ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીતનારા સ્વપ્નિલ કુસાળેએ ભારત પહોંચીને કહ્યું...
સ્વપ્નિલ કુસાળે
પૅરિસ ઑલિમ્પિક્સમાં શૂટિંગની ૫૦ મીટર રાઇફલ ૩ પોઝિશન્સ ઇવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ જીતનારો સ્વપ્નિલ કુસાળે ગઈ કાલે ભારત આવ્યો હતો. તેનું પુણેના ઍરપોર્ટ પર જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સ્વપ્નિલે પુણેના વિખ્યાત શ્રીમંત દગડુ શેઠ હલવાઈ ગણપતિ મંદિરમાં દર્શન કર્યાં હતાં. મૂળ કોલ્હાપુરના સ્વપ્નિલ કુસાળેએ કહ્યું હતું કે ‘છત્રપતિ શિવાજી મહારાજના મહારાષ્ટ્રમાં જન્મ લેવાનો મને ગર્વ થાય છે. મને મારા દેશ માટે મેડલ જીતવાની તક મળી એ માટે હું કૃતજ્ઞ છું. આટલાં વર્ષ બાદ ઑલિમ્પિક્સના લેવલ પર દેશ અને રાજ્ય માટે મેડલ જીતવા માટેની તક મળી એ મારા માટે બહુ મોટી વાત છે.’
સ્વપ્નિલ કુસાળે ગઈ કાલે બપોરે પુણેના ઍરપોર્ટ પર પહોંચ્યો ત્યારે તેના ભાઈ સહિત પરિવાર અને સમર્થકોએ સ્વાગત કરવાની સાથે પુણેમાં રૅલી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે ૭૨ વર્ષ બાદ મહારાષ્ટ્રના કોઈ ખેલાડીએ વ્યક્તિગત મેડલ ઑલિમ્પિક્સમાં મેળવ્યો છે એટલે મહારાષ્ટ્ર સરકારે સ્વપ્નિલને એક કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત પણ કરી છે. સેન્ટ્રલ રેલવેએ પણ તેને ટિકિટ કલેક્ટરમાંથી ઑફિસર તરીકે પ્રમોશન આપવાની જાહેરાત કરી છે.


