લોકલાગણીને માન આપીને મલાડમાં દફ્તરી રોડના સ્કાયવૉકનું કામ તો અટકાવી દેવાયું, પરંતુ રસ્તા પર પડેલાં મશીનોને કારણે થઈ રહ્યો છે ટ્રાફિક
મલાડ-ઈસ્ટના દફ્તરી રોડથી હાઇવે સુધીનો સ્કાયવૉક
મલાડ-ઈસ્ટના દફ્તરી રોડથી હાઇવે સુધી સ્કાયવૉક બાંધવા વિરુદ્ધ સોમવારે વિરોધ-પ્રદર્શન થયા પછી ગુરુવારે બપોરે બાર વાગ્યે એનું કામ અટકાવી દેવામાં આવ્યું હતું. હવે નવેસરથી રિવ્યુ કરવામાં આવશે અને એ પછી નિર્ણય લેવામાં આવશે. હાલમાં સ્કાયવૉકનું કામ તો અટકી ગયું છે, પરંતુ ત્યાં પડેલાં મશીનોને કારણે સવારથી રાત સુધી વાહનોની લાંબી લાઇનો લાગેલી હોવાથી ટ્રાફિક જૅમની સમસ્યા સર્જાઈ રહી છે. લોકોનું કહેવું છે કે અહીં પડેલાં મશીનો પણ હટાવી લેવામાં આવે જેથી ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળે.
મલાડ-ઈસ્ટ અસોસિએશનના સભ્ય ભાવેશ જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્કાયવૉકનું કામ તાત્પૂરતું બંધ કરી દેવાયું છે. હવે ફરી આખો રિવ્યુ કરવામાં આવશે અને પબ્લિકને પણ પૂછવામાં આવશે. નવેસરથી રિવ્યુ કર્યા પછી નિર્ણય લેવાશે. ત્યાં સુધી તો સ્કાયવૉકનું કામ બંધ રહેશે. સ્કાયવૉકનું કામ તો બંધ થઈ ગયું છે, પરંતુ હજી મશીનો અને બીજો સામાન એમ જ પડેલાં છે જેને કારણે સવારે ૭થી રાત્રે ૧૧ વાગ્યા સુધી ટ્રાફિક જૅમ થાય છે. રસ્તો બ્લૉક થઈ જવાને કારણે વાહનચાલકોને પસાર થવાની પૂરી જગ્યા મળતી નથી અને સમયનો પણ વેડફાટ થાય છે એટલે પ્રશાસનને વિનંતી છે કે વહેલી તકે મશીનોને હટાવી લે જેથી ટ્રાફિકની સમસ્યામાંથી બચી શકાય.’
