MNSના સંદીપ દેશપાંડેએ RSSના મોહન ભાગવતને પત્ર લખીને કહ્યું...
સંદીપ દેશપાંડે અને મોહન ભાગવત
મહારાષ્ટ્ર સરકારે એકથી પાંચ ધોરણ સુધી સ્કૂલોમાં હિન્દી ભાષાને ફરજિયાત કરી છે એ વિશે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે ત્યારે MNSના મુંબઈ અધ્યક્ષ સંદીપ દેશપાંડેએ આ બાબતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતને પત્ર લખ્યો છે.
પત્રમાં સંદીપ દેશપાંડેએ લખ્યું છે કે ‘હિન્દુસ્તાન પર લગભગ ૨૦૦ વર્ષ મરાઠાઓનું રાજ હતું. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહિતનાં અનેક રાજ્યોમાં મરાઠાઓનું સામ્રાજ્ય હોવા છતાં આ પ્રદેશોમાં રહેતા લોકો પર મરાઠી ભાષા ક્યારેય થોપવામાં નહોતી આવી. મહારાષ્ટ્રમાં રહેતો મરાઠી માણસ હિન્દુ છે, ગુજરાતમાં રહેતો ગુજરાતી માણસ હિન્દુ છે, તામિલ ભાષા બોલનારો પણ હિન્દુ છે. પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, દ્રવિડ ઉત્કલ બંગ આપણા દેશના રાષ્ટ્રગીતમાં છે. વિવિધતામાં એકતા એ માત્ર ભારતની વિશેષતા નથી, આપણા હિન્દુ ધર્મની પણ વિશેષતા છે. ખ્રિસ્તી ધર્મ પાળનારા બધા અંગ્રેજી નથી બોલતા. તેઓ પણ જર્મન, ફ્રેન્ચ કે સ્પૅનિશ ભાષા બોલે છે. એક સમૂહની ભાષા બીજા સમૂહ પર થોપવાથી ધર્મ ન વધી શકે. પાકિસ્તાનના બંગાળી ભાષા બોલનારા મુસ્લિમ હોવા છતાં ભાષાની સખતાઈને લીધે જુદા દેશ બન્યા એ તાજો ઇતિહાસ છે. મહારાષ્ટ્ર સરકાર હિન્દી ભાષા ફરજિયાત કરી રહી છે એનાથી હિન્દુ સમાજમાં ફૂટ પડશે. આથી હિન્દુ સમાજ એકત્રિત થવાને બદલે વિભાજન થવાની વધુ શક્યતા છે. RSS એક વૈચારિક સંગઠન છે. આથી હિન્દુ ધર્મમાં ફૂટ પાડવાના પ્રયાસને તમે રોકશો એવો વિશ્વાસ છે.’

