તેઓ ગુમ થયા બાદ વૉટ્સઍપ ગ્રુપ પર તેમની ડીટેલ સર્ક્યુલેટ કરવામાં આવી હતી

અંધેરીથી મળી આવ્યા બાદ પરિવાર સાથે રંજન ભેદા
કાંદિવલીના ચારકોપ સેક્ટર-૧માં રહેતાં કચ્છી વીસા ઓસવાળ સમાજનાં ૪૩ વર્ષનાં માનસિક રીતે અક્ષમ રંજન ભેદા સોમવારે સવારે ૯.૩૦ વાગ્યે રોજની જેમ ઘરની નજીકના ગાર્ડનમાં ગયાં હતાં. જોકે ત્યાર બાદ તેઓ ઘરે પાછાં ફર્યાં નહોતાં. એથી તેમના પરિવારના લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા. અનેક જગ્યાએ શોધ ચલાવ્યા બાદ આખરે ગુરુવારે તેઓ અંધેરી-ઈસ્ટના પારસી પંચાયત રોડ પરથી મળી આવ્યાં હતાં.
તેઓ ગુમ થયા બાદ વૉટ્સઍપ ગ્રુપ પર તેમની ડીટેલ સર્ક્યુલેટ કરવામાં આવી હતી. એટલું જ નહીં, બીજા દિવસે પોલીસમાં પણ તેમના મિસિંગની ફરિયાદ કરાઈ હતી. મંગળવારે રાત્રે તેઓ સેન્ટ્રલ લાઇનમાં પ્રવાસ કરી રહ્યાં હતાં એવી બાતમી મળતાં જ સેન્ટ્રલ રેલવેનાં સ્ટેશનો પર તેમની શોધ ચલાવાઈ હતી. અનેક કચ્છી યુવાનો તેમને શોધી રહ્યા હતા.
પરિવાર દ્વારા કરાયેલા વૉટ્સઍપ મેસેજ અનેક ગ્રુપમાં વાઇરલ થયા હતા. તેઓ કઈ રીતે મળી આવ્યાં એ વિશે માહિતી આપતાં તેમનાં સંબંધી નીતા સત્રાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ વૉટ્સઍપ તેમની એક સહેજ દૂરની કઝિનને મળ્યો હતો. ગુરવારે તે અંધેરીના પારસી પંચાયત રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે એક ગલીમાં રંજનબહેનને જોયાં હતાં. તેણે તરત જ એ મેસેજ ફરી જોયો તો એમાંનો ફોટો રંજનબહેનનો હોવાથી તરત જ ફોન કરીને પરિવારને જાણ કરી હતી. જોકે પરિવારે ખાતરી કરવા તેને વિડિયો-કૉલ કરવા કહ્યું હતું. એથી તેણે વિડિયો-કૉલ કર્યો અને પરિવારને ખાતરી થઈ કે તે રંજન જ છે અને સુખરૂપ છે. તેમણે એ કઝિનને કહ્યું કે તું થોડી વાર તેમને ત્યાં જ ખવડાવ-પીવડાવ, અમે આવીએ છીએ. થોડી જ વારમાં પરિવારના સભ્યો ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમને ઘરે લઈ ગયા હતા. તેઓ આ દિવસો દરમ્યાન ક્યાં હતાં એ વિશે બહુ ઓછું જાણવા મળ્યું હતું. ત્રુટક-ત્રુટક માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે કોઈ એક ફેરિયો તેમને થોડું ઘણું ખાવાનું આપતો હતો. હાલ તેમને કોઈ જ માનસિક તાણ ન પડે એ માટે તેમને વધારે પ્રશ્નો કરાયા નથી. તેઓ સુખરૂપ મળી આવ્યાં એનો જ પરિવારને આનંદ છે.’