કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજની વિઝન-૨૦૫૦ની રૂપરેખા તૈયાર કરવા મળેલી સભામાં વસતિ વધારવા માટે આવનારી પેઢીને પ્રોત્સાહન આપવા, ભણતરનો બોજ વ્યક્તિ પર પડે નહીં એ માટે સમાજ તરફથી આર્થિક પીઠબળ પૂરું પાડવા અને સિનિયર સિટિઝનો માટે સારી વ્યવસ્થા ઊભી કરવા સભા
કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજના વિઝન-૨૦૫૦ની રૂપરેખા તૈયાર કરવા માટે થાણેમાં મળેલી અગ્રણીઓની સભા.
થાણેના યેઉરમાં સભાનું આયોજન કરવામાં આવ્યું
કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજની માન્યવર સંસ્થાઓને એક છત્ર હેઠળ લાવીને સમાજની નવી પેઢીના ઉત્થાન, ઉત્કર્ષ અને ચિંતન માટે વિઝન-૨૦૫૦ની રૂપરેખા તૈયાર કરવા અને એના પર ચર્ચા-વિચારણા કરવા માટે શનિવારે કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજના અગ્રણી અને પ્રમુખ ચંદ્રકાંત ગોગરીના થાણેમાં હિલ સ્ટેશન યેઉરના ફાર્મહાઉસ પર સમાજના ૩૦૦થી વધુ અગ્રણીઓની એક સભા યોજવામાં આવી હતી. આ સભામાં સમાજની પ્રવૃત્તિઓને વેગ આપવા, નવા વિશ્વ તરફ મંડાણ માંડવા, નવી ટેક્નૉલૉજી અને વિકાસની તકો શોધી, એકબીજાના પૂરક બની, રાજકીય વગનો ઉપયોગ કરી, સકારાત્મક વિચારોનું આદાન-પ્રદાન કરીને આવનારાં વર્ષોમાં સમાજને એક અલગ દિશા તરફ લઈ જવા માટે સમાજના વિવિધ ભાગોમાંથી હાજર થયેલા અગ્રણીઓએ તેમના વિચારો આદાનપ્રદાન કર્યા હતા. આ આયોજન ચંદ્રકાંત ગોગરી અને દીપક ભેદાના પ્રયાસોથી કરવામાં આવ્યું હતું જે સફળતાપૂર્વક પાર પડ્યું હતું. એમાં આજના સમયમાં સમાજની પ્રવૃત્તિઓને સમાજની અને એમાં પણ યુવા વર્ગની જરૂરિયાતો અને તેમના વિકાસને અનુલક્ષીને કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
આ બાબતની માહિતી આપતાં કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજના અગ્રણી રમણીક સંગોઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા સમાજની મોભી સંસ્થાઓને એક તાંતણે બાંધીને ૨૦૫૦ તરફ જઈ રહેલા વિશ્વની સાથે સમાજની પ્રવૃત્તિઓને વેગ આપવા અમે સૌ યેઉરમાં ભેગા થયા હતા. આજના સમયમાં સમાજની પ્રવૃત્તિઓને સમાજની અને એમાં પણ યુવા વર્ગની જરૂરિયાતો અને તેમના વિકાસને અનુલક્ષીને કરવાનો સમય આવી ગયો છે. શનિવારે અમે અમારી સભામાં યુવાનોને શિક્ષણ અને સ્કૉલરશિપ આપવી, માંદગી સામે રક્ષણ પૂરું પાડવા મેડિક્લેમ માટે પ્રોત્સાહન આપવું, જનગણના વધારવા આવનારી પેઢી એક બાળક બસ નહીં પણ હમ દો, હમારે તીનની નીતિને પ્રોત્સાહન આપવું, ભણતરનો બોજ વ્યક્તિ પર ન નાખતાં સમાજ તરફથી આર્થિક પીઠબળ પૂરું પાડવું, છૂટાછેડા જેવી જટિલ સમસ્યાના સમાધાન માટે બંને પક્ષે કાઉન્સેલિંગ કરવું, આજની પેઢીની આવક વધારવા નવી તકો પૂરી પાડી તેમનું જીવનધોરણ ઊંચું લાવવું, શારીરિક સજ્જતા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખેલકૂદમાં સમાજના યુવાનો આગળ આવે એ માટે તેમને રમતગમતમાં ભાગ લેવા આર્થિક સહયોગ અને પીઠબળ પૂરું પાડીને પ્રોત્સાહિત કરવા, માદરે વતન કચ્છમાં વિકાસની તકોનું સર્જન કરવું, સમાજની સંસ્થાઓમાં યુવાઓને સ્થાન આપવું જેવા અનેક વિષયો પર સમાજની જાણીતી વ્યક્તિઓ પોતાની વિચારધારા વ્યક્ત કરી હતી.’
