૩૫ વર્ષના એક પતિએ કથિત રીતે નાણાકીય વિવાદ પછી તેની પત્નીની હત્યા કરી, લાશને ડ્રમમાં પૅક કરીને થાણેના જંગલ વિસ્તારમાં ફેંકી દીધી હતી. પત્નીના પરિવારની ફરિયાદના આધારે સોમવારે પતિની ધરપકડ કરવામાં આવી હતી.
જંગલમાં હત્યા દર્શાવવા માટે વાપરવામાં આવેલી પ્રતીકાત્મક તસવીર
૩૫ વર્ષના એક પતિએ કથિત રીતે નાણાકીય વિવાદ પછી તેની પત્નીની હત્યા કરી, લાશને ડ્રમમાં પૅક કરીને થાણેના જંગલ વિસ્તારમાં ફેંકી દીધી હતી. પત્નીના પરિવારની ફરિયાદના આધારે સોમવારે પતિની ધરપકડ કરવામાં આવી હતી.
કલ્યાણ ગ્રામીણ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘દંપતીનાં લગ્નને ૧૨ વર્ષ થયાં હતાં. ટીટવાલા વિસ્તારમાં રહેતો આરોપી તેની પત્નીને વારંવાર હેરાન કરતો હતો અને તેનાં માતા-પિતા પાસે પૈસા માગતો હતો. મહિલાના પરિવારજનોએ તેને ૮૦,૦૦૦ રૂપિયા આપ્યા હતા. તેને રિક્ષા ખરીદવા માટે બે લાખ રૂપિયા જોઈતા હતા, જે તેઓ આપી શક્યા નહોતા. આ તથા અન્ય મુદ્દાઓને લઈને દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. રવિવારે પતિએ પત્નીના માથા પર લોખંડના સળિયા વડે કથિતરૂપે માર્યું હતું અને પછી દોરડા વડે તેનું ગળું દબાવીને હત્યા કરી હતી.’
ADVERTISEMENT
માહિતીના આધારે સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો. ગુનેગારની ધરપકડ કરવામાં આવી હતી અને ભારતીય દંડસંહિતાની કલમ ૩૦૨ (હત્યા) અને ૨૦૧ (ગુનાના પુરાવા ગાયબ કરવા) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. કેસની તપાસ ચાલુ છે.