મલાડમાં રહેતી ૧૪ વર્ષની છોકરીના પરિવારની ફરિયાદ બાદ મલાડ પોલીસે ૨૨ વર્ષના કાંદિવલી-ઈસ્ટમાં રહેતા આરોપી હર્ષ ગિંદરાની ધરપકડ કરી હતી

મલાડ પોલીસે પકડી પાડેલો સગીર છોકરીઓને અશ્લીલ મેસેજ અને વિડિયો મોકલતો આરોપી.
મુંબઈ : મલાડ પોલીસે એક એવા આરોપીની ધરપકડ કરી છે જે સગીર છોકરીઓને અશ્લીલ મેસેજ અને વિડિયો મોકલતો હતો. આ આરોપી એક ઍપના માધ્યમથી છોકરીઓના નંબર મેળવતો હતો અને તેમને અશ્લીલ મેસેજ મોકલતો હતો. જો યુવતીએ એ નંબર બ્લૉક કરી દેતી તો આરોપી બીજા નંબર પરથી વિડિયો અને મેસેજ મોકલતો હતો.
મલાડમાં રહેતી ૧૪ વર્ષની છોકરીના પરિવારની ફરિયાદ બાદ મલાડ પોલીસે ૨૨ વર્ષના કાંદિવલી-ઈસ્ટમાં રહેતા આરોપી હર્ષ ગિંદરાની ધરપકડ કરી હતી. તેનું મૂળ ગામ રાજસ્થાન છે. પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ તેનો મોબાઇલ તપાસતાં ખબર પડી કે તે અનેક યુવતીઓને અશ્લીલ મેસેજ અને અશ્લીલ વિડિયો મોકલતો હતો.
મલાડ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ અધિકારી રવીન્દ્ર અદાણેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પોલીસે જે નંબર પરથી આરોપી વિડિયો મોકલતો હતો એના વિશે માહિતી મેળવીને તેની ધરપકડ કરી હતી. આરોપી શા માટે આવું કરતો હતો એનું ચોક્કસ કારણ તપાસ દરમિયાન બહાર આવશે.’
અશ્લીલ મેસેજ અને વિડિયો મેળવનારી અન્ય યુવતીઓને નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે.’