Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઇમરાન ખાનને ૨૮ ઑક્ટોબર સુધીમાં ભારત છોડી દેવાની નોટિસ

ઇમરાન ખાનને ૨૮ ઑક્ટોબર સુધીમાં ભારત છોડી દેવાની નોટિસ

Published : 16 October, 2026 09:57 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ‌મિર ખાનનો ભાણેજ જ્ઞાનેશ કુમારનું રાજીનામું માગતા ‌વિરોધ-પ્રદર્શનમાં જોડાઈને ફસાયો

૧૦ ઑક્ટોબરે ‌વિરોધ-પ્રદર્શનમાં ઇમરાન ખાન. તસવીર: સૈયદ સમીર અબેદી

૧૦ ઑક્ટોબરે ‌વિરોધ-પ્રદર્શનમાં ઇમરાન ખાન. તસવીર: સૈયદ સમીર અબેદી


ઓવરસીઝ ‌સિ‌ટિઝન ઑફ ઇ‌ન્ડિયા કાર્ડ ધરાવતા આ અમે‌રિકન ‌સિ‌ટિઝન અૅક્ટર પર ઇ‌મિગ્રેશન અૅન્ડ ફૉરેનર્સ અૅક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી, ‌કિરીટ સોમૈયાની ફ‌રિયાદ પર ફૉરેનર્સ રીજનલ ર‌જિસ્ટ્રેશન ઑ‌ફિસે આપ્યો દેશ છોડવાનો આદેશ ઃ આ નો‌ટિસને બૉમ્બે હાઈ કોર્ટમાં પડકારશે ઇમરાન ખાન

કૉક્રૉચ જનતા પાર્ટી દ્વારા ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણીના જે દેખાવો થઈ રહ્યા છે એ અંતર્ગત ૧૦ ઑક્ટોબરે ગ્રાન્ટ રોડના ઑગસ્ટ ક્રાન્તિ મેદાન પાસે યોજાયેલા વિરોધ-પ્રદર્શનમાં ભાગ લેવાનું બૉલીવુડના ઍક્ટર આમિર ખાનના ભાણેજ અૅક્ટર ઇમરાન ખાનને ભારે પડી રહ્યું છે. ઇમિગ્રેશન અને ફૉરેનર્સ ઍક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ ૨૮ ઑક્ટોબર સુધીમાં તેને ભારત છોડી દેવાનો આદેશ ફૉરેનર્સ રીજનલ રજિસ્ટ્રેશન ઑફિસ (FRRO)એ આપ્યો છે. ગામદેવી પોલીસે ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાએ કરેલી ફરિયાદ FRROને ફૉર્વર્ડ કરી હતી. 



જોકે હવે આ નોટિસ મળતાં ૪૩ વર્ષના ઇમરાન ખાને એ નોટિસને બૉમ્બે હાઈ કોર્ટમાં પડકારવાનું નક્કી કર્યું છે. એ અરજી દાખલ થઈ ગયા બાદ અર્જન્ટ સુનાવણી માટે ફૉર્વર્ડ કરવામાં આવશે. તેની આ અરજીની સુનાવણી બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ મહેશચંદ્ર ત્રિપાઠી અને જસ્ટિસ અદ્વૈત સેઠનાની બેન્ચ સામે થાય એવી શક્યતા છે. ઇમરાન ખાન તરફથી આ અરજીની રજૂઆત MZM લીગલ llp દ્વારા વકીલ ઝુલ્ફીકાર મેમણ, પરવેઝ મેમણ અને ચિરાગ નાઈક કરશે. 


ઇમરાન ખાન ઓવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા (OCI) કાર્ડ ધરાવે છે. આ કાર્ડ એવી વિદેશી વ્યક્તિને અપાય છે જેની ફૅમિલી મૂળ ભારતીય હોય. આ કાર્ડને કારણે તેને લાઇફલૉન્ગ વીઝા-ફ્રી રજિસ્ટ્રેશન સ્ટેટસ મળે છે. આ કાર્ડ મેળવનારને ભારતીય નાગરિકત્વ મળતું નથી કે ડ્યુઅલ સિટિઝનશિપ પણ મળતી નથી. તેને જીવનભર મલ્ટિપલ ટાઇમ વિઝિટ માટે એન્ટ્રી મળે છે. આ કાર્ડને લઈને તે ભારતમાં રહી શકે છે, ભણી શકે છે અને કામ પણ કરી શકે છે. જોકે તેને વોટિંગનો અધિકાર અને ભારતીય નાગરિકને મળતા બંધારણીય અધિકારો મળતા નથી. તે વિદેશી નાગરિક જ રહે છે અને તેને ઇમિગ્રેશનના કાયદાઓ લાગુ પડે છે. 

ઇમરાન ખાને ૧૦ ઑક્ટોબરે વિરોધ-પ્રદર્શનમાં ભાગ લીધો હોવાથી ઑથોરિટી (પોલીસ અને FRRO)એ તેની સામે પગલાં લીધાં છે. તેમનું કહેવું છે કે તે વિદેશી નાગરિક હોવાથી પૉલિટિકલ ઍક્ટિવિટીઝમાં ભાગ લઈને તેણે ઇમિગ્રેશન ઍન્ડ ફૉરેન ઍક્ટ 2025નો ભંગ કર્યો છે એટલે આ કાર્યવાહી કરવામાં આવી છે. 


