સરકારને જોકે વેપારીઓએ એક મહિનામાં ઉકેલ લાવવાની ચીમકી આપી : આવતી કાલથી વેપારીઓ લિલામી શરૂ કરશે
ફાઇલ તસવીર
રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી કાંદાના વેપારીઓ કાંદા ન ખરીદવા માટે હડતાળ કરી રહ્યા હતા એ પાછી લેવાનો નિર્ણય ગઈ કાલે લેવામાં આવ્યો હતો. નાશિકના પાલક પ્રધાન દાદા ભુસેએ ગઈ કાલે કાંદાના વેપારીઓ સાથે બેઠક યોજી હજી, જેમાં તેમણે કાંદાના વેપાર સંબંધી સમસ્યાના ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. આથી કાંદાના વેપારીઓએ હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો. જો કે તેમણે સરકારને એક મહિનાની અંદર કાંદા સંબંધી સમસ્યાનો ઉકેલ લાવવાની ચીમકી આપી છે. હડતાળ પાછી ખેંચાતા નાશિક સહિત રાજ્યની તમામ માર્કેટમાંથી વેપારીઓ આવતી કાલથી કાંદાની લિલામી શરૂ કરશે.
કાંદાના વેપાર બાબતની માગણીઓ રાજ્ય સરકારે સ્વીકારી ન હોવાથી નાશિક સહિતની કાંદાની માર્કેટમાંથી વેપારીઓ ખરીદી બંધ કરીને ૧૩ દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકાર માગણીઓ માન્ય નહીં કરે ત્યાં સુધી કાંદાની ખરીદી ન કરવાનો વેપારીઓએ નિર્ણય લીધો હતો. તેમના આ નિર્ણયથી કાંદાની ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા હતા તો બીજી બાજુ કાંદાના ભાવમાં વધારો થવાનો ડર સામાન્ય લોકોને સતાવી રહ્યો હતો.
ADVERTISEMENT
કાંદાના વેપારીઓ સાથે ગઈ કાલે નાશિકના પાલકપ્રધાન દાદા ભુસેએ બેઠક કરી હતી. જેમાં અનેક મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રશાસને વેપારીઓને હડતાળ પાછી ખેંચવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું એટલે દાદા ભુસે સાથેની બેઠક બાદ કાંદાની ખરીદી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.
કાંદાના વેપારીઓ સાથેની બેઠકમાં કૅબિનેટ પ્રધાન દાદા ભુસેએ આગામી ૧૩ દિવમાં વેપારીઓ પર બજાર સમિતિએ કરેલી કાર્યવાહી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં કાંદા સંબંધી સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવતા વેપારીઓએ હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો. નાશિક જિલ્લા વ્યાપારી અસોસિએશનના અધ્યક્ષ ખંડુ દેવરેએ કહ્યું હતું કે વેપારીઓ બુધવારથી કાંદાની લિલામી શરૂ કરશે. સરકારે કાંદા ખરીદી સંબંધી સમસ્યા એક મહિનામાં ઉકેલવાની ચીમકી જો કે વેપારીઓએ આપી હોવાનું જાણવા મળ્યું હતું.


