મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર બોરઘાટના ઉતરાણ વખતે બ્રેક ફેલ થયા બાદ ૧૨ કારને અડફેટે લીધી : કારનો કચ્ચરઘાણ નીકળ્યો, પણ સદ્નસીબે કોઈ જાનહાનિ ન થઈ
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ટ્રકે સાત કારનો ખુડદો બોલાવી દીધો હતો
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ગઈ કાલે બપોરના સમયે ખોપોલીના એક્ઝિટ પાસેના બોરઘાટ ખાતે એક ટ્રકે ૧૨ કારને અડફેટે લઈને તરખાટ મચાવ્યો હતો. ઘાટ ઊતરતી વખતે ટ્રકની બ્રેક ફેલ થવાથી પૂરપાટ વેગે ધસી રહેલી ટ્રકની અડફેટમાં એક-બે નહીં પણ ૧૨ કાર આવી હતી. આ ટક્કરમાં બે-ત્રણ કારનો તો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ઘટનામાં ચારથી પાંચ લોકોને ઈજા થઈ હતી. ટ્રકે અડફેટે લીધેલી કારોની હાલત જોઈને એવું લાગે છે કે અનેક લોકો મૃત્યુ પામ્યા હશે. જોકે સદ્નસીબે કોઈ જાનહાનિ નહોતી થઈ. આ અકસ્માતને કારણે પુણેથી મુંબઈ તરફના હાઇવેને થોડા સમય સુધી બંધ કરી દેવો પડ્યો હતો જેને કારણે ભારે ટ્રાફિક-જૅમ થયો હતો.
હાઇવે ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ખોપોલી પાસે એક ટ્રક બોરઘાટ ઊતરી રહી હતી ત્યારે એની બ્રેક ફેલ થઈ ગઈ હતી. આથી ટ્રકે એ સમયે રસ્તામાંથી પસાર થઈ રહેલી ૧૨ કારને અડફેટે લીધી હતી. આ અકસ્માત ઘાટના તીવ્ર ઢોળાવ પર ઊતરતી વખતે થયો હતો એટલે ટ્રકની અડફેટે આવનારી અનેક કારનો ખુરદો બોલી ગયો હતો. ટ્રકની ટક્કરથી કારની ઉપર કાર ચડી ગયા બાદ અમુક અંતરે જઈને ટ્રક ઊભી રહી હતી. આટલી વારમાં આસપાસની કુલ ૧૨ કારને ટ્રકે અડફેટે લીધી હોવાનું જણાયું હતું.
ADVERTISEMENT
અકસ્માતની જાણ થતાં જ હાઇવે ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને અકસ્માતને લીધે કારમાં અટવાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ચારથી પાંચ લોકોને ઈજા થઈ હોવાથી તેમને ખોપોલીની હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવાયા હતા. જોકે આ ઘટનામાં કોઈને ગંભીર ઈજા કે જાનહાનિ નહોતી થઈ. ટ્રક-ડ્રાઇવરને તાબામાં લેવામાં આવ્યો છે. તેણે કહ્યું હતું કે બોરઘાટ ઊતરતી વખતે ટ્રકની બ્રેક ફેલ થવાથી આ અકસ્માત થયો છે. વધુ તપાસ કરવામાં આવી રહી છે.
અકસ્માત બાદ હાઇવે ટ્રાફિક પોલીસને કાર અને ટ્રકને રસ્તામાંથી સાઇડમાં લેવા માટે બેથી ત્રણ કલાક લાગ્યા હતા. આથી આટલો સમય પુણેથી મુંબઈ તરફના હાઇવે પર વાહનોની અવરજવરને અસર પહોંચી હતી અને ટ્રાફિક-જૅમ થયો હતો.


