દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં વિરોધીઓની ટીકાનો આપ્યો જવાબ
એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ
મુંબઈમાં મહારાષ્ટ્ર વિધાનસભાનું બજેટસત્ર ચાલી રહ્યું છે ત્યારે ગઈ કાલે સત્રના પાંચમા દિવસે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલના અભિભાષણનો જવાબ આપ્યો હતો એમાં વિરોધીઓએ વિવિધ મામલે સરકારની કરેલી ટીકાના જવાબ આપ્યા હતા. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘જનતાએ ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરે ઘડેલા બંધારણના માર્ગ પર સરકાર ચલાવવાનો જનાદેશ આપ્યો છે. સરકાર આપણા આરાધ્યદેવ છત્રપતિ શિવાજી મહારાજ અને છત્રપતિ સંભાજી મહારાજના કિલ્લા પરનાં અતિક્રમણો હટાવવાનું કામ કરી રહી છે. ૧૨ કિલ્લાને હેરિટેજમાં સામેલ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અત્યારે મીડિયામાં એક પસંદગીના સમાચાર બની ગયા છે. કંઈ પણ થાય તો ફડણવીસે શિંદેના પ્રોજેક્ટને રોકી દીધો. આ એક પેઇડ ન્યુઝ બની ગયા છે. ધ્યાનમાં રાખો કે સ્ટે આપનારો હું ઉદ્ધવ ઠાકરે નથી. અગાઉ પણ મેં કહ્યું હતું કે રાજ્યના હિતમાં હશે એ કામ કરવાની જવાબદારી અમારા ત્રણેયની છે. કોઈ કામમાં ગરબડ થઈ હોવાનું જણાશે તો ચર્ચા કરીને જ નિર્ણય લેવામાં આવશે. આથી અગાઉના કામને રોકવામાં આવ્યાં કે એકનાથ શિંદેના ખાતાના નિર્ણયને મુખ્ય પ્રધાને રોક્યો જેવા સમાચારમાં કોઈ તથ્ય નથી.’

