એસ્ટેટ એજન્ટને બહુ જ માર માર્યો હોવાથી તેમણે સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મીરા રોડના ગુજરાતી એસ્ટેટ એજન્ટ પાસે સારાએવા પૈસા છે એમ ધારીને મલાડની મૂળ ગુજરાતી નિશા ગાયકવાડે તેમની પાસેથી ખંડણી પડાવવાનો કારસો રચ્યો હતો. જોકે એસ્ટેટ એજન્ટ તેમના મિત્ર સાથે આવતાં તે બન્નેની સાથે છેતરપિંડી, અપહરણ અને ખંડણી માગવાના ઉદ્દેશથી બહુ જ મારઝૂડ પણ કરવામાં આવી હતી. આ કેસમાં તે બન્નેના ફોન રાતના આઠ વાગ્યાથી જ બંધ આવતા હોવાથી ચિંતામાં પડી ગયેલા પરિવારજનોએ પોલીસનો સંપર્ક કરીને તેમના મિસિંગની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ બીજા દિવસે એસ્ટેટ એજન્ટે ફરિયાદ નોંધાવતાં પોલીસે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ અને કૉલ ડેટા રેકૉર્ડની મદદથી આરોપીઓને ઝડપી લીધા હતા. એસ્ટેટ એજન્ટને બહુ જ માર માર્યો હોવાથી તેમણે સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું અને હવે તેમને ડિસ્ચાર્જ અપાયો છે.
કાશીગાંવ પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટરે આ બાબતે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મીરા રોડમાં એસ્ટેટ એજન્ટનું કામ કરતા હિંમત પાંડવ મલાડમાં રહેતી અને ટેલરિંગનું કામ કરતી નિશા ગાયકવાડને ઓળખતા હતા અને તેની સાથે ટચમાં હતા. નિશાના રેફરન્સથી એક યુવતી પિન્કીએ જૉબ માટે હિંમતભાઈને ફોન કર્યો હતો અને ત્યાર બાદ ૨૧ મેએ તેમને હિલ ટૉપ હોટેલમાં મળવા બોલાવ્યા હતા. એથી એ વખતે હિંમતભાઈ તેમના મિત્ર સુરેશ શાહ સાથે હોટેલ પર ગયા હતા. ત્યારે પિન્કીએ તેને પૈસા બહુ જરૂર છે એટલે જૉબ જોઈએ છે એવી વાત કરી હતી. જોકે હિંમતભાઈને લાગ્યું કે પિન્કી તેમનું વિડિયો-રેકૉર્ડિંગ કરી રહી છે એટલે તેઓ સુરેશ શાહને લઈને ત્યાંથી નીકળી ગયા હતા. જોકે તેઓ જેવા હોટેલની નીચે આવ્યા ત્યારે ચાર-પાંચ જણ તૈયાર જ ઊભા હતા. તેઓ હિંમતભાઈ અને સુરેશભાઈને રિક્ષામાં નાખીને ગોરાઈ લઈ ગયા હતા. તેમણે તેમનો મોબાઇલ છીનવી લીધો હતો, તેમની પાસેના ૫,૦૦૦ રૂપિયા પડાવી લીધા હતા અને વધુ રૂપિયાની માગણી કરી હતી. ત્યાર બાદ તેમની મારઝૂડ કરી હતી. તેમને બોરીવલીના ATMમાં લઈ જઈને ત્યાંથી પૈસા કઢાવવાનો પ્રયાસ થયો હતો. જોકે એ વખત એમાંથી પણ પૈસા ન નીકળી શકતાં તેમને એક લાખ રૂપિયા આપવાની ધમકી આપી તેમના ઘર પાસે સવારના ત્રણ વાગ્યે છોડી દીધા હતા. હિંમતભાઈએ સવારે ૧૦ વાગ્યે પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી.’
રાતના આઠ વાગ્યાથી જ હિંમતભાઈ અને સુરેશભાઈના ફોન બંધ આવતા હોવાથી પરિવારજનોએ તેમની શોધ ચાલુ કરી દીધી હતી અને પોલીસનો પણ સંપર્ક કરીને કશુંક ખોટું બન્યું હોવાની આશંકા દર્શાવી હતી એમ જણાવીને પોલીસ-ઑફિસર અભિજિત લાંડેએ વધુમાં કહ્યું હતું કે ‘આ કેસમાં મુખ્ય આરોપી નિશા ગાયકવાડ છે તે ગુજરાતી છે. તે પહેલાં મલાડમાં રહેતી હતી અને હિંમતભાઈ તેની સાથે ટચમાં હતા. હવે તે મીરા રોડમાં રહેવા આવી છે. નિશા ટેલરિંગનું કામ કરે છે અને ગેરકાયદે કામમાં પણ સંડોવાયેલી છે.’

