મુંબઈમાં આવેલા ગિરગામ, જુહુ, વર્સોવા, ગોરાઈ અને મઢ સહિતના બીચ ઉપરાંત ગણેશની મૂર્તિ વિસર્જન કરવા માટે બીએમસી દ્વારા કૃત્રિમ તળાવ પણ બનાવવામાં આવ્યાં છે
ગણેશોત્સવના પાંચમા દિવસે ગઈ કાલે બોરીવલીના ગોરાઈ બીચ ખાતે ગૌરી ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું (તસવીર : અનુરાગ અહિરે)
ગણેશોત્સવના ગઈ કાલે પાંચમા દિવસે મુંબઈમાં ૮,૧૯૮ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ઘરમાં સ્થાપિત કરવામાં આવેલી ૭,૩૯૮ મૂર્તિ, ૭૩૯ ગૌરી ગણપતિની મૂર્તિ અને ૬૧ સાર્વજનિક ગણેશોત્સવની મૂર્તિઓનો આમાં સમાવેશ હોવાનું મુંબઈ બીએમએસીએ જણાવ્યું હતું.
મુંબઈમાં આવેલા ગિરગામ, જુહુ, વર્સોવા, ગોરાઈ અને મઢ સહિતના બીચ ઉપરાંત ગણેશની મૂર્તિ વિસર્જન કરવા માટે બીએમસી દ્વારા કૃત્રિમ તળાવ પણ બનાવવામાં આવ્યાં છે. આવાં તળાવોમાં ૩,૪૪૮ મૂર્તિ વિસર્જિત કરવામાં આવી હતી.
ADVERTISEMENT
પોલીસની માહિતી મુજબ સાર્વજનિક ગણેશોત્સવની ૪૦૨ મૂર્તિ અને ઘરમાં સ્થાપિત કરવામાં આવેલી ૨૬,૮૭૦ મૂર્તિઓમાંથી ૫,૬૯૪ મૂર્તિઓનું પાંચમા દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં ગૌરી ગણપતિનો પણ સમાવેશ હતો.
રાજ્યના સૌથી મોટા ગણેશોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર નીકળતા હોય છે એટલે લોકોની સલામતી માટે ૧૩,૧૭૭ પોલીસ ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસની ૩૨ પ્લૅટૂન અને ક્વિક રિસ્પૉન્સ ટીમો શહેરના વિવિધ ભાગમાં તહેનાત કરવામાં આવી છે.
ગણપતિની મૂર્તિના વિસર્જન માટે ગિરગામ, દાદર, જુહુ, માર્વે અને આક્સા બીચ સહિત ૭૩ સ્થળ ઉપરાંત ૧૯૧ કૃત્રિમ તળાવ ખાતે પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

