GBS Outbreak in Mumbai: આ દરમિયાન તેમને ગુઇલેન-બૈરે સિન્ડ્રૉમ (GBS) હોવાનું નિદાન થતાં, તેમને નાયર હૉસ્પિટલમાં યોગ્ય સારવાર આપવામાં આવી રહી હતી. જોકે ડૉક્ટરોના અનેક પ્રયાસો છતાં, ૧૧ ફેબ્રુઆરીએ તેમનું અવસાન થયું, હોવાની માહીતી આરોગ્ય વિભાગે આપી હતી.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના મુંબઈ અને પુણે સહિત બીજા અનેક જિલ્લાઓમાં ‘ગુઇલેન-બૈરે સિન્ડ્રૉમ’ (GBS)ના રોગથી પીડાતા અને મૃત્યુ થનારાઓની સંખ્યામાં વધારો આવ્યો છે. હાલમાં મુંબઈની એક હૉસ્પિટલમાં ગુઇલેન-બૈરે સિન્ડ્રૉમને કારણે એક ૫૩ વર્ષના વ્યક્તિનું મૃત્યુ થયું છે, જે શહેરમાં આ દુર્લભ રોગને લીધે થયેલું પહેલું મૃત્યુ છે. આ મૃત્યુનું અધિકારીઓએ બુધવારે સવારે પુષ્ટિ કરી હતી.
એફ નોર્થ વોર્ડના ૫૩ વર્ષીય વ્યક્તિને ૨૩ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ પગમાં નબળાઈ જણાતા નાયર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વડાલા વિસ્તારના રહેવાસી અને હૉસ્પિટલમાં વોર્ડ બૉય તરીકે નોકરી કરતા હતા. હૉસ્પિટલમાં દાખલ થયા બાદ શ્વાસ લેવામાં તકલીફ જણાતા તેમને ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) માં શિફ્ટ કરી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમને ગુઇલેન-બૈરે સિન્ડ્રૉમ (GBS) હોવાનું નિદાન થતાં, તેમને નાયર હૉસ્પિટલમાં યોગ્ય સારવાર આપવામાં આવી રહી હતી. જોકે ડૉક્ટરોના અનેક પ્રયાસો છતાં, ૧૧ ફેબ્રુઆરીએ તેમનું અવસાન થયું, હોવાની માહીતી આરોગ્ય વિભાગે આપી હતી. દર્દીને તાવ કે ઝાડાના કોઈ લક્ષણો નહોતા પરંતુ તેમનો હાઈ બ્લડ પ્રેશરની મેડિકલ હિસ્ટરી હતી. હૉસ્પિટલમાં દાખલ થયાના ૧૬ દિવસ પહેલા તે પુણે ગયા હતા. આ દરમિયાન, પાલઘરની એક ૧૬ વર્ષની છોકરીને પણ નાયર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને તેને ગુઇલેન-બૈરે સિન્ડ્રૉમ (GBS) માટે સારવાર આપવામાં આવી રહી છે. અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે, અંધેરી (પૂર્વ) ની રહેવાસી 64 વર્ષીય મહિલાને GBS થયું હોવાનું નિદાન થયા પછી, મુંબઈમાં 7 ફેબ્રુઆરીએ GBS નો પહેલો કેસ નોંધાયો હતો.