આજે પરિવારો નાના થતા જાય છે અને એજ્યુકેશનથી લઈને દરેક ખર્ચામાં પારાવાર વધારો થયો છે એવા સમયે અનિચ્છાએ પણ સિનિયર સિટિઝન માતા-પિતાઓને સાચવવામાં યુવાન દંપતીઓ અસમર્થ બની જાય છે એમ જણાવીને રમણીક સંગોઈએ કહ્યું હતું કે ‘આવાં માતા-પિતા કુદરતના ખોળે સ્વતંત્ર અને મોટી ઉંમરે સારું જીવન જીવી શકે એ માટેની વ્યવસ્થા ઊભી કરવા માટેની પણ આ તબક્કે વિચારણા કરવામાં આવી હતી. આવાં માતા-પિતાઓ માટે નિવાસસ્થાનો ઊભાં કરીને ખર્ચના પૈસા તેમની પાસેથી લઈને તેમને તેમના જેવા જ સહાધ્યાયીઓ મળે, તેઓ ત્યાં ધર્મધ્યાન કરીને આધ્યાત્મિક જીવન જીવી શકે અને કોઈના ઓશિયાળા બનીને ન રહે એવી યોજના પણ અમે તૈયાર કરી રહ્યા છીએ.’
વિઝન-૨૦૫૦ વિશેની માહિતી વિસ્તૃત રીતે આપતાં કાર્યક્રમના મુખ્ય સંચાલક જતીન છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલાં તો આજની પેઢી સંતાનો કરવા તૈયાર જ નથી. તેઓ આજના એજ્યુકેશન અને અન્ય ખર્ચાઓને લઈને તૈયાર થાય તો પણ એક કે બે બાળકોથી વધારે કરવા તૈયાર નથી. એને કારણે સમાજની વસતિ દિનપ્રતિદિન ઘટતી જાય છે જે ચિંતાનો વિષય છે. આના માટે આજના યુવાનોને માર્ગદર્શન આપી, સમાજની સાથે જોડીને તેમની માનસિક મૂંઝવણ દૂર કરવા વિઝન-૨૦૫૦ હેઠળ સમાજ તરફથી પ્રયાસ કરવામાં આવશે. લગ્ન પણ હવે એક વિકટ પ્રશ્ન બની ગયો છે. એકબીજા માટે વધુ પડતી અપેક્ષાઓ હોવાથી યોગ્ય પાત્રો મળતાં નથી અને ઉંમર વધતી જાય છે. અંતમાં મોટી ઉંમરે અપેક્ષાઓ પડતી મૂકીને કૉમ્પ્રોમાઇઝ કરવુ પડતું હોય છે. આ સમસ્યાના નિવારણ માટે પણ સમાજ વિઝન-૨૦૫૦માં કાઉન્સિલિંગ શરૂ કરવા ઇચ્છે છે. આજે મેડિકલના ખર્ચા વધી ગયા છે ત્યારે મેડિક્લેમ હોવા છતાં સમાજના આર્થિક રીતે નબળા વર્ગોના લોકો માટે સમાજ શું કરી શકે એના પર પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. એક વાર અમારો પ્લાન તૈયાર થઈ જશે પછી એને અમારા ૫૨-૪૨ ગામોના પ્રતિનિધિઓને સોંપીને એના પર અમલ કરવાનું કહેવામાં આવશે.’

