કોરાનાના સમયનો સદુપયોગ કરીને માઝગાવ ડૉકમાં તૈયાર થયેલાં બે યુદ્ધજહાજ ‘સુરત’ અને ‘ઉદયગિરિ’ને ગઈ કાલે નેવીમાં સામેલ કર્યા બાદ દેશના રક્ષાપ્રધાને કહ્યું
મેડ ઇન ઇન્ડિયા, નાઓ મેક ફૉર ધ વર્લ્ડ
દેશના રક્ષાપ્રધાન રાજનાથ સિંહે ગઈ કાલે મુંબઈના માઝગાવ ડૉકમાં તૈયાર કરાયેલાં બે યુદ્ધજહાજ ‘સુરત’ અને ‘ઉદયગિરિ’ને ઇન્ડિયન નેવીમાં સામેલ કર્યાં હતાં.
‘સુરત’ ૧૫બી ક્લાસની ચોથી ગ્લાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રૉયર છે, જ્યારે ‘ઉદયગિરિ’ પી૧૭એ ક્લાસની બીજી સ્ટીલ્થ ફ્રિગેટ છે. બન્ને યુદ્ધજહાજ ડિરેક્ટરેટ ઑફ નેવલ ડિઝાઇન (ડીએનડી) દ્વારા ડિઝાઇન કરાયાં છે અને માઝગાવ ડૉકમાં જ બનાવવામાં આવ્યાં છે. બન્નેને નેવીના કાફલામાં સામેલ કરતાં રક્ષાપ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે આ બન્ને યુદ્ધજહાજ એ દેશના નૌકાદળની તાકાત વધારવા કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે એનો જીવતો-જાગતો નમૂનો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે વિશ્વભરમાં કોવિડને કારણે અને યુક્રેન–રશિયા યુદ્ધને કારણે સપ્લાય ખોરવાઈ ગઈ છે ત્યારે આત્મનિર્ભરતાને ધ્યાનમાં રાખીને આ યુદ્ધજહાજ બનાવાયાં છે. હાલના ભૌગોલિક અને રાજકીય સિનારિયો જોઈને કોરોનાકાળની કઠિન પરિસ્થિતિમાં પણ દેશની નૌસેનાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જહાજોનું ઉત્પાદન ન રોકવા બદલ રાજનાથ સિંહે માઝગાવ ડૉકને બિરદાવ્યું હતું.
રાજનાથ સિંહે વધુમાં કહ્યું હતું કે ‘આ બન્ને યુદ્ધજહાજોનો નેવીના કાફલામાં ઉમેરો થવાથી વિશ્વને ભારતીય નેવીની સ્ટ્રૅટેજિક સ્ટ્રેંગ્થની જાણ થશે. એટલું જ નહીં, ભારત આવાં યુદ્ધજહાજ બનાવવાની બાબતે સ્વાવલંબી છે એની પણ તેમને જાણ થશે. આ મિસાઇલ કૅરિયર યુદ્ધજહાજ બન્ને લેટેસ્ટ ટેક્નૉલૉજી ધરાવે છે, જે હાલની અને ભવિષ્યની જરૂરિયાતોને પણ પૂરી પાડશે. આવનારા સમયમાં આપણે આપણા માટે જ જહાજ બનાવીશું એવું નથી, આપણે વિશ્વની જરૂરિયાત પૂરી કરી શકીશું. ટૂંક સમયમાં આપણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન ‘મેડ ઇન ઇન્ડિયા, મેક ફૉર ધ વર્લ્ડ’ને અમલમાં લવીશું.’