ADVERTISEMENT
GBS એક દુર્લભ સ્થિતિ છે જેમાં વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ પેરિફેરલ નર્વ્સ પર હુમલો કરે છે, જેના પરિણામે સ્નાયુઓ નબળા પડે છે, પગ અથવા હાથમાં બહેર મારી જવાની સાથે, ખોરાક કે પાણીને ગળવામાં કે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. બુધવારે થયેલા મૃત્યુથી મહારાષ્ટ્રમાં આ દુર્લભ ન્યુરોલોજીકલ ડિસઓર્ડરથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 8 પહોંચી ગઈ છે. મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગ મુજબ, 11 ફેબ્રુઆરી સુધી કુલ 192 લોકોને ગુઇલેન-બેરે સિન્ડ્રૉમ (GBS) નો ચેપ લાગ્યો હોવાની શંકા છે. GBS ના કુલ 172 કેસ પુષ્ટિ થયા છે અને આ રોગને કારણે અત્યાર સુધીમાં કુલ સાત મૃત્યુ નોંધાયા હતા. મોટાભાગના કેસ પુણે અને આસપાસના વિસ્તારોમાંથી છે. માહિતી મુજબ, 40 કેસ પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC) વિસ્તારમાંથી છે જ્યારે 92 કેસ PMC વિસ્તારના નવા ઉમેરાયેલા ગામડાઓમાંથી છે. પિંપરી ચિંચવડમાં 29 કેસ નોંધાયા છે જ્યારે પુણે ગ્રામીણ વિસ્તારમાંથી 28 જીબીએસના કેસ નોંધાયા છે. અન્ય જિલ્લાઓમાંથી આઠ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 104 દર્દીઓને રજા આપવામાં આવી છે જ્યારે તેમાંથી 50 દર્દીઓ ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) માં છે. અન્ય 20 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
આરોગ્ય વિભાગે ગઈકાલે આપેલા અહેવાલમાં ઉલ્લેખ કર્યો હતો કે મહારાષ્ટ્રમા ગુઇલેન-બૈરે સિન્ડ્રૉમ (GBS)ને કારણે વધુ એક મોત થતાં એનો આંકડો હવે ૭ પર પહોંચી ગયો છે. રાજ્યના હેલ્થ ડિપાર્ટમેન્ટના કહેવા મુજબ અત્યાર સુધી GBSના ૧૯૨ શંકાસ્પદ કેસ મળી આવ્યા છે જેમાંથી ૧૬૭ કેસ GBSના જ હોવાનું કન્ફર્મ થયું છે. પુણેની હૉસ્પિટલમાં GBSને કારણે મૃત્યુ પામેલો સાતમો માણસ પુણેનો ૩૭ વર્ષનો ડ્રાઇવર હતો. તેને પહેલાં પુણેની જ એક હૉસ્પિટલમાં પગમાં બહેર મારી જવાથી અને અશક્તિ લાગતાં લાવવામાં આવ્યો હતો. જોકે એ પછી તેનાં સગાં તેને કર્ણાટકના નિપાણી લઈ ગયાં હતાં. એ પછી તેને સાંગલીની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેને GBSની સારવાર હેઠળ ઇન્ટરવેનસ ઇમ્યુનોગ્લોબ્યુલિનનાં ઇન્જેક્શન આપવામાં આવ્યાં હતાં. પાંચ ફેબ્રુઆરીએ હૉસ્પિટલે ડિસ્ચાર્જ ન આપ્યો હોવા છતાં તેનાં સગાંએ મેડિકલ ઍડ્વાઇઝને અવગણીને તેને ત્યાંથી ખસેડી પુણેની કમલા નેહરુ હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો જ્યાં ૯ ફેબ્રુઆરીએ હાર્ટ-અટૅક આવતાં તેનું મૃત્યુ થયું હતું.
હાલ GBSના ૧૯૨ શંકાસ્પદ કેસમાંથી ૧૩૦ કેસ પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (PMC)માં નોંધાયા છે, જેમાંથી ૯૧ કેસ PMCમાં જોડાયેલાં નવાં ગામોમાં જોવા મળ્યાં છે. ૨૯ પિંપરી-ચિંચવડમાં નોંધાયા છે, પચીસ પુણે ગ્રામીણમાં અને અન્ય ૮ બીજા જિલ્લાઓમાં નોંધાયા છે. હાલ ૪૮ દરદીઓને ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે ૨૧ દરદીઓને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ૯૧ દરદીઓને સારવાર આપી રજા આપી દેવામાં આવી છે. ગુઇલેન-બૈરે સિન્ડ્રૉમ અંતર્ગત દરદીના પગ બહેર મારી જાય છે અને એમાં સખત અશક્તિ લાગે છે તેમ જ પગમાં પૅરૅલિસિસ જેવી અસર પણ થાય છે.

