એકાદ વર્ષથી કિડનીની બીમારીથી પરેશાન પુત્રીની રિકવરીના ચાન્સ ન દેખાતાં માનવતાનો નિર્ણય લીધો
ક્રિધા પુરેચા મમ્મી-પપ્પા એકતા-કૌશલ સાથે
ગોરેગામમાં રહેતા કચ્છી ભાટિયા સમાજના પેરન્ટ્સે તેમની પોણાત્રણ વર્ષની કિડનીની બીમારીથી પરેશાન પુત્રીનું લિવર અને આંખના કૉર્નિયા ડોનેટ કરીને ઑર્ગન ડોનેશનની પ્રેરણા પૂરી પાડી છે. બાળકીએ ગઈ કાલે સવારે બાંદરાની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આટલી નાની ઉંમરની બાળકી ચંદ્ર પર જવા માગતી હતી અને ચંદ્રયાન ૩ને લૉન્ચ કરવામાં આવ્યું હતું એ જ દિવસથી તેની તબિયત ખરાબ થઈ હતી અને બાદમાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. આથી બાળકીના પેરન્ટ્સ માને છે કે તેમની વહાલસોયી પુત્રી ચંદ્રની યાત્રાએ નીકળી ગઈ છે.
ગોરેગામમાં રહેતાં પ્રોફેશનલ સિંગર એકતા કૌશલ પુરેચાએ ૨૦૨૦ની ૯ ઑક્ટોબરે પુત્રી ક્રિધાને જન્મ આપ્યો હતો. દોઢેક વર્ષ સુધી ક્રિધાને કોઈ તકલીફ નહોતી, પણ બાદમાં તેને કિડનીની તકલીફ શરૂ થઈ હતી. તપાસ કરાવતાં ડૉક્ટરોએ કહ્યું હતું કે કિડનીનું કામ શરીરમાંથી કચરાને બહાર ફેંકીને શરીરને જરૂર તત્ત્વો પૂરાં પાડવાનું છે. જોકે ક્રિધાની કિડની એનાથી ઊલટું કામ કરતી હતી. સામાન્ય રીતે બાળકોમાં આવી બીમારી આઠથી દસ વર્ષની ઉંમરે લાગુ પડતી હોય છે, પણ ક્રિધા દોઢ જ વર્ષની થઈ ત્યારથી તેને આવી તકલીફ શરૂ થઈ હતી.
ADVERTISEMENT
સારવાર શરૂ કરી
ક્રિધાનાં મમ્મી એકતા પુરેચાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આટલી નાની ક્રિધાને કિડનીની સારવાર ન થઈ શકે એવી બીમારી લાગુ પડવાની જાણ થતાં હું અને મારો પતિ કૌશલ ચોંકી ગયાં હતાં. જોકે અમે હિંમત રાખી હતી અને દીકરીની ટ્રીટમેન્ટ શરૂ કરી હતી. ક્રિધા માત્ર દોઢ વર્ષની હોવા છતાં તે ખૂબ જ બ્રેવ અને તકલીફ સહન કરનારી હતી. બચવાની કોઈ શક્યતા ન હોવા છતાં અમે તેનું ઑપરેશન કરાવ્યું હતું.’
ચંદ્ર પર જવા માગતી હતી
એકતા પુરેચાએ પુત્રી ક્રિધા ચંદ્ર પર જવા માગતી હતી એ વિશે કહ્યું હતું કે ‘ક્રિધા કહેતી કે તે ચંદ્ર પર જવા માગે છે. ૧૪ જુલાઈએ ચંદ્રાયન ૩ લૉન્ચ કરવામાં આવ્યું એ દિવસે ક્રિધાને કુદરતી રીતે શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી હતી એટલે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. મને લાગે છે કે એ જ દિવસે ક્રિધા ચંદ્ર પર જવા નીકળી ગઈ. રિકવરીના કોઈ ચાન્સ ન હોવા છતાં અમે ચાર દિવસ તેને વેન્ટિલેટર પર રાખી હતી.’
લિવર-કૉર્નિયા ડોનેટ કર્યાં
ક્રિધાના બચવાના કોઈ ચાન્સ નહોતા અને તેને બે વખત હાર્ટ-અટૅક આવી ગયા બાદ ઑર્ગન ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો એ વિશે એકતા પુરેચાએ કહ્યું હતું કે ‘ગણતરીના કલાકમાં ક્રિધા આપણી વચ્ચે નહીં રહે, પણ તેના શરીરનાં ઑર્ગન્સ કોઈકને કામ આવશે અને પુત્રી તેમના શરીરમાં જીવતી રહેશે એમ માનીને મેં પતિ કૌશલને ક્રિધાનાં ઑર્ગન ડોનેટ કરવા વિશે વાત કરી હતી. તેઓ પણ મારા વિચાર સાથે સંમત થયા અને અમે પુત્રી ક્રિધાનું હૃદય, લિવર અને કૉર્નિયા ડોનેટ કરવાની તૈયારી દાખવી હતી. જોકે ક્રિધાને બે વખત હાર્ટ-અટૅક આવી ગયો હતો એટલે તે નબળી પડી જતાં ડૉક્ટરોએ લિવર અને કૉર્નિયા જ ડોનેટ થઈ શકશે એમ કહ્યું હતું. શરીરના અવયવો ડોનેટ કર્યા બાદ અમે હૉસ્પિટલથી નીકળીને ઘરે પહોંચ્યા છીએ.’