એ વિરોધ-પ્રદર્શન દરમ્યાન પોલીસે ઇમરાન ખાનને થોડા સમય માટે તાબામાં લઈને ત્યાર બાદ છોડી મૂક્યો હતો. ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાએ ઇમરાન ખાને વિરોધ-પ્રદર્શનમાં ભાગ લીધા બાદ તેની સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. ઇમરાન ખાનને ૨૮ ઑક્ટોબર સુધીમાં દેશ છોડી દેવાનો આદેશ આપતી એક ઔપચારિક નોટિસ આપવામાં આવી છે અને તેને એની નકલ પણ મળી ગઈ છે. આગળની અૅડ્‍‌મિ‌નિસ્ટ્રે‌ટિવ પ્રોસેસ હાલ ચાલી રહી છે. જોકે સામા પક્ષે ઇમરાન ખાનના વકીલોની ટીમનું કહેવું છે કે એવો કોઈ નિયમ નથી જે OCI કાર્ડહોલ્ડરને વિરોધ-પ્રદર્શનમાં ભાગ લેતાં રોકે.  

ઇમરાન ખાન અમેરિકામાં જન્મ્યો, ઇન્ડિયામાં કારકિર્દી
ઇમરાન ખાનનો જન્મ ૧૯૮૩ની ૧૩ જાન્યુઆરીએ અમે‌રિકામાં થયો હતો. તેના પપ્પા અનિલ પાલ સૉફ્ટવેર એન્જિનિયર અને મમ્મી નુઝત ખાન સાઇકોલૉજિસ્ટ છે. ઇમરાન જ્યારે દોઢ જ વર્ષનો હતો ત્યારે તેનાં માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હતા. એ પછી તેની મમ્મી તેને લઈને મુંબઈ આવી ગઈ હતી. ત્યાર બાદ તેને બૉમ્બે સ્કૉટિશ સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એ પછી તેણે કુન્નૂરની બોર્ડિંગ સ્કૂલ અને ત્યાર બાદ કૅલિફૉર્નિયાની સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને લૉસ ઍન્જલસમાં ન્યુ યૉર્ક ફિલ્મ અૅકૅડેમીમાંથી ડિરેક્શન, રાઇટિંગ અને સિનેમૅટોગ્રાફીમમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. ઇમરાન ખાને ‘કયામત સે કયામત તક’ અને ‘જો જીતા વહી સિકંદર’માં બાળકલાકાર તરીકે કામ કર્યું હતું. ત્યાર બાદ તેણે ‘જાને તૂ... યા જાને ના’થી ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ કર્યું હતું. ત્યાર બાદ તેણે ‘આઇ હેટ લવ સ્ટોરીઝ’, ‘મેરે બ્રધર કી દુલ્હન’, ‘એક મૈં ઔર એક તૂ’ અને ‘દિલ્હી બેલી’માં કામ કર્યું હતું.  એ પછી તેની કેટલીક ફિલ્મો ફ્લૉપ ગઈ હતી.
ઇમરાન ખાને ૨૦૧૧માં અવંતિકા મલિક સાથે લગ્ન કર્યાં હતાં. ૨૦૧૪માં તેઓ એક બાળકીનાં મમ્મી-પપ્પા બન્યાં હતાં. ૨૦૧૯માં તેઓ છૂટાં પડ્યાં હતાં. ૨૦૨૪માં ઇમરાન ખાને જાહેરમાં કબૂલ્યું હતું કે તે લેખા વૉશિંગ્ટન સાથે રિલેશનશિપમાં છે અને બન્ને એકબીજાના પ્રેમમાં છે. 

ઇમરાન ખાનને ભારતમાં અશાંતિ સર્જવા પાકિસ્તાનથી પૈસા મળે છે : કિરીટ સોમૈયા
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા કિરીટ સોમૈયાએ બૉલીવુડના અભિનેતા ઇમરાન ખાન પર ભારતમાં અશાંતિ ફેલાવવા માટે પાકિસ્તાન અને અન્ય વિદેશી સ્રોતો પાસેથી ભંડોળ મેળવવાનો આરોપ લગાવ્યો છે. કિરીટ સોમૈયાએ ગુરુવારે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરેલા એક વિડિયોમાં આ આરોપ લગાવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઇમરાન ખાન અને અન્ય વિદેશી નાગરિકો ભારતને અસ્થિર કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. કિરીટ સોમૈયાએ વિડિયોમાં દાવો કર્યો હતો કે ‘અમેરિકન નાગરિક ઇમરાન ખાન પાકિસ્તાની ભંડોળ અને વિદેશી સમર્થન મેળવે છે. આવા વિદેશી નાગરિકો ભારતમાં અરાજકતા ફેલાવવા માટે કાવતરાં કરી રહ્યા છે.’

Whatsapp-channel Whatsapp-channel

16 October, 2026 09:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK