રાજ્યસભા બાદ વિધાન પરિષદની ચૂંટણીમાં પણ સંખ્યા ન હોવા છતાં બીજેપી મહાવિકાસ આઘાડી સરકાર પર ભારે પડી

દેવેન્દ્ર ફડણવીસે પુરવાર કર્યું છે કે મહારાષ્ટ્રની રાજનીતિના તેઓ ચાણક્ય છે
મહાવિકાસ આઘાડી સરકારમાં સામેલ શિવસેના, એનસીપી અને કૉન્ગ્રેસ પર બીજેપી વિરોધ પક્ષમાં હોવા છતાં ભારે હોવાનું ગઈ કાલે રાજ્યસભાની ચૂંટણી બાદ બીજી વાર સાબિત થયું હતું. પૂરતી સંખ્યા ન હોવા છતાં બીજેપીએ વિધાન પરિષદની ચૂંટણીમાં પાંચમો ઉમેદવાર ઊભો રાખીને મહાવિકાસ આઘાડી સરકારને પડકારી હતી અને દસ દિવસમાં બીજી વખત એને ધૂળ ચટાડીને વિજય મેળવ્યો હતો. બીજેપીના પાંચમા ઉમેદવાર પ્રસાદ લાડે કૉન્ગ્રેસના ચંદ્રકાન્ત હાંડોરેને હરાવીને વિધાન પરિષદમાં પાંચમી બેઠક મેળવી હતી. આ વિજય સાથે દેવેન્દ્ર ફડણવીસે પુરવાર કર્યું છે કે મહારાષ્ટ્રની રાજનીતિના તેઓ ચાણક્ય છે. બીજેપીને પહેલી પસંદગીના ૧૩૪ મત મળતાં મહાવિકાસ આઘાડી સરકારમાં સામેલ પક્ષોના ૨૧ મત ફૂટ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આથી બીજેપી હવે સરકાર રચવા માટેના મૅજિક આંકડાની નજીક પહોંચી ગઈ હોવાથી મહાવિકાસ આઘાડીમાં ગભરાટ ફેલાયો છે. વિધાન પરિષદની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીમાં સામેલ પક્ષો શિવસેના, એનસીપી અને કૉન્ગ્રેસે બે-બે ઉમેદવાર તો વિરોધ પક્ષ બીજેપીએ પાંચ ઉમેદવાર ઊભા રાખ્યા હતા.
શિવસેનાના સચિન આહીર અને આમશા પાડવી, એનસીપીના એકનાથ ખડસે અને રામરાજે નાઈક-નિંબાળકર, બીજેપીના પ્રવીણ દરેકર, રામ શિંદે, શ્રીકાંત ભારતીય, ઉમા ખાપરે અને પ્રસાદ લાદ તો કૉન્ગ્રેસમાંથી ભાઈ જગતાપ વિજયી થયા હતા. ચોંકાવનારી વાત એ છે કે મહાવિકાસ આઘાડી સરકારમાં સામેલ પક્ષો પાસે વિધાન પરિષદની ૬ બેઠક મેળવવા માટે જરૂરી ૧૫૬ વિધાનસભ્યો ઉપરાંત કેટલાક અપક્ષ વિધાનસભ્યો હોવા છતાં તેઓ છઠ્ઠી બેઠક નથી મેળવી શક્યા.
શિવસેનાની બસ ટ્રાફિકમાં અટવાઈ
રવિવારે મોડી રાત્રે અને ગઈ કાલે સવારે પડેલા વરસાદને લીધે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક જૅમ થવાથી શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરે અને કેટલાક વિધાનસભ્યોની બસ ટ્રાફિકમાં થોડો સમય અટવાઈ હતી. વિલે પાર્લે પાસે એક ટ્રકનો ઍક્સિડન્ટ થવાથી વાહનો અટવાયાં હોવાનું જાણવા મળ્યું હતું. જોકે બાદમાં રસ્તો ખુલ્લો થઈ જતાં શિવસેનાના વિધાનસભ્યો વિધાનભવનમાં પહોંચ્યા હતા.
