્નાગિરિ, કંકાવલિ અને ફાઇનલી પણજી પહોંચશે. શૂઝ નહીં, ઉઘાડા પગે દોડવાનું
મિલિન્દ સોમણને શૂઝ પહેરવાનું નથી ગમતું. તે જ્યારે પણ આવા કોઈ ફિટનેસ મિશન પર હોય ત્યારે ઉઘાડા પગે જ દોડવાનું પ્રિફર કરે છે. તે કહે છે, ‘ઉઘાડા પગે ચાલવાથી દરેક ડગલે હું પૃથ્વી સાથે વધુ કનેક્ટેડ ફીલ કરું છું. એ સાદગી અને સ્ટ્રેન્ગ્થનું પ્રતીક છે. મેં ઘણી ફિટનેસ ચૅલેન્જ ઉઘાડા પગે જ કરી છે અને આ પણ કંઈ જુદી નથી. જો વરસાદ પડશે તો રબરના વાઇબ્રમ્સ અથવા લુના સૅન્ડલ્સ સાઇક્લિંગ કરતી વખતે વાપરીશ.’
ગોવા જ કેમ?
રનિંગ અને સાઇક્લિંગ કરીને ગોવા જવાનું કેમ નક્કી કર્યું? એના જવાબમાં મિલિન્દ સોમણ કહે છે, ‘ગોવા એવી જગ્યા છે જ્યાં દરિયાનો આત્મા છે. એ વાઇબ્રન્ટ છે, એમાં વૈવિધ્ય છે અને ખૂબબધી પૉઝિટિવ એનર્જી પણ. મુંબઈથી ગોવાની કોંકણ બેલ્ટની સફર પણ ચૅલેન્જિંગ હોવા ઉપરાંત બ્યુટિફુલ છે.’


