મનોજ જરાંગે પાટીલે ૨૦ જાન્યુઆરીથી આઝાદ મેદાનમાં આંદોલન કરવાની જાહેરાત કરી : સુપ્રીમ કોર્ટે ક્યુરિટિવ પિટિશન સ્વીકારી : ૨૪ જાન્યુઆરીએ સુનાવણી
ફાઇલ તસવીર
મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને પણ બીજાઓની જેમ આરક્ષણ આપવાની માગણી કરી રહેલા મનોજ જરાંગે પાટીલે ગઈ કાલે બીડમાં આયોજિત સભામાં ૨૦ જાન્યુઆરીએ મુંબઈના આઝાદ મેદાનમાં અનશન શરૂ કરવાની જાહેરાત કરી હતી. મુંબઈમાં ત્રણ કરોડ મરાઠા આવવાના હોવાથી તેમના માટે વ્યવસ્થા ઊભી કરવાનું મનોજ જરાંગે પાટીલે કહ્યું છે. આથી આવતા મહિનામાં મરાઠા આરક્ષણ બાબતે મુંબઈમાં ઘમસાણ શરૂ થઈ શકે છે. બીજી તરફ રાજ્ય સરકારે મરાઠા આરક્ષણ સંબંધે સુપ્રીમ કોર્ટમાં ક્યુરિટિવ પિટિશન દાખલ કરી છે એ સ્વીકારી લેવામાં આવી છે અને ૨૪ જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે એમ કહ્યું છે. આથી સુપ્રીમ કોર્ટ મરાઠા આરક્ષણમાં હવે શું ચુકાદો આપે છે એના પર સૌની નજર રહેશે.
છેલ્લા કેટલાક સમયથી મરાઠા સમાજને પણ આરક્ષણ આપવાની માગણી સાથે રાજ્યમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે. મનોજ જરાંગે પાટીલે રાજ્ય સરકારને ૨૪ ડિસેમ્બર સુધીમાં આરક્ષણ નહીં આપવામાં આવે તો ફરીથી અનશન કરવાની ચીમકી આપી હતી. આજે આ મુદત પૂરી થઈ છે એના એક દિવસ પહેલા બીડમાં મનોજ જરાંગે પાટીલની સભા યોજવામાં
આવી હતી.
ADVERTISEMENT
આ સભામાં મનોજ જરાંગે પાટીલે કહ્યું હતું કે ‘મુંબઈના આઝાદ મેદાનમાં ૨૦ જાન્યુઆરીથી હું આમરણ ઉપવાસ શરૂ કરીશ. આંતરવાલીથી મરાઠાઓનો જનસાગર મુંબઈ જશે. આપણા સમાજને ડાઘ ન લાગવો જોઈએ. કોઈ વાહનોને આગ લગાવે તો તેને પકડીને પોલીસને સોંપજો. આપણા સમાજનો હશે તો પણ આ કામ કરજો. મરાઠા સમાજના સાંસદ, વિધાનસભ્યો અને પ્રધાનોને વિનંતી છે કે તેઓ સમાજ સાથે ઊભા રહે. સાથ નહીં આપો તો તમારા પર કાયમી બંધી લગાવવામાં આવશે. મુંબઈમાં ત્રણ કરોડ મરાઠા પહોંચશે એટલે તેમના માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવી પડશે. બે-ત્રણ દિવસમાં કયા રસ્તે અહીંથી મુંબઈ જવાનું છે એનો નિર્ણય લેવામાં આવશે. મરાઠા સમાજને આરક્ષણ અપાવ્યા વિના હું મુંબઈથી પાછો નહીં આવુ.’
એક તરફ મનોજ જરાંગે પાટીલે ૨૦ જાન્યુઆરીથી મુંબઈમાં ફરી અનશન શરૂ કરવાની જાહેરાત કરી છે તો બીજી બાજુ રાજ્ય સરકારે મરાઠા આરક્ષણ બાબતે ક્યુરિટિવ પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી એ સ્વીકારી લેવામાં આવી છે અને આગામી ૨૪ જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટે મરાઠા આરક્ષણ સંબંધી ક્યુરિટિવ પિટિશન સ્વીકારીને ૨૪ જાન્યુઆરીએ સુનાવણી કરવાનું કહ્યું છે ત્યારે મનોજ જરાંગે પાટીલે મુંબઈમાં અનશન કરવા માટે ઉતાવળ ન કરવી જોઈએ. અમે પહેલેથી જ કહી રહ્યા છીએ કે મરાઠા સમાજને આરક્ષણ મળે એ માટેના અમે તમામ પ્રયાસ કરીશું. સુપ્રીમ કોર્ટમાં આરક્ષણ ટકી શકે એ માટે અમે સારામાં સારા વકીલો રોકીશું.’
