શું ચીચી ઇલેક્શન નથી જ લડવાનો?
ગોવિંદા
ભૂતપૂર્વ સંસદસભ્ય અને બૉલીવુડના ઍક્ટર ગોવિંદાએ તાજેતરમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનામાં જાહેર પ્રવેશ કર્યો ત્યારે તેને મુંબઈની એક બેઠકની ઉમેદવારી સોંપવાની ચર્ચા શરૂ થઈ હતી. જોકે આવી અટકળોને બ્રેક લાગે એવા સમાચાર ગઈ કાલે સામે આવ્યા હતા. જાણવા મળ્યું છે કે ૧૯ એપ્રિલે લોકસભાની પહેલા તબક્કાની ચૂંટણીના મતદાન પહેલાં ગોવિંદા ૪, ૫ અને ૬ એપ્રિલે રામટેક; ૧૧ અને ૧૨ એપ્રિલે યવતમાળ; ૧૫ અને ૧૬ એપ્રિલે હિંગોલી; ૧૭ અને ૧૮ એપ્રિલે બુલડાણામાં પ્રચાર કરશે. જોકે ગોવિંદા માત્ર પ્રચારક રહેશે કે તેને ઉમેદવારી સોંપવામાં આવશે એ મહાયુતિના તમામ ઉમેદવારોની જાહેરાત થયા બાદ જ ખ્યાલ આવશે. ગોવિંદાએ શિવસેનામાં પ્રવેશ કર્યો હતો ત્યારે ખુદ મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ગોવિંદા તેમના પક્ષના સ્ટાર પ્રચારક હશે. ઉલ્લેખનીય છે કે ૨૦૦૮માં રાજકારણને રામ-રામ કરનારા ગોવિંદાએ ૨૮ માર્ચે ફરી રાજકારણમાં એન્ટ્રી મારી હતી.