ફરિયાદીએ આ ઘટનાની ફરિયાદ ખાર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
ખારમાં રહેતા એક યુવાનને વૉટ્સઍપ પર અજાણ્યા નંબર પરથી લિન્ક મોકલવામાં આવી હતી, જે ઓપન કરતાં તેના મોબાઇલમાં રહેલા ફોટો અને કૉન્ટૅક્ટ્સ સામેવાળા યુવાને હૅક કરી લીધા હતા, ત્યાર બાદ ફરિયાદીના પ્રાઇવેટ ફોટો સહિત તેના પરિવારજનોના ફોટો મૉર્ફ કરી એને વાઇરલ કરવાની ધમકી આપીને આશરે ૧.૪૭ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. અંતે ફરિયાદીએ આ ઘટનાની ફરિયાદ ખાર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
ખાર-વેસ્ટમાં ફોરમનગર વિસ્તારની એક સોસાયટીમાં રહેતા ૪૩ વર્ષના મંગેશ ફોમને કરેલી ફરિયાદ અનુસાર ૧૩ મેએ તેને વૉટ્સઍપ પર અજાણ્યા નંબરથી લિન્ક મોકલવામાં આવી હતી, જે ઓપન કરતાં તેના મોબાઇલના ડેટા સામેવાળાએ મેળવી લીધા હતા. ત્યાર બાદ એ ફોટો વાઇરલ ન કરવા માટે ફરિયાદી પાસે પૈસાની માગણી કરવામાં આવી હતી. એમાં ફરિયાદીએ ધીરે-ધીરે કરીને અત્યાર સુધીમાં ૧,૪૭,૨૫૦ રૂપિયા આપી દીધા હતા. અંતે તેણે આ ઘટનાની ફરિયાદ ખાર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
ADVERTISEMENT
ખાર પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે તપાસ શરૂ કરી છે. આ કેસમાં ટેક્નિકલ માહિતીઓના આધારે તપાસ કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે કોઈ લિન્ક ઓપન કરવાથી મોબાઇલ હૅક થવો મુશ્કેલ હોય છે, કારણ કે મોબાઇલ કંપની દ્વારા સિક્યૉરિટી આપવામાં આવતી હોય છે. આ કેસમાં ફરિયાદીનો મોબાઇલ સૅમસંગનો છે એટલે આ કેવી રીતે થયું અને કેમ થયું એની માહિતી કાઢવામાં આવી રહી છે.’