અજિત પવારનો ભત્રીજો પવાર પરિવારનો નવો વારસદાર?
એનસીપીમાં ભંગાણ થયા બાદ શરદ પવાર, સુપ્રિયા સુળે અને રોહિત પવાર એક બાજુ તો અજિત પવાર અને પાર્થ પવાર બીજી તરફ એમ પવાર પરિવાર વિભાજિત થઈ ગયો છે. આથી પવાર પરિવારનો વારસદાર કોણ?ની ચર્ચા શરૂ થઈ છે ત્યારે શરદ પવાર દ્વારા અજિત પવારના સગા ભાઈ શ્રીનિવાસ પવારના પુત્ર યુગેન્દ્ર પવારને રાજકારણમાં ઉતારવાની તૈયારી કરવામાં આવી રહી હોવાનું કહેવાય છે. યુગેન્દ્ર પવાર એક સાકર કારખાનાનું કામકાજ જુએ છે અને તે એક શૈક્ષણિક સંસ્થાના ટ્રેઝરરની સાથે બારામતી કુસ્તી સંઘનો અધ્યક્ષ પણ છે. તે કાયમ શરદ પવાર સાથે હોય છે. એનસીપીમાં ભંગાણ થયું હતું ત્યારે યુગેન્દ્ર શરદ પવારને તેમના સિલ્વર ઓક બંગલામાં મળવા ગયો હતો. તે બારામતીમાં ખૂબ સક્રિય છે. આથી અજિત પવારને ટક્કર આપવા શરદ પવાર યુગેન્દ્રને મેદાનમાં ઉતારી શકે છે. જોકે આ વિશે કોઈ ખૂલીને બોલતું નથી.
શરદ પવારે ગૌતમ અદાણીનો આભાર માન્યો
મહાવિકાસ આઘાડીમાં સામેલ ઉદ્ધવ ઠાકરે એક તરફ ગૌતમ અદાણીનો વિરોધ કરવાની એક પણ તક જવા નથી દેતા ત્યારે એનસીપીના સ્થાપક શરદ પવારે ગઈ કાલે ટોચના ઉદ્યોગપતિ અદાણીનાં વખાણ કર્યાં હતાં. બારામતીમાં નવું ટેક્નૉલૉજી સેન્ટર બનાવવા માટે જરૂરી ૨૫ કરોડ રૂપિયાની જરૂર હતી ત્યારે ગૌતમ અદાણીએ આ રૂપિયા આપ્યા હતા. આ વિશે શરદ પવારે ગઈ કાલે આયોજિત કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘બારામતીમાં વિદ્યા પ્રતિષ્ઠાનમાં નવા ટેક્નૉલૉજી સેન્ટરની જરૂર છે અને એ માટે ૨૫ કરોડ રૂપિયા જોઈશે એની જાણ ગૌતમ અદાણીને થતાં તેમણે આટલા રૂપિયાની મદદ કરી છે. આથી મારે આજે તેમનું નામ લેવું જરૂરી છે. રોબોટિક લૅબ શરૂ થવાથી અહીંના શેરડી ઉત્પાદન કરતા ખેડૂતોને પણ નવી ટેક્નૉલૉજીનો લાભ મળશે. આજે આ લૅબનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે એટલે આ લૅબોરેટરી અહીંના ખેડૂતોની સાથે બીજા ઉદ્યોગને પણ ઉપયોગી રહેશે.’
એક તરફ ઇન્ડિયા જૂથના કૉન્ગ્રેસ, ઉદ્ધવ ઠાકરે જૂથ સહિતના કેટલાક પક્ષો ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કાયમ ટીકા કરે છે તો બીજી બાજુ આ જૂથમાં સામેલ શરદ પવારે કાયમ ગૌતમ અદાણી સાથે સારા સંબંધ રાખ્યા છે. દેશના વિકાસ માટે ગૌતમ અદાણીનું મોટું યોગદાન હોવાનું શરદ પવાર પહેલાં પણ કહી ચૂક્યા છે.