ક્વોટા જાહેર ન કર્યા
રાજ્યસભાની ચૂંટણીમાં પ્રત્યેક ઉમેદવાર માટે મહાવિકાસ આઘાડીએ ક્વોટા જારી કર્યા બાદ બીજેપીએ રણનીતિ બનાવીને ત્રીજા ઉમેદવારને વિજયી બનાવ્યો હતો. આ બાબતને ધ્યાનમાં રાખીને વિધાન પરિષદની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડી સરકારે પોતાના ઉમેદવારને વિજયી બનાવવા માટે કેટલા મત આપવાના છે એની જાહેરાત નહોતી કરી. મતદાન શરૂ થવાની ગણતરીની મિનિટમાં જ વિધાનસભ્યોને ક્વોટાની માહિતી આપવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
રાજ્યસભા બાદ વિધાન પરિષદમાં પણ મતદાન કરવા માટેની અરજી જેલમાં બંધ એનસીપીના વરિષ્ઠ નેતાઓ અનિલ દેશમુખ અને નવાબ મલિકે ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે પણ બૉમ્બે હાઈ કોર્ટના જેલમાં બંધ કેદીને મતદાનનો અધિકાર ન હોવા બાબતે આપેલા ચુકાદાને કાયમ રાખ્યો હતો અને આ બંને નેતાઓની અરજી ફગાવી દીધી હતી.
કૉન્ગ્રેસે બીજેપીના બે મતનો વાંધો લીધો
વિધાન પરિષદની ચૂંટણીમાં બીજેપીનાં બીમાર વિધાનસભ્યો મુક્તા ટિળક અને લક્ષ્મણ જગતાપે મતદાન કર્યા બાદ મતપત્ર બીજાના હાથમાં આપ્યું હોવાનો કૉન્ગ્રેસે વાંધો લીધો હતો. જોકે આ બંને વિધાનસભ્ય બીમાર હોવાથી તેઓ મતદાન વખતે બીજાની મદદ મેળવે એ માટેની પરવાનગી ચૂંટણી પંચ પાસેથી લીધેલી હોવાથી કૉન્ગ્રેસનો વાંધો ફગાવી દેવામાં આવ્યો હતો અને મતગણતરી શરૂ કરવામાં આવી હતી. બીજેપીના નેતા ગિરીશ મહાજને આ વિશે કહ્યું હતું કે ‘માત્ર સમય બગાડવા માટે કૉન્ગ્રેસે વાંધો લીધો હતો. રાજ્યસભામાં જે પ્રક્રિયાથી મતદાન થયું હતું એ મુજબ આ વખતે પણ અગાઉથી મંજૂરી લેવામાં આવી હતી.’
એનસીપીના ત્રણ વિધાનસભ્યોએ ટેન્શન વધાર્યું
વિધાન પરિષદની ચૂંટણી માટેનું મતદાન ગઈ કાલે સવારના શરૂ થઈ ગયું હોવા છતાં એનસીપીના દિલીપ-મોહિતે પાટીલ સહિતના ત્રણ વિધાનસભ્યો બપોર સુધી મુંબઈ નહોતા પહોંચ્યા એટલે એનસીપીનું ટેન્શન વધ્યું હતું. દિલીપ મોહિતે-પાટીલે તો કહ્યું હતું કે ‘હું હજી પણ નારાજ છું. અમારાં કામ થતાં ન હોવાની ફરિયાદ બાદ પણ કંઈ નથી થયું.’ જોકે બાદમાં તેઓ મુંબઈ પહોંચ્યા હતા અને તેમણે મતદાન કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.
બીજેપીના નેતા અજિત પવારની કૅબિનમાં પહોંચ્યા
વિધાન પરિષદની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું હતું ત્યારે બીજેપીના વરિષ્ઠ નેતા ચંદ્રશેખર બાવનકુળે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની કૅબિનમાં પહોંચતાં રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચા શરૂ થઈ હતી. જોકે બાદમાં ચંદ્રશેખર બાવનકુળેએ સ્પષ્ટતા કરી હતી કે પોતાના મતદાર વિસ્તારનાં કેટલાંક કામ અને પારિવારિક સંબંધે તેઓ અજિત પવારને મળ્યા હતા. મતદાન થયા બાદ તેઓ તેમને મળ્યા હતા.
ક્ષિતિજ ઠાકુરે મતદાન કર્યું
બહુજન વિકાસ આઘાડીના નાલાસોપારાના વિધાનસભ્ય અને હિતેન્દ્ર ઠાકુરના પુત્ર ક્ષિતિજ ઠાકુર અમેરિકામાં હોવાથી તેઓ કદાચ મતદાન માટે મુંબઈ નહીં પહોંચે એવું લાગતું હતું. જોકે ગઈ કાલે ક્ષિતિજ ઠાકુર મુંબઈ પહોંચ્યા હતા અને તેમણે પિતા અને પક્ષના ત્રીજા વિધાનસભ્ય રાજેશ પાટીલ સાથે વિધાનભવનમાં પહોંચીને મતદાન કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. સવાલ એ છે કે ક્ષિતિજ ઠાકુર ખરેખર અમેરિકા ગયા હતા કે તેઓ ઉપલબ્ધ ન હોવાની વાતો ઉડાવવામાં આવી હતી.