Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વાઇફ પાસેની ‘ડિમાન્ડ’ પૂરી ન થઈ શકવાનું ચેતન ગાલાનું ફ્રસ્ટ્રેશન અંતે કાતિલ બન્યું?

વાઇફ પાસેની ‘ડિમાન્ડ’ પૂરી ન થઈ શકવાનું ચેતન ગાલાનું ફ્રસ્ટ્રેશન અંતે કાતિલ બન્યું?

28 March, 2023 09:17 AM IST | Mumbai
Mehul Jethva | mehul.jethva@mid-day.com

૪૦ દિવસથી વાઇફ અને પરિવાર સાથેનું અંતર ચેતનને કોરી ખાતું હતું: વાઇફ સાથે એકાંતની માગણી કરતો, પણ સંતાનો કોઈ કાળે મમ્મીને તેની પાસે મોકલવા તૈયાર નહોતાં : સતત વધતી જતી આ હતાશા ટ્રિગર બની?

સાઉથ મુંબઈમાં વી.પી. રોડ પર આવેલી ગાલા પરિવારની દુકાન (તસવીર : આશિષ રાજે)

Grant Road Murder

સાઉથ મુંબઈમાં વી.પી. રોડ પર આવેલી ગાલા પરિવારની દુકાન (તસવીર : આશિષ રાજે)


ગ્રાન્ટ રોડ પાર્વતી મૅન્શન બિલ્ડિંગમાં રહેતા અને મૂળ કચ્છ સામખિયાળીના ૫૪ વર્ષના ચેતન રતનશી ગાલાએ કયા કારણસર ખુન્નસમાં આવી આડોશપાડોશના લોકો પર છરી વડે ઘાતકી હુમલો કર્યો હતો એવી ચકચાર જગાવનાર ઘટનામાં હુમલાનો ભોગ બનેલી પાંચમાંની ત્રણ વ્યક્તિનાં મોત થયાં છે. એક મહિલાનો હાલમાં પણ હૉસ્પિટલમાં ઇલાજ ચાલુ છે. ઘટના પહેલાં એવું તે શું થયું કે ચેતનને આટલું ઘાતકી રૂપ લેવું પડ્યું એની માહિતી ડી. બી. માર્ગ પોલીસ સ્ટેશનના અધિકારીએ આપી હતી. ૪૦ દિવસથી ચેતનથી તેની પત્ની અને તેનો પરિવાર અલગ રહેતાં હતાં અને એ દરમ્યાન ચેતને ઘણી વાર પત્ની સાથે એકાંતમાં મળવાની  ડિમાન્ડ કરી હતી, પણ એ પૂરી નહોતી થતી. આનાથી કંટાળીને ચેતને છેલ્લા દાવ તરીકે ડિવૉર્સની ધમકી આપી હતી, પણ તેનાં સંતાનોએ કહ્યું હતું કે સાત જન્મમાં પણ મમ્મી તમારી સાથે નહીં રહેવા આવે.

પત્ની અને બાળકો કેમ છોડીને ગયાં?
પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર, ચેતનનું આશરે બે વર્ષ પહેલાં હાર્ટનું ઑપરેશન થયું હતું, જેમાં તેને સ્ટેન્ટ બેસાડવામાં આવી હતી. એ પછી ચેતન પોતાને કમજોર માનવા લાગ્યો હતો. એની સાથે તેણે કામ પણ મૂકી દીધું હતું. પોતાની પાસે પૈસા ન હોવાથી હંમેશાં હતાશ રહેતો હોવાથી અવારનવાર પત્ની અને બાળકો સાથે ઝઘડા થતા હતા. જોકે ૪૦ દિવસ પહેલાં પત્ની અને બાળકો તેને આ જ કારણોસર છોડીને ચાલ્યાં ગયાં હતાં.



પત્ની અને બાળકોને પાછાં લાવવા માટે કોશિશ કરી
ચેતન હાલમાં તમામ લોકોની નજરમાં એક વિલન છે. જોકે તેનાં પત્ની અને બાળકોને તે ખૂબ જ પ્રેમ કરતો હતો. જ્યારથી તેનાં પત્ની અને બાળકો તેને છોડીને ગયાં હતાં ત્યારથી તે પોતાને એકલો ફીલ કરી રહ્યો હતો. તેણે બાળકો અને પત્નીને વારંવાર પાછાં આવવા માટે ફોર્સ કર્યો હતો. જોકે તેમણે ઇનકાર કર્યો હતો. ચેતને પત્ની સાથે વાત કરતાં કેટલીક વાર એવું પણ કહ્યું હતું કે મને તમારી જરૂર છે, ભલે તમે અલગ રહો પણ દિવસમાં મારી સાથે માત્ર અડધો કલાક વિતાવો. જોકે એમ કરવાનો પણ પત્ની અને બાળકોએ ઇનકાર કર્યો હતો.


