પુણેની વ્યક્તિએ મંત્રાલયના ત્રીજા માળેથી કૂદકો માર્યો
દીપક પાટીલ જમ્પ કર્યા બાદ અટવાઈ ગયો હતો
દક્ષિણ મુંબઈમાં આવેલા મહારાષ્ટ્રના મંત્રાલયના ત્રીજા માળેથી ગઈ કાલે બપોર બાદ પુણેમાં રહેતા બાવન વર્ષના દીપક પાટીલે હાથમાં કાગળિયાં અને પાણીની બૉટલ સાથે કૂદકો માર્યો હતો. જોકે અગાઉ આત્મહત્યા કરવાની ઘટના બની હતી એટલે મંત્રાલયના પહેલા અને બીજા માળની વચ્ચે સેફ્ટી નેટ બાંધવામાં આવી છે એમાં દીપક પાટીલ જમ્પ કર્યા બાદ અટવાઈ ગયો હતો. મંત્રાલયના સ્ટાફ અને પોલીસે તેને નેટમાંથી બહાર કાઢ્યો હતો. પુણેથી મંત્રાલય આવીને શા માટે કૂદકો માર્યો છે એવા સવાલના જવાબમાં દીપક પાટીલે કહ્યું હતું કે ‘હું પાણીની અછત હોય એવા ક્ષેત્રમાં કામ કરું છું. મને લાગે છે કે રાજ્યના ડૅમની સલામતી અને સારસંભાળ પર પૂરતું ધ્યાન નથી અપાતું. આ બાબતે ભૂખહડતાળ પણ કરી હતી, પરંતુ કોઈના પેટનું પાણીયે નથી હલતું. આ બાબત બધાના ધ્યાનમાં આવે એ માટે આજે હું મંત્રાલય આવ્યો હતો અને જમ્પ કરીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું.’

