રાજ્ય સરકારે ૪૫,૦૦૦ કરોડ રૂપિયા વિકાસ માટે તો સિંચાઈના પ્રોજેક્ટ માટે ૧૪,૦૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા

ફાઇલ તસવીર
સાત વર્ષ બાદ મરાઠવાડાના છત્રપતિ સંભાજી નગરમાં રાજ્ય સરકારની કૅબિનેટની ગઈ કાલે થયેલી બેઠકમાં ડેવલપમેન્ટ માટે ૪૫,૦૦૦ કરોડ તો ઇરિગેશન એટલે કે સિંચાઈના પહેલેથી ચાલી રહેલા કામ માટે વધારાના ૧૪,૦૦૦ કરોડ મળીને કુલ ૫૯,૦૦૦ કરોડ રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ પૅકેજની જાહેરાત કરી હતી. કૅબિનેટની બેઠકમાં મુખ્ય પ્રધાન ઉપરાંત બન્ને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર ઉપરાંત તમામ કૅબિનેટ પ્રધાનો હાજર રહ્યા હતા.
છત્રપતિ સંભાજી નગરમાં મરાઠવાડા લિબરેશન ડેની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે થયેલી રાજ્યની કૅબિનેટની બેઠક બાદ મુખ્ય પ્રધાને પત્રકારો સાથે વાતચીત કરી હતી. એમાં કહ્યું હતું કે ‘મરાઠવાડાના છત્રપતિ સંભાજી નગર, ધારાશિવ, જાલના, બીડ, લાતુર, નાંદેડ, હિંગોલી અને પરભણી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે ૪૫,૦૦૦ કરોડ રૂપિયાનું પૅકેજ કૅબિનેટે મંજૂર કર્યું છે. આ સિવાય મરાઠવાડામાં અત્યારે ચાલી રહેલી સિંચાઈની વિવિધ યોજનામાં વધુ ૧૪,૦૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આથી આ ક્ષેત્રની આઠ લાખ એકર જમીનને સિંચાઈની સુવિધા મળશે.’
સંજય રાઉત ક્યાં?
છત્રપતિ સંભાજી નગરમાં આયોજિત પત્રકાર પરિષદમાં જઈને હું મુખ્ય પ્રધાનને સવાલ કરીશ એમ ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સંસદસભ્ય અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું. આથી ગઈ કાલે કૅબિનેટની બેઠક બાદ આયોજિત કરવામાં આવેલી પત્રકાર પરિષદમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જાહેરમાં પૂછ્યું હતું કે સંજય રાઉત ક્યાં છે?
ઓબીસી ક્વોટાને હાથ નહીં લગાવે
રાજ્યમાં મરાઠા આરક્ષણ આપવાની માગણી થઈ રહી છે ત્યારે સરકાર આ આરક્ષણ ઓબીસીના ક્વોટામાંથી આપશે એમ માનીને છત્રપતિ સંભાજી નગર, નાગપુર અને ચંદ્રપુરમાં સાત દિવસથી આંદોલન કરવામાં આવી રહ્યું છે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ છત્રપતિ સંભાજી નગરમાં આંદોલન કરી રહેલા ઓબીસી નેતાઓને મળ્યા હતા. એ સમયે તેમણે ઓબીસી નેતાઓને અપીલ કરતાં કહ્યું હતું કે ‘રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે ઓબીસી ક્વોટાને હાથ નહીં લગાવે. આથી સૌને વિનંતી છે કે તેઓ આ બાબતે આંદોલન પાછું ખેંચે. મરાઠા સમાજને આરક્ષણ આપતી વખતે કોઈ પણ વર્ગને આપવામાં આવેલા આરક્ષણ સાથે રાજ્ય સરકાર ક્યારેય ચેડાં નહીં કરે. આવી કોઈએ માગણી પણ નથી કરી ત્યારે ઓબીસી નેતાઓએ આંદોલન કરવાની જરૂર જ નથી.’