બે દિવસ પહેલાં જ જેલમાંથી છૂટીને આવેલા આરોપીઓએ ચેઇન-સ્નૅચિંગની ઘટનાને આપ્યો અંજામ

ગોરેગામ પોલીસે માત્ર ૨૪ કલાકમાં ચેઇન-સ્નૅચર્સને પકડી પાડ્યા હતા.
ગોરેગામ પોલીસે માત્ર ૨૪ કલાકમાં એક મહિલા પાસેથી બે તોલાની સોનાની ચેઇન આંચકી લેનારા ત્રણ ચોરોની ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીઓ શાતિર ચેઇન-સ્નૅચર છે. આ આરોપીઓ ગોરેગામના બસ-સ્ટૉપ પર બેઠેલી એક મહિલાની ચેઇન ખેંચીને ફરાર થઈ ગયા હતા.
આ બનાવ વિશે માહિતી મળતાં ગોરેગામ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ૫૦થી વધુ સીસીટીવી કૅમેરાનાં ફુટેજની તપાસ કર્યા બાદ ૨૪ કલાકની અંદર જ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. તેમની તપાસ કરીને તેમના કબજામાંથી બે તોલા સોનાની ચેઇન અને ચેઇન-સ્નૅચિંગમાં વપરાયેલું સ્કૂટી જપ્ત કરવામાં આવ્યું હતું. પોલીસે ૨૨ વર્ષના જિનેન્દ્ર કોયા, ૨૨ વર્ષના હૃષીકેશ દળવી અને ૨૧ વર્ષના આશિષ યાદવની ધરપકડ કરી હતી. તેમની તપાસ કરતાં તેમના પર મુંબઈનાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ચેઇન-સ્નૅચિંગ અને ચોરીના ૧૦થી વધુ કેસ નોંધાયેલા છે.
ગોરેગામ પોલીસના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર દત્તાત્રેય થોપેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘એસ. વી. રોડ પર પાટકર કૉલેજની પાસે એક મહિલા તેના બાળકને સ્કૂલમાં છોડીને બેસી હતી. એ વખતે પાછળથી આવીને એક યુવક તેના ગળામાંની સોનાની ચેઇન ખેંચીને જતો રહ્યો હતો. મહિલાએ બૂમાબૂમ કરતાં તે આગળ પાર્ક કરેલા સ્કૂટી પર બેસીને નાસી ગયો હતો. મહિલાની ફરિયાદ બાદ પોલીસે એક ટીમ બનાવીને આવતા-જતા રસ્તા પરના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચેક કર્યાં હતાં. ત્યારે એક સ્કૂટી શંકાસ્પદ દેખાયું હતું અને એના પર ત્રણ યુવકો બેસેલા હતા. એ સ્કૂટીના માલિક વિશે માહિતી શોધતાં તેના પર ક્રિમિનલ કેસ હોવાનું જણાયું હતું. ગોરેગામ પોલીસે ફેબ્રુઆરીમાં ચેઇન-સ્નૅચિંગના કેસમાં જિનેન્દ્ર કોયા અને હૃષીકેશ દળવીની ધરપકડ કરી હતી. તેમણે બે દિવસ પહેલાં જ જેલમાંથી છૂટીને ચેઇન-સ્નૅચિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. જિનેન્દ્ર કોયા પર ત્રણ કેસ, હૃષીકેશ પર નવ કેસ અને આશિષ યાદવ પર બે કેસ હોવાનું જણાઈ આવ્યું હતું.’