જો કોઈ ટૂ-વ્હીલરની નવી ખરીદી સાથે બે હેલ્મેટ ફ્રી ન મળે તો એ સંદર્ભે લોકો હવે રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)માં પણ એ બાબતે ફરિયાદ કરી શકશે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ સહિત રાજ્યમાં રોડ-અકસ્માતમાં થતાં મૃત્યુની સંખ્યા જોતાં અને એમાં પણ ટૂ-વ્હીલર પર પાછળની સીટ પર બેસનાર પિલ્યન રાઇડરનાં મોત વધુ થતાં હોવાથી તેમના માટે પણ હેલ્મેટ પહેરવી ફરી એક વાર ફરજિયાત કરવાની સાથે જ ટૂ-વ્હીલર વેચનારાઓએ પણ બે હેલ્મેટ ફ્રી આપવાનો નિયમ હોવા છતાં એ ન આપતા હોવાનું જણાઈ આવ્યું છે એટલે તેમની સામે કાર્યવાહી કરવાનું ટ્રાન્સપોર્ટ ઑથોરિટીએ નક્કી કર્યું છે. જો કોઈ ટૂ-વ્હીલરની નવી ખરીદી સાથે બે હેલ્મેટ ફ્રી ન મળે તો એ સંદર્ભે લોકો હવે રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)માં પણ એ બાબતે ફરિયાદ કરી શકશે.
ફ્રીમાં હેલ્મેટ આપવાનો નિયમ તો પહેલેથી છે જ, પણ અનેક ડીલરો એ આપતા નથી. જોકે એક જ સીટની બાઇક કે સ્કૂટી વેચાય તો એના માટે એક હેલ્મેટ આપી શકાય, પણ જો બે સીટની સ્કૂટી કે બાઇક વેચી હોય તો બે હેલ્મેટ ફ્રીમાં આપવી ફરજિયાત છે. ઑટોમોબાઇલ એક્સપર્ટ્સના કહેવા મુજબ ઘણા ગંભીર અકસ્માતોમાં હેલ્મેટ પહેરી હોવાથી માણસ બચી ગયો હોવાનાં ઉદાહરણો છે એટલે એને બંધન ન ગણતાં પોતાની સેફ્ટી માટે પહેરવી જરૂરી છે.