વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા (INDIA vs NDA)ની એક મહત્વપૂર્ણ બેઠક 31 ઑગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાવાની છે. ખાસ વાત એ છે કે 1 સપ્ટેમ્બરે સત્તારૂઢ ગઠબંધન એનડીએની બેઠક પણ મુંબઈમાં જ યોજાવા જઈ રહી છે
પ્રતીકાત્મક તસવીર
વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા (INDIA vs NDA)ની એક મહત્વપૂર્ણ બેઠક 31 ઑગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાવાની છે. ખાસ વાત એ છે કે 1 સપ્ટેમ્બરે સત્તારૂઢ ગઠબંધન એનડીએની બેઠક પણ મુંબઈમાં જ યોજાવા જઈ રહી છે. વિપક્ષી ગઠબંધનની બેઠકમાં ચૂંટણીની રણનીતિ અને બેઠકોની વહેંચણી પર ચર્ચા થઈ શકે છે. આ સાથે વિપક્ષી ગઠબંધન પોતાનો નવો લોગો પણ લૉન્ચ કરી શકે છે. નોંધનીય છે કે, અગાઉ પણ વિપક્ષી ગઠબંધન અને એનડીએની બેઠક એક જ દિવસે થઈ હતી. જ્યારે વિપક્ષની બેઠક બેંગ્લોરમાં થઈ હતી, ત્યારે રાજધાની દિલ્હીમાં એનડીએના નેતાઓ એક થયા હતા. આ વખતે બંને ગઠબંધનની બેઠક એક જ દિવસે તેમ જ એક જ શહેરમાં યોજાઈ રહી છે.
અજિત પવાર એનડીએની બેઠકમાં ભાગ લેશે
ADVERTISEMENT
વિપક્ષી ગઠબંધન (INDIA vs NDA)ની બેઠકમાં એનસીપી પ્રમુખ શરદ પવાર પણ હાજરી આપશે. તે જ સમયે, તેમના ભત્રીજા અજિત પવારના જૂથ ભાજપના નેતૃત્વવાળી એનડીએ બેઠકમાં હાજરી આપશે. એનસીપીના સાંસદ સુનીલ તટકરેએ જણાવ્યું હતું કે ભાજપની સાથે સહયોગી પક્ષ શિવસેના (Shiv Sena) અને એનસીપી (Ajit Pawar Faction) પણ શાસક ગઠબંધનની બેઠકમાં ભાગ લેશે. વિપક્ષી ગઠબંધનની મુંબઈ બેઠકના દિવસે જ NDAની બેઠક યોજાઈ રહી છે. તેના પર સુનીલ તટકરેએ કહ્યું કે, “અમારી બેઠક છેલ્લા વિધાનસભા સત્ર પહેલા નક્કી કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં વિપક્ષી ગઠબંધનની બેઠક જે દિવસે યોજાઈ રહી છે તે દિવસે અમે પણ બેઠક યોજી રહ્યા છીએ તેવી વાત કરવાનો કોઈ અર્થ નથી.”
વિપક્ષી ગઠબંધનમાં નવા પક્ષો જોડાશે
કૉંગ્રેસ (Congress)ના નેતા અશોક ચવ્હાણે જણાવ્યું કે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા (INDIA vs NDA)ની બેઠકમાં 26-27 વિપક્ષી દળો ભાગ લેશે. વિપક્ષી ગઠબંધનની 31 ઑગસ્ટે સાંજે અનૌપચારિક બેઠક થશે, જ્યારે 1 સપ્ટેમ્બરે ઔપચારિક બેઠક યોજાશે. આ બેઠકમાં વિપક્ષી ગઠબંધનનો નવો લોગો પણ લૉન્ચ કરવામાં આવી શકે છે. આ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે. વિપક્ષી ગઠબંધનની બેઠક પર બિહારના સીએમ નીતિશ કુમારે કહ્યું કે, “મુંબઈની બેઠકમાં ગઠબંધનનો વિસ્તાર થઈ શકે છે અને કેટલાક વધુ પ્રાદેશિક પક્ષો પણ તેમાં જોડાઈ શકે છે. આ બેઠકમાં બેઠકોની વહેંચણી જેવા એજન્ડા પર ચર્ચા થઈ શકે છે.” નીતિશ કુમારે કહ્યું કે તેઓ 2024ની લોકસભા ચૂંટણીમાં વધુને વધુ વિપક્ષી દળોને સામેલ કરવા માગે છે અને આ દિશામાં કામ કરી રહ્યા છે.
પીએલ પુનિયાએ વડાપ્રધાન પદના ઉમેદવાર વિશે કહી આ વાત
કૉગ્રેસના વરિષ્ઠ નેતા પીએલ પુનિયાએ સ્પષ્ટ કર્યું કે, વિપક્ષી ગઠબંધન તરફથી વડાપ્રધાન પદના ઉમેદવારની જાહેરાત લોકસભા ચૂંટણી પછી કરવામાં આવશે. ચૂંટાયેલા સાંસદો વડાપ્રધાનની પસંદગી કરશે.” ઉલ્લેખનીય છે કે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા (INDIA vs NDA)માં કૉંગ્રેસ સહિત 26 વિપક્ષી દળોનો સમાવેશ થાય છે. તે જ સમયે, ભાજપ શાસક ગઠબંધન એનડીએનું નેતૃત્વ કરી રહ્યું છે. વિપક્ષી ગઠબંધનની મુંબઈ બેઠક પહેલાં બે બેઠકો થઈ ચૂકી છે. આમાંથી પ્રથમ બેઠક 23 જૂને પટનામાં યોજાઈ હતી અને બીજી બેઠક 17-18 જુલાઈના રોજ બેંગ્લોરમાં યોજાઈ હતી. હવે વિપક્ષી ગઠબંધનની ત્રીજી અને મહત્વપૂર્ણ બેઠક 31 ઑગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાવા જઈ રહી છે.


