મોટાં કેન્દ્રો અને સરકારી હૉસ્પિટલો સહિત કેમિસ્ટોમાં પણ મોટા પાયે ઇન્સ્પેક્શન શરૂ થયું
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશમાં કફ સિરપને કારણે બાળકોનાં મોત થતાં હવે મહારાષ્ટ્ર સરકારે આ બાબતે સાવચેતીનાં પગલાં લેવાનો આદેશ આપ્યો છે. ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ને રાજ્યની તમામ લિક્વિડ મેડિસિનની ચકાસણી કરવાનું કહેવામાં આવ્યું છે. FDAએ હવે શંકાસ્પદ કફ સિરપ સાથે પ્રોપેલિન ગ્લાયકોલ ધરાવતી બધી જ લિક્વિડ દવાઓમાં ઝેરી ડાયથેલિન ગ્લાયકોલ છે કે કેમ એ ચકાસવાની કાર્યવાહી શરૂ કરી છે.
આ માટે બધી જ સરકારી હૉસ્પિટલોનો સ્ટૉક ચેક કરવામાં આવી રહ્યો છે અને કેમિસ્ટોને તથા દવાની દુકાન ધરાવતા લોકોને કફ સિરપ પ્રિસ્ક્રિપ્શન વગર કોઈને આપવું નહીં એવી સૂચના આપી છે.
ADVERTISEMENT
સરકારે હાથ ધરેલા પ્રયાસો બાબતે FDAના એક ઑફિસરે કહ્યું હતું કે ‘ફક્ત કફ સિરપ જ નહીં, અન્ય કેટલીક દવાઓમાં પણ પ્રોપેલિન ગ્લાયકોલનો ઉપયોગ થતો હોય છે. જો એમાંની ઇમ્પ્યૉરિટી (ડાયથેલિન ગ્લાયકોલ)ની લિમિટ વધી જાય તો એ જોખમી બની શકે છે. એથી અમે ૩ રીતે એની ચકાસણી કરવાનું ચાલુ કર્યું છે.’
કેવી રીતે થઈ રહી છે તપાસ?
સરકારી હૉસ્પિટલો અને દવાના સપ્લાયરો પાસેથી સૅમ્પલ મેળવીને એની ચકાસણી કરવામાં આવી રહી છે તથા સરકારના નવા નિયમોનું પાલન કરીને એ દવાઓ તૈયાર કરાઈ છે કે નહીં એની ચકાસણી થઈ રહી છે એમ જણાવતાં FDAના ઑફિસરે વધુમાં કહ્યું હતું કે ‘પ્રોપેલિન ગ્લાયકોલ સેફ છે અને વર્ષોથી દવાઓમાં વપરાતું આવ્યું છે. જો એ બનાવતી વખતે યોગ્ય કાળજી લેવામાં ન આવે તો એ કન્ટામિનેટેડ થઈને ડાયથેલિન ગ્લાયકોલ બને છે જે ઝેરી છે. આ ઇન્સ્પેક્શન ડ્રાઇવ અંતર્ગત રાજ્યનાં મુખ્ય શહેરો અને સેન્ટરોમાંથી ચકાસણી માટે સૅમ્પલ કલેક્ટ કરવામાં આવશે. અમે હાલ દરેક પ્રાઇવેટ હૉસ્પિટલ કે ક્લિનિકમાંથી સૅમ્પલ કલેક્ટ નથી કરી રહ્યા, કારણ કે મર્યાદિત સ્ટાફ સાથે એ શક્ય પણ નથી. જો અમને ફરિયાદ મળશે તો અમે એના પર ઍક્શન લઈશું. પ્રાઇવેટ હૉસ્પિટલો અને ક્લિનિકોમાં પણ દવા સપ્લાયરો પાસેથી જ ખરીદાતી હોય છે. એથી અમે ડાયરેક્ટ સપ્લાયરને ત્યાંનાં જ સૅમ્પલ ચેક કરીએ છીએ એટલે મોટા ભાગની સપ્લાય ચેઇનને અમે કવર કરી શકીશું.’
ગુજરાતથી આવેલો સ્ટૉક હોલ્ડ પર
ગુજરાતથી આવેલી કફ સિરપની ૧૨,૦૦૦ બૉટલો વેચવા પર હાલ FDAએ રોક લગાવી દીધી છે. FDAનું કહેવું છે કે ‘એમાં બહુ ઓછા પ્રમાણમાં પણ ડાયથેલિન ગ્લાયકોલ છે. જોકે એ સ્ટૉક હજી ડિસ્ટ્રિબ્યુટર્સ પાસે જ છે, રીટેલર્સ સુધી પહોંચ્યો નથી. એથી એને રોકવો શક્ય બન્યો છે. એ દવા હજી મુંબઈ અને થાણેમાં કોઈને આપવામાં આવી નથી.’


