આવી હાલત થઈ છે કાંદિવલી હિતવર્ધક મંડળની : દરદીઓને વધારે અને સારી સુવિધા મળે એ માટે મંડળ ત્યાં ચાલતી હૉસ્પિટલનું એક્સપાન્શન કરવા માગે છે, પણ રૅશનિંગ ડિપાર્ટમેન્ટ વર્ષો પહેલાં સરકારના કહેવાથી એને આપવામાં આવેલી જગ્યા ખાલી નથી કરી રહ્યો
શ્રી કાંદિવલી હિતવર્ધક મંડળની કેએચએમ હૉસ્પિટલ
કાંદિવલી-વેસ્ટમાં એસ. વી. રોડ અને શાંતિલાલ મોદી રોડના જંક્શન પર આવેલા શ્રી કાંદિવલી હિતવર્ધક મંડળ દ્વારા ૨૪ કલાક મેડિકલ સુવિધા પૂરી પાડતી કેએચએમ હૉસ્પિટલનો લાભ અનેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકો લે છે. ટ્રસ્ટ આ હૉસ્પિટલનું એક્સપાન્શન કરવા માગે છે અને દરદીઓને વધુ અને સારી સુવિધા મળી રહે એ માટે પ્રયાસ કરી રહ્યું છે. એ માટે તે તેમની જ પ્રિમાઇસિસમાં વર્ષો પહેલાં રૅશનિંગ ડિપાર્ટમેન્ટને આપેલી જગ્યા પાછી મેળવવા પ્રયાસ કરી રહ્યું છે, પણ રૅશનિંગ ડિપાર્ટમેન્ટ તેમને એ જગ્યા પાછી નથી આપી રહ્યો.
આ બાબતે ટ્રસ્ટી બીજલ દત્તાણી અને હૉસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉક્ટર નીથા સિંગીએ આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વર્ષોથી ટ્રસ્ટ આ હૉસ્પિટલ ચલાવી રહ્યું છે. બહાર પ્રાઇવેટ હૉસ્પિટલોમાં મળતી આઇસીયુ, ડાયાલિસિસ, ડાયગ્નોસ્ટિક્સ જેવી અનેક સુવિધાઓ અહીં રાહતના દરે આપવામાં આવે છે. ૧૨૦ જેટલા જાણીતા ડૉક્ટરો અહીં ઑનરરી સેવા આપે છે. દર વર્ષે અંદાજે ૨.૮૦ લાખથી ત્રણ લાખ લોકો આ સુવિધાઓનો લાભ લે છે. હવે અમે હૉસ્પિટલનું એક્સપાન્શન કરી રહ્યા છીએ જેથી વધુ અને સારી સુવિધા દરદીઓને આપી શકીએ. જોકે એ માટે અમને અમારા જ પ્રિમાઇસિસમાં ટ્રસ્ટે સરકારના કહેવાથી ૧૯૬૬માં માત્ર પાંચ જ વર્ષ માટે રૅશિનંગ ડિપાર્ટમેન્ટને ભાડે આપેલી ૨૯૪૮ સ્ક્વેરફુટ જગ્યા પાછી મળે એ માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. જો એ જગ્યા ટ્રસ્ટને પાછી મળે તો ઘણીબધી સુવિધાઓનો ઉમેરો થઈ શકે એમ છે. આ માટે અમે વર્ષોથી કાયદાકીય લડાઈ પણ લડી રહ્યા છીએ. એટલું જ નહીં, સ્મૉલ કૉઝ કોર્ટે પણ બે વખત અમારી તરફેણમાં ચુકાદો આપ્યો છે. જોકે એમ છતાં સરકારી ડિપાર્ટમેન્ટ આ જગ્યા ખાલી કરવા માગતો નથી. અમે આ જગ્યા સામે તેમને કાંદિવલી-ઈસ્ટમાં દત્તાણી સેવા નિધિ ટ્રસ્ટની ૩૭૨૭ સ્કવેર ફુટની જગ્યા લીઝ પર આપી તો તેમણે એ જગ્યા લઈ લીધી, પણ અહીંની રૅશનિંગ ઑફિસ ખાલી નથી કરી રહ્યા. અમારું એટલું જ કહેવું છે કે આ લોકોની સેવાનું કામ છે અને ટ્રસ્ટ એ માટે જ એ જગ્યા પાછી માગી રહ્યું છે. સરકાર અમારી અરજીનો સ્વીકાર કરે.’
ADVERTISEMENT
આ બાબતે રૅશનિંગ ડિપાર્ટમેન્ટનું શું કહેવું છે એ જાણવા ‘મિડ-ડે’એ રૅશનિંગ ડિપાર્ટમેન્ટના ‘જી’ રીજનના ઍડિશનલ ડેપ્યુટી કન્ટ્રોલર ઑફ રૅશનિંગ ગણેશ બેબાલેનો ફોન પર સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પણ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.

