સામાન્ય રીતે દર ત્રણ વર્ષે દરેક વિભાગનું ઑડિટ કરવાનું રહે છે, પણ મીરા-ભાઈંદર સુધરાઈના કમિશનરે ભ્રષ્ટાચારનો આરોપ થયા બાદ આ સમિતિનું ૧૦ વર્ષનું ઑડિટ કરવાનો આદેશ આપ્યો છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
મીરા-ભાઈંદર મહાનગરપાલિકામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાના છેલ્લાં દસેક વર્ષમાં અનેક આરોપ થયા છે અને દસથી વધુ કર્મચારી-અધિકારી ઍન્ટિ-કરપ્શન બ્યુરોની તપાસમાં પકડાયા પણ છે. આમ છતાં કોઈના પેટનું પાણી પણ હલતું ન હોવાનો આરોપ છે. ગયા અઠવાડિયે કૉન્ગ્રેસે મહિલા અને બાળકલ્યાણ સમિતિમાં ૧૮ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ કરીને આંદોલન કર્યું હતું, જેને પગલે સુધરાઈના કમિશનરે આ સમિતિનું છેલ્લાં ૧૦ વર્ષનું ઑડિટ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ પરથી જણાઈ આવે છે કે મીરા-ભાઈંદર મહાનગરપાલિકામાં મહિલા બાળકલ્યાણ સમિતિનું ત્રણ વર્ષના નિયમને નેવે મૂકીને અત્યાર સુધી ઑડિટ જ નથી કરાયું.
સુધરાઈની મહિલા બાળકલ્યાણ સમિતિ દ્વારા દર વર્ષે મહિલાઓને મદદરૂપ થવા માટે તેમ જ બાળકોને વિવિધ સહાય કરવા માટે કેટલોક ખર્ચ કરવામાં આવે છે. ટેલરિંગ, ડ્રાઇવિંગ, કુકિંગ, મેંદી મૂકવા જેવી તાલીમ મહિલાઓને આપીને તેમને આર્થિક રીતે પગભર થવામાં આ સમિતિ દ્વારા મદદ કરાય છે, જ્યારે સ્ટુડન્ટ્સને સ્કૂલ-બૅગ સહિતની વસ્તુઓ આપવામાં આવે છે. વર્ષોથી આ પરંપરા ચાલે છે.
જોકે મીરા-ભાઈંદર મહાનગરપાલિકામાં કેટલાક લોકોની અધિકારીઓ સાથેની મિલીભગતથી બોગસ લાભાર્થીનાં નામ જોડીને બિલ પાસ કરાવવામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરાતો હોવાના કેટલાક પુરાવા હાથ લાગ્યા છે. એટલું જ નહીં, અમુક કૉન્ટ્રૅક્ટરને જ આ કામ આપવામાં આવે છે, જેમની આ સમિતિ સાથે કોઈ લેવાદેવા કે અનુભવ પણ નથી હોતો. કૉન્ગ્રેસના યુવા નેતા દીપ કાકડે ઉપરાંત અન્યોએ પણ અનેક વખત આ મામલે રજૂઆત કરી હોવા છતાં કોઈના પેટનું પાણી પણ હલતું નહોતું.
મહિલા બાળકલ્યાણ સમિતિ દ્વારા કરવામાં આવેલા કામ અને ખર્ચની તપાસ કરતાં જણાયું છે કે ૧૮ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આટલી મોટી રકમ વેડફાઈ રહી હોવાથી કૉન્ગ્રેસના કાર્યકરોએ મોટા પાયે જનઆંદોલન કરવાની સાથે સુધરાઈની મહાસભામાં પહોંચીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. આથી કમિશનર દિલીપ ઢોલેએ મહિલા બાળકલ્યાણ સમિતિના ૧૦ વર્ષના કામકાજ અને ખર્ચનું ઑડિટ કરવાનો આદેશ આપ્યો છે.
કમિશનરના આ આદેશથી મીરા-ભાઈંદર મહાનગરપાલિકાની પોલ ખૂલી ગઈ છે, કારણ કે સામાન્ય રીતે દરેક વિભાગનું દર ત્રણ વર્ષે ઑડિટ કરાવીને એનો રિપોર્ટ રજૂ કરવાનો રહે છે. અહીં કમિશનરે તો ડાયરેક્ટ ૧૦ વર્ષના ઑડિટનો જ આદેશ આપ્યો છે એનો અર્થ એ થયો કે આ સમિતિનું આટલાં વર્ષોમાં ઑડિટ થયું જ નથી.
મહિલા બાળકલ્યાણ સમિતિ વિભાગ તો નાનોએવો છે, જેમાં અમુક કરોડ રૂપિયા જ ફાળવવામાં આવે છે. મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના સાર્વજનિક બાંધકામથી લઈને આરોગ્ય અને બીજા વિભાગોમાં તો સેંકડો કરોડ રૂપિયાનો ખર્ચ દર વર્ષે થાય છે. આ વિભાગોનું ઑડિટ થાય છે કે એનું પણ રામભરોસે જ ચાલે છે એવો સવાલ ઊભો થયો છે.
મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર દિલીપ ઢોલેને ‘મિડ-ડે’એ મહિલા બાળકલ્યાણ સમિતિનું ઑડિટ પહેલાં ક્યારે થયું હતું એવો સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘મને ખબર નથી. મારે ચેક કરવું પડશે. અત્યારે મેં આ સમિતિના દસ વર્ષના કામકાજ અને ખર્ચનું ઑડિટ કરીને રિપોર્ટ બંધ કવરમાં રજૂ કરવાનું અકાઉન્ટ વિભાગના અધિકારીને કહ્યું છે.’