છેલ્લો પાસો તેણે એવો ફેંક્યો હતો કે 
પત્ની અને બાળકોને ડરાવવા માટે તેણે કહ્યું હતું કે તારે મારી સાથે નથી રહેવું તો તું મને ડિવૉર્સ આપી દે ને અલગ રહે. ચેતનને હતું કે ડિવૉર્સના ડરથી પત્ની અને બાળકો પાછાં આવી જશે. જોકે એમાં સાવ ઊંધું પડ્યું હતું અને પત્ની અને બાળકોએ તેને ડિવૉર્સ પેપર તૈયાર કરાવવા માટે કહી દીધું હતું અને એ આપવા માટે તૈયાર પણ થયાં હતાં. એવું માનવામાં આવે છેકે ડિવૉર્સ માટે પરિવાર તૈયાર થયા બાદ જ તેણે વિલન ગણાતા લોકોને મારવાનો પ્લાન રચ્યો હતો, જેના માટે તેણે ચાકુ ખરીદ્યું હતું.

શુક્રવારે બપોરે શું થયું હતું?
શુક્રવારે બપોરે પત્ની અને પુત્રી ચેતનનું ટિફિન લઈને આવી હતી. દરમિયાન તેઓ સાથે રહેવા ઇચ્છતા ચેતને પુત્રી અને પત્નીને પાછાં અહીં ચાલ્યાં આવો એવી અપીલ કરી હતી. જોકે એ સમયે પુત્રીએ તેને એવું કહ્યું હતું કે સાત જન્મ થઈ જશે તો પણ હવે મમ્મી કે પછી અમે તમારી સાથે રહેવા નહીં આવીએ. આ વાતથી એકાએક રોષે ભરાયેલા ચેતને ખૂની ખેલ રમી નાખ્યો હોવાનું કહેવાય છે. 


હસમુખો ચેતન વિલ્સનમાં ભણ્યો છે
ચેતન ગાલા અભ્યાસમાં ખૂબ હોશિયાર હતો, જેણે ૧૨મા ધોરણનો અભ્યાસ વિલ્સન કૉલેજથી કર્યો છે. એચએસસી પછી ઘરની જવાબદારી સંભાળવા માટે તે પોતે વ્યવસાયમાં જોડાયો હતો. ગાર્મેન્ટ લાઇનમાં કામ કર્યું હોવાથી ચેતનનો સ્વભાવ પહેલેથી હસમુખો અને અજાણ્યાઓ સાથે તરત હળીભળી જવાનો હતો. આશરે ૧૧ વર્ષ પહેલાં નાઇટી અને લેડીઝ વેઅરનો વ્યવસાય કરતા ચેતનની લાઇફમાં યુ-ટર્ન આવ્યો. તેની ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન ચાલી ગઈ હતી જેના પછી તેણે પોતાનો વ્યવસાય ઘરેથી કરવાની કોશિશ કરી હતી, જે ચાલ્યો નહોતો.

દુનિયા ભલે ત્રસ્ત,ચેતન જેલમાં મસ્ત

ગ્રાન્ટ રોડમાં આવેલા પાર્વતી મૅન્શન બિલ્ડિંગમાં ગયા શુક્રવારે બપોરે ત્રણ જણની હત્યા અને અન્ય બે વ્યક્તિને ચાકુ મારીને ગંભીર ઈજા પહોંચાડનાર ચેતન ગાલા જેલમાં મજાથી રહેતો હોવાનું જાણવા મળ્યું છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘ચેતનને આ લોકોની હત્યા કર્યા પછી કોઈ પણ પ્રકારનો પસ્તાવો નથી થતો. પહેલા દિવસ તેને માત્ર ૧૮ વર્ષની કિશોરીની હત્યા કર્યાનો પસ્તાવો થઈ રહ્યો હતો. ચેતન છેલ્લા બે દિવસથી સારા મૂડમાં છે અને પોલીસ અધિકારીઓને સ્ટેટમેન્ટ આપી રહ્યો છે. ડીબી માર્ગ પોલીસ સ્ટેશનના અધિકારીઓ જન્મથી અત્યાર સુધી કઈ રીતનું જીવન વિતાવ્યું એ સંદર્ભની પૂછપરછ કરી રહ્યા છે, જેનાં ૧૨ પાનાં છે. આગળ પાનાં વધવાની શક્યતા છે. સવારે નાસ્તો, બપોરે જમવાનું અને રાતે ડિનરનો ટેસ્ટ માણી રહ્યો છે. જોકે તેને પાન-બીડી કે અન્ય કોઈ વ્યસન ન હોવાથી પોલીસ સ્ટેશનનું વાતાવરણ તેને માફક આવી ગયું હોય એવું લાગી રહ્યું છે.’

 

Whatsapp-channel Whatsapp-channel

28 March, 2023 09:17 AM IST | Mumbai | Mehul Jethva

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